Abtak Media Google News
  • ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં મેઘાનો મુકામ: આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અધૂરો ડેમ છલકાયો: 25 ઇંચે ન ભરાય એવો જૂનાગઢનો ‘નવાબી’ વિલીંગ્ડન ડેમ પાંચ ઇંચમાં જ છલકાઇ ગયો
  • 19મી સદીમાં દાતાર, ગીરનાર, જોગણીયા ડુંગરની તળેટીમાં વાય સરોય જે.વિલીંગ્ડન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ડેમમાંથી વર્ષોથી કાપ કઢાયો જ નથી

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચોમાસાનું ધીરેધીરે આગમન થઇ રહ્યું છે ત્યારે જૂનાગઢના ગીરનારના જંગલમાં પડેલા પાંચ ઇંચ વરસાદથી જ વિશાળકાય વિલીગ્ડન ડેમ છલકાઇ જતા જૂનાગઢ શહેરમાં ભારે આનંદ ફેલાઇ ગયું છે. 19મી સદીમાં દાતાર, ગીરનાર અને જોગણીયા ડુંગરની તળેટીમાં નવાબ શાસકોએ દુકાળ વર્ષમાં લોકોને રોજગારી માટે રાહત કામ શરૂ કરાવીને ડેમનું નિર્માણ કર્યું હતું અને બ્રિટનના રાજકુમાર અને વાયસરોય વિલીગ્ડનની કાયમી યાદી માટે ડેમનું ઉદ્ઘાટન તેના હાથ કરાવી તેમનું નામ વિલીગ્ડન રાખ્યું હતું. જૂનાગઢ નવાબ દ્વારા નિર્માણ પામેલ આ ડેમ જૂનાગઢની વસ્તીની 100 વર્ષની ગણતરીએ ડેમ બનાવવામાં આવ્યું હતું. ડેમનું પાણી સિધુ ઉપરકોટ તળાવમાં ભરી ઓટોમેટીક ફિલ્ટર સ્ટેશન મારફત સમગ્ર શહેરમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર વિતરણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ડેમ બન્યું ત્યારે જૂનાગઢના જંગલમાં મોસમનો વરસાદ 25 ઇંચ થાય ત્યારે ડેમ ઓવર ફ્લો થવાનું માપ હતું. પરંતુ વિલીગ્ડન ડેમની વ્યવસ્થા પણ કોર્પોરેશન અને માલિકી અને જવાબદારી વન વિભાગ અને ઇક્કો સેન્સીટીવ ઝોનના કારણે ડેમમાં ફેરફાર અને ખાસ કરીને કાપ કાઢવાની કામગીરી માટે એકથી વધુ તંત્રની જવાબદારી હોવાથી વર્ષોથી વિલીગ્ડન ડેમમાં કાપ ભેગો થાય છે, ક્યારેય કાપ કઢાવવામાં આવ્યો નથી અને અત્યારે ડેમની ક્ષમતા માત્ર 25 ટકા જેટલી જ રહી છે. જો ડેમનો કાપ પૂરેપૂરો કાઢી લેવામાં આવે તો જૂનાગઢ શહેરને પાણી માટે કોઇ બીજા સ્ત્રોતની જરૂર નહીં રહે. 25 ઇંચે ભરાતો આ ડેમ અત્યારે અધૂરો ઘડો જલ્દી ભરાય જાય તેમ પાંચ ઇંચમાં જ છલકાઇ ગયો છે. ગુજરાત સરકાર જળાશયોને ઉંચા ઉતારી જળસંગ્રહ શક્તિ વધારવા માટે સંકલ્પબધ્ધ છે ત્યારે જૂનાગઢનું ઘરેણું અને એક બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન જેવું જૂનાગઢનું વિલીગ્ડન ડેમનું કાપ કાઢી લેવામાં આવે તો આ ડેમ જૂનાગઢની જીવાદોરી બની જાય.

