Abtak Media Google News

સારા ખોરાકથી સારી હેલ્થ બને ‘મેન્ટલ હેલ્થ’નહી,આજના યુગમાં માનવીએ પોતે જાતે સમજી વિચારીને આનંદિત જીવન વ્યતિત કરવું પડે. માનસિક સ્વસ્થતા જ લાંબુ આયુષ્ય બક્ષે છે

કિશોરાવસ્થાએ જિંદગીનો એક એવો તબકકો છે જેમાં શારીરિક અને માનસિક ફેરફાર ખૂબ થાય છે. અંત: સ્ત્રોવોમાં થતાં ફેરફારોને કારણે નવી નવી લાગણીઓ જન્મે છે

જેમ શરીરનું આરોગ્ય જરૂરનું છે. તેમ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. દવા કરીને સાજા થવું એના કરતા બિમાર ન પડવું એ જ સારું છે. તેથી માનસિક સ્વાસ્થ્ય આરોગ્ય વિહીન ન બને તેની કાળજી રાખવી જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય કે અસ્વાસ્થ્યની પ્રાપ્તિમાં જીવનકલહ, જીવનસંઘર્ષની પ્રાપ્તિમાં જીવનકલહ, જીવનસંઘર્ષ, દબાણ વગેરે મહત્વનો ભાગ ભજવે છે. એનો અર્થ એ થાય કે જે વ્યકિત તેની દરેક ક્ષમતાઓ અને મર્યાદાઓને જાણે અને તે મુજબ વર્તે, અન્ય વ્યકિતઓ સાથે સુમેળ ભર્યો વ્યવહાર રાખે તેમજ સારી નરસી પરિસ્થિતિઓમાં અનુકુળ થઇને જીવી શકે તેવી વ્યકિતને માનસિક રીતે સ્વસ્થ વ્યકિત કહી શકાય.

માનસિક રીતે સ્વસ્થ વ્યકિતનાં લક્ષણો:-

* તે આત્મસંતોષી હોય છે તે હંમેશા આનંદ, શાંતિ અને સન્નતાની અનુભૂતિ કરે છે.

* તે કયારેય  પણ હતાશા કે દુ:ખની લાગણી અનુભવતો નથી. તે પોતે પોતાની જાતને કે સમયને વ્યર્થ સમજતો નથી તેને ‘હવે શું કરીશું’ તેવા પ્રશ્ર્નો મૂંઝવતા નથી. તે પોતાની જાતને કયારેય પણ નફરત કરતો નથી.

* તે મિત્રો, સહાઘ્યાયીઓ, સગા, સંબંધી અને પોતાના વર્તુળના આસપાસની વ્યકિતઓ સાથે સામાજિક સુમેળભર્યા સંબંધો હંમેશા જાળવી રાખે છે.

* તે પોતાના વિષેની ટીકા-ટીપ્પણી, આલોચના કે પ્રતિભાવોને સરળતાથી સ્વીકારી લે છે અને જલ્દીથી નિરાશ થતો નથી.

* તે બીજાઓની ભાવનાઓને સમજે છે. અન્ય લોકો પ્રત્યે આદર અને સન્માનભર્યુ આચરણ કરે છે. તેના પોતાના પ્રત્યે પણ બધાનું વર્તન આદરવાળુ હોય છે.

* માનસિક રીતે તંદુરસ્ત વ્યકિત પોતાની જાતે સંયમી હોય છે અને મન પર કાબૂ કે નિયંત્રણ રાખે છે.

* તે વ્યર્થ ભાવનાઓ, લાગણીઓ, આવેગો કે ઊર્મિઓમાં સહેલાઇથી સરી પડતો નથી. ભય, બીક, ડર, ગુસ્સો, ક્રોધ, પ્રેમ, ઇર્ષા, અપરાધી ભાવના કે ચિંતાઓ જેવી બાબતોનો તેના પર જલ્દી અસર થતી નથી.

* પોતાની સમસ્યાઓ કે મુશ્કેલીઓનો સામનો કરે છે અને પોતાની વિવેકપૂર્ણ, બુઘ્ધિથી તેનું નિરાકરણ લાવી શકે છે.

કિશોરોની માનસિક સમસ્યાઓ:-

* કિશોરાવસ્થા એ જિંદગીનો એક એવો તબકકો છે જેમાં શારીરિક અને માનસિક ફેરફાર ખૂબ થાય છે. અંત:સ્ત્રાવોમાં થતા ફેરફારોથી વિકાસમાં ઝડપથી થતા શારીરિક ફેરફારોને કારણે નવી નવી લાગણીઓ થાય છે.

* તેનાથી મૂંઝવણ અને ચિંતા થાય છે સાચી માહિતીનો અભાવ કિશોરોની આસપાસનું પ્રતિકૂળ સામાજિક પર્યાવરણ અને જે તે સમયે માતા-પિતા અને શિક્ષકો તરફથી માર્ગદર્શનનો અભાવ તેઓમાં વર્તણુંક નિર્ધારણની સમસ્યાઓ પેદા કરે છે.

* એકબાજુ તરૂણોમાં ઉત્સાહ, ઉત્કંઠા, આતુરતા અને સાહસ વગેરે ગુણો જોવા મળે છે તો બીજી બાજુ વધારે પડતી આળપંપાળ, સખ્તાઇ, શિસ્તનો આગ્રહ, નિર્ણયોમાં સ્વાતંત્ર્યનો અભાવ, આજ્ઞાંકિતપણાનો આગ્રહ જેવી બાબતો તેઓના માનસિક વિકાસને અવરોધે છે.

માનસિક સ્વાસ્થ્ય એટલે શું?:-

* તમે તમારી જાત અંગે કેવું અનુભવો છો?

* તમે બીજા માટે કેવું અનુભવો છો?

* તમે કેવા દ્રષ્ટીકોણથી તમારી જીવન જરૂરિયાતોને મૂલવો છો અને મેળવો છો?

* તમે કેવી રીતે તકલીફોને જુવો છો અને યોગ્ય આવડતથી કેવી રીતે તેમાં સંતુલન જાળવો છો? આ બધાનો યોગ્ય તાલમેળ એટલે માનસિક સ્વાસ્થ્ય

માનસિક બિમારી એટલે શું ?:-

વ્યકિતની એવી બીમારી કે જેમાં

* વિચાર, વાણી, વર્તન અને લાગણીઓની અનુભૂતિ ખોરવાઇ જાય

* વ્યકિતત્વનું ખંડન થાય, વ્યકિતની નિયમિત જીવનશૈલી તેમજ જીવનની રોજિંદી જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા ઘટી જાય અથવા તો ખોરવાઇ જાય

માનસિક બીમારી શાથી થાય છે?:-

* રાસાયણિક તત્વો:- મગજમાં ઘણા બધા રાસાયણિક તત્વો બે જ્ઞાનતંતુઓ વચ્ચે રહેલી જગ્યાઓમાં હોય છે. આ તત્વો સંવેદનાનું વહન કરવાનું કાર્ય કરે છે, આ તત્વોમાંથી અમુક તત્વોની વધ-ઘટથી માનસિક બીમારી થાય છે.

* વારસો:-માનસિક બીમારીમાં વારસો પણ થોડે ઘણે અંશે જવાબદાર હોય છે.

* જો કુટુંબમાં અમુક વ્યકિતઓને માનસિક બીમારી હોય તો તે કુટુંબની અન્ય વ્યકિતઓને તે અથવા અન્ય માનસિક બીમારી થવાની શકયતા રહે છે.

* સ્વભાવ:- સ્વભાવની અમુક ખામી પણ માનસિક બીમારી માટે જવાબદાર હોય છે. અમુક પ્રકારનો સ્વભાવ કે સ્વભાવની લાક્ષણિકતા ધરાવતી વ્યકિતઓને ચોકકસ પ્રકારની માનસિક  બીમારી વધુ જોવા મળે છે.

* સ્વભાવગત રોગો થવામાં વ્યકિતની સ્વભાવની લાક્ષણિકતા જવાબદાર હોઇ શકે.

* વ્યકિતત્વ ઘડતર:- બાળપણથી પુખ્તવય સુધીમાં વ્યકિતનું ઘડતર કયા અને કેવા વાતાવરણમાં થાય છે તે પરિબળો પણ માનસિક  રોગ માટે જવાબદાર હોઇ શકે, બાળપણમાં સારા તેમજ ખરાબ અનુભવો અને સંઘર્ષો, બાળપણમાં માતા પિતા, શિક્ષક કે સમાજની અન્ય વ્યકિતઓ કે જેના સંપર્કમાં રહીને બાળકનો ઉછેર થાય, સામાજિક પરિબળો તથા નાણાકિય છૂટછાટ

* તણાવ કે સંઘર્ષ:- ખૂબ જ મોટા આઘાત જેમ કે રાતોરાત નાણાકીય કે માલમિલ્કતની નુકશાની, નજીકના સ્નેહીનું આકસ્મિક મૃત્યુ, નાણાકીંય તંગી, બેકારી કે નોકરીમાં અપૂરતો પગાર, ઘર કે કુટુંબના ઝઘડા, પતિ-પત્ની, સાસુ-વહુના ઝઘડા, છૂટાછેડા અને એકલવાયું જીવન અને લાંબા સમયની શારિરીક બિમારી

* જીવનના વિવિધ તબકકાઓ:- લગ્ન થતાં કુંવારી છોકરી મટી પત્ની તરીકેની જવાબદારી સંભાળવી પોતાના બાળકના જન્મ પછી માતા તરીકેની વધારાની જવાબદારી નિભાવવી, વ્યકિતનું વધુ અભ્યાસ કે નોકરી માટે પોતાનું વતન છોડી વિદેશ જવું, નોકરીમાં વારંવાર બદલી થવી. ઉમર થતાં નોકરીમાં ફરજીયાત નિવૃત થવું, પતિ કે પત્નીના અવસાન પછી એકલવાયું જીવન જીવવું

* વ્યસનો:- દારૂ, અફીણ, ચરસ, બ્રાઉન સુગર, ભાંગ, કોકેઇન વગેરે માદક દ્રવ્યોના વ્યસનીઓમાં માનસિક બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઘણા વ્યસનીઓમાં વ્યસન જ માનસિક બિમારી માટે જવાબદાર હોય છે.

* શારીરિક બિમારી, અંત:સ્ત્રાવોમાં થતા ફેરફાર તથા અમુક શારીરિક બીમારીઓની દવાઓ પણ માનસિક રોગો માટે જવાબદાર છે.

* વર્તમાન સમયમાં માનસિક બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. દર સોમાંથી ત્રણ થી ચાર વ્યકિતઓને પોતાના જીવનકાળ દરમિયાન માનસિક

બિમારી થવાની શકયતા રહેલી છે. કોઇપણ વ્યકિતને કોઇપણ ઉંમરે, કોઇપણ જાતિ કે જ્ઞાતિમાં, કોઇપણ ધર્મમાં, કોઇપણ દેશમાં, કોઇપણ સમયે માનસિક બિમારી થઇ શકે છે. માનસિક બિમારીનું પ્રમાણ ર૦ થી ૩૦ વર્ષની ઉમરમાં વધારે જોવા મળે છે.

*બાલ્યાવસ્થા:- બાળકોમાં બાળપણથી માંડીને અઢાર વર્ષની ઉંમર સુધી માનસિક બિમારી થઇ શકે છે, બાળકોની માનસિક બિમારીના લક્ષણો અને પ્રકારો થોડે ઘણે અંશે જુદા જુદા હોય છે.

* બાળકોની ઉદાસી રોગ, વ્યસનો, મનોજાતીય રોગો, ઉન્માદ અને વિચારવાયુ વધારે જોવા મળે છે.

* નાના બાળકોમાં મંદબુઘ્ધિ, યાદશકિત ઓછી રહેવી, પથારીમાં પેશાબ, અતિશય ક્રોધ, ગુસ્સો, વિશિષ્ટ શીખવાની સમસ્યા વધારે જોવા મળે છે.

* અભયાસકાળ દરમિયાન માથાનો દુ:ખાવો, યાદ ના રહેવું, હતાશા-નિરાશા, ચિંતા જેવી સમસ્યાઓ વધારે જોવા મળે છે.

બાળકોમાં માનસિક બિમારીથી શરૂઆતનું અનુમાન:-

*વડીલોની સામે બોલવું, કોઇનું કહ્યું માનવું નહી, ચોરી કરવી કે ઘરની વસ્તુઓની તોડફોડ કરવી.

* મન હતાશા રહેવું, નકારાત્મક વિચારો આવવા, એકલવાયું રહેવું કોઇની સાથે હળવું મળવું નહિ.

* વારંવાર નાની બાબતમાં ગુસ્સો આવવો કે ધમપછાડા કરવા.

* શાળાએ ભણતરમાં પાછા પડવું કે ખુબ પ્રયત્નો કરવા છતાં ઘણાં ઓછા માર્કસ આવવા

* કોઇનું કહ્યું માનવું નહિ, જિદ કરવી, શરીરની સ્થિરતા ન રહેવી, ખૂબ ચંચળ રહેવું

* રાત્રે સ્વપ્ન આવવાં, અતિ ભયભીત થઇ જાગી જવું

* માનસિક વિકાસ ધીમો થવો કે બીજા બાળકો કરતાં પાછળ હોવું, રોજિંદી પ્રવૃતિઓમાં જરૂરત કરતાં વધારે સમય લેવો

પુખ્તવયની ઉંમરે માનસિક બિમારીની શરૂઆતનું અનુમાન:-

માથાનો દુ:ખાવા કે શારીરિક દુ:ખાવા થવા, સ્વભાવમાં પરિવર્તન

કોઇની જોડે હળવું, મળવું નહિ, એકલવાયું રહેવું તથા રોજીંદી જીવનની પ્રવૃતિઓમાં સમતુલન ન જાળવી શકવું ખુબ વધારે પડતી ચિંતા, તણાવ કે ડર રહેવો, મનની હતાશા, ઉદાસીનતા, સૂનમૂન બેસી રહેવું, અકારણ ગુસ્સો આવવો.

ગજા બહારના મોટા કે વાહિયાત વિચારો આવવાં, મન વધારે પડતાં આનંદ કે ઉદાસીનતાની વચ્ચે અસમતુલિત રહેવું

ખોરાક કે ઉંઘની ટેવમાં બદલાવ આવવો, તમાકુ,  દારૂ, અફીણ કે અન્ય વ્યસનોની ટેવ પડવી.

આત્મહત્યાના વિચારો આવવાં, આત્મહત્યાની વાતો કરવલ કે યત્ન કરવો.

એકલા એકલા બોલવું, શંકા-વહેમ થવા, અકારણ અવાજો કાનમાં સંભળાય, ભણકારા આવવા

સામાન્ય રીતે જોવા મળતી માનસિક બિમારીઓ જેવી કે:-

ઉદાસી રોગ, હિસ્ટેરીયા, સ્વભાવગત રોગો, વ્યસનોનું સેવન, વિચારવાયુ, દ્વિધૃવી રોગ-મોનિયા, ચિંતા રોગ, મનોગ્રસ