Abtak Media Google News

જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા: કાળવા, લોલ, સોનરખ સહિતની નદીઓ બે કાંઠે: સવારથી ભારે વરસાદ

સોરઠ પંથકમાં મેઘા એ મેઘ તાંડવ યથાવત્ રાખતાં હવે વરસાદ વિનાશ સરજી રહ્યો છે, છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલ મુશળધાર વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના 8 ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. અને 50 થી વધુ ગામોને એલર્ટ કરવા પડ્યા છે. આ સાથે ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જિલ્લાના ગામડાઓને જોડતા મોટા ભગના રસ્તાઓ પર પાણી ફરી જતા બંધ થવા પામ્યા છે. વિસાવદરથી જુનાગઢ રોડ ઉપર અનેક વૃક્ષો ધરાવી થયા છે, તો જુનાગઢ – ભેસાણ અને વિસાવદર પણ સુપડાધારે અનરાધાર વરસાદ વરસતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી થઈ જવા પામ્યો છે, અને લોકો ભારે તકલીફો અને મુશ્કેલીમાં મુકાયા છે. જોકે તંત્ર દ્વારા પાણી આવ્યા પછી પાડ બાંધવા જેવી કામગીરી તાબડતોડ હાથ ધરવામાં આવી છે, તે સાથે સરકાર દ્વારા મોકલવામાં આવેલ એનડીઆરએફની ટીમને કેશોદ પંથકની વિકટ પરિસ્થિતિ હોવાના કારણે કેશોદમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અવિરત વરસી રહ્યો છે જેના કારણે જિલ્લો આખો પાણી પાણી થઈ ગયું છે. અને ઘેર વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. તો અનેક ખેતરોમાં થયેલ વાવેતર ઉપર ગોઠવ સમાં પાણી ભરાતા ઉગેલો પાક નિષ્ફળ જાય તેવી ભિતી સાથે ખેડૂતોમાં મુશ્કેલીઓ વધી છે. આ સાથે ગામડાને જોડતા અનેક રસ્તાઓ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો વંથલી તાલુકાના ધંધુસર – જુનાગઢ વચ્ચેનો 50 વર્ષ જૂનો પુલ ઉબેણ નદીમાં ઘોડાપૂર આવતા ધરાસાઈ થયો છે, જેના કારણે અનેક ગામોનો આ મુખ્ય માર્ગ બંધ થઈ જવા પામ્યો છે.

જુનાગઢ જિલ્લામાં આજે સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ફરી બીજા દિવસે પણ 55 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં 16 ઇંચ નોંધાયો હતો આ સાથે ગિરનાર પર્વત અને ગિરનાર જંગલમાં 16 ઇંચ તેમજ ભેસાણમાં 8, ઇંચ જૂનાગઢમાં 6 ઇંચ, વંથલીમાં 6 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ, મેંદરડામાં પ ઇંચ, કેશોદમાં 2 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ અને માળિયામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા કેશોદની વાત કરીએ તો કેશોદમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર ભારે વરસાદ વરસી રહ્યો છે, અને ઓજત સહિતની નદીઓમાં ભારે પુર આવતા કેશોદનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો છે, અહીં ખેતરોમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે, તો ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, તથા અનેક ગામોના રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે. આ સાથે આજે સવારથી જ કેશોદ પંથકમાં મેઘો અવિરત વરસી રહ્યો છે, ત્યારે કેશોદના ઘેડ પંથકની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની છે. જો કે, કેશોદમાં એનડીઆરએફ ને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.

વિસાવદર પંથકમાં પણ ગઈકાલે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મેઘો અવિરત વરસ્યો હતો. અને દે ધનાધન 16 ઇંચ જેટલો વરસાદ થઈ જતા વિસાવદર ટાઉનના રસ્તાઓ ઉપર પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તથા વિસાવદર પંથકની તમામ નદીઓ ગાંડીતૂર થઈ જવા પામી હતી. વિસાવદરમાં પડેલ ભારે વરસાદના કારણે ધ્રાફળ અને આંબા જળ ડેમ છલકાઈ જતા નીચાણ વાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

આ સાથે ભેસાણામાં પણ ગઈકાલે બપોરના 12 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભેસાણ પંથકના અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા, ત્યારે ભેસાણ ના  નીચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાના સમાચારો મળી રહ્યા છે. આ સાથે ભેસાણ પંથકમાં ભારે વરસાદ થતાં ભેસાણ નજીકનો ઉબેણ ડેમ ઓવર ફ્લો થતાં જુનાગઢ, વંથલી અને જેતપુર પંથકના 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જો કે, જૂનાગઢમાં ગઈકાલે વરસાદે સવારમાં અને સાંજે બે મોટી તોફાની બેટિંગ ખેલી  દિવસ દરમિયાન જરમર વરસાદ ચાલુ રાખ્યો હતો જેના કારણે 6 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો તેથી શહેરનો જોષીપરા અંડર બ્રિજમાં પાણી ભરાયેલું રહ્યું હતું, ત્યારે ત્રણ દિવસથી આ અવર બ્રિજ લગભગ 250 થી વધુ સોસાયટીઓને પરેશાન કરી રહ્યો છે. તે સાથે નીચાણ વાળા વિસ્તારોમાં પણ હજુ પાણી ઉતર્યા નથી, અને તંત્ર લાચાર બન્યું છે. ત્યારે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તે સાથે શહેરના અનેક રોડ ધોવાઈ જવા પામ્યા છે. તો શહેરમાં અનેક જગ્યાએ મોટા ખાડા અને ભુવા પડતા વાહન ચાલકો ભારે તકલીફો વેઠી રહ્યા છે,

બીજી બાજુ ગિરનાર પર્વત ઉપર પણ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક વાત મુજબ ગિરનાર જંગલ અને આસપાસના વિસ્તારોમાં પણ 15 ઇંચ જેટલો વરસાદ પડતાં ગિરનાર ઉપર થી પાણીના ધોધ છુટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, ગિરનાર પગથિયા ઉપર નદી વહેતી હોય તેવા અને ભવનાથ વિસ્તારમાં જ્યાં જુવો ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે. આ સાથે ગિરનાર જંગલમાંથી નીકળતી સોનરખ પણ ઘોઘવાટા મારી રહી છે, તો દામોદર કુંડ ત્રીજા દિવસે પણ છલોછલ રહેવા પામ્યો છે. જુનાગઢની કાળવા, લોલ અને સોનરખ નદી હાલમાં બે કાંઠે જઈ રહી છે.

જુનાગઢ જિલ્લાના જળાશયોની સ્થિતિ ઉપર નજર નાખીએ તો આંબાજળ ડેમ, ઉબેણ ડેમ, ઓઝત શાપુર ડેમ, ઓજત -2 ડેમ, ઓજત વંથલી ડેમ, મોટા ગુજરીયા ડેમ, સાબલી ડેમ અને જિલ્લાનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયા છે. અને અમુક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના પગલે લગભગ 50 થી વધુ ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.