  • કેશોદ પંથકમાં ઓઝત નદીમાં નવા નીરનો આકાશી નજારો

Untitled 1 38

કેશોદના બામણાસા ઘેડ ગામે આકાશમાંથી લેવાયેલી આ તસવીર ઓઝત નદીની છે. ચોમાસું શરૂ થતાં ઉપરવાસમાં પડેલાં વરસાદથી પાણીની પ્રથમ આવક થતાં લીલીછમ ધરતીને ચીરતી હોય તેવા નજારા વચ્ચે નદી કાંઠે એકઠા થયેલાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. 125 કીમી લંબાઈ ધરાવતી ઓઝત નદી અનેક નાની નદીઓનો સમુહ છે. જે બે જિલ્લાઓના અસંખ્ય ગામળાઓને સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડે છે. જેવો શિયાળો કે ઉનાળો શરૂ થાય ત્યારે પાણી ખાલી થતાં નદી સુકીભઠ જોવા મળે છે. જે ચોમાસાની શરૂઆત થતાં ઉપરવાસના પાણીના કારણે ઘેડ પંથકને જળબંબાકાર કરે છે.

  • ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ મેઘકૃપા
  • ગઢડામાં અઢી ઇંચ, મહુવામાં બે ઇંચ અને ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ

ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ગઇકાલે મેઘરાજાએ કૃપા વરસાવી હતી. બંને જિલ્લાઓમાં અડધાથી લઇ અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં 42 મીમી પાણી પડ્યું હતું. જ્યારે જિલ્લાના મહુવામાં સૌથી વધુ 45 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તળાજામાં 14 મીમી પાણી પડ્યું હતું. જ્યારે ગારીયાધાર, ઘોઘા, જેસર, પાલીતાણા અને સિંહોર અને વલ્લભીપુરમાં હળવા ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 18.13 ટકા જેટલો વરસાદ વરસી

ગયો છે. બોટાદ જિલ્લામાં ગઇકાલે ગઢડા તાલુકામાં સૌથી વધુ 68 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદ, બરવાળા અને રાણપુરમાં હળવાથી લઇ મધ્યમ ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 23.11 ટકા વરસાદ વરસી ગયો છે.

  • જામનગર અને મોરબી જિલ્લામાં 3 ઇંચ સુધી વરસાદ
  • ધ્રોલમાં 3 ઇંચ, જામનગર, મોરબી, ટંકારામાં બે ઇંચ વરસાદ, વાંકાનેર અને જોડીયામાં સવા ઇંચ વરસા

જામનગર અને મોરબી જિલ્લામાં હળવા ઝાપટાથી લઇ 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લાના ટંકારા અને મોરબી શહેરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વાંકાનેરમાં સવા ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. માણીયા મિયાણામાં માત્ર ઝાપટું પડ્યું હતું. જામનગર જિલ્લાના ધ્રોલમાં 3 ઇંચ, જામનગર શહેરમાં બે ઇંચ, જોડીયામાં સવા ઇંચ અને જામ જોધપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લામાં સિઝનનો કુલ 14.62 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે જામનગર જિલ્લામાં 20.38 ટકા વરસાદ પડ્યો છે.

  • કેશોદના પ્રાસલીમાં ધોધમાર વરસાદ: ટ્રેકટર પાણીમાં તણાયું

કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ વરસતા પાણીના વહેણમાં ખેડુતે પોતાનો જીવ જોખમમાં મુકી મીની ટ્રેકટર પાણીમાં તણાતા ખેડુતે પાણીમાં કુદકો માર્યો હતો.  જો કે સ્થાનીક લોકોની સાવચેતીથી ખેડુતો આબાદ બચાવ થયો હતો અને કેશોદની બળોદરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. કેશોદ પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

  • પેઢાવાડા ગામે કોડીનાર – વેરાવળ હાઇવે બંધ

ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ત્યારે પેઢાવાડા ગામે ભારે પાણીના પગલે કોડીનાર-વેરાવળ  હાઇવે બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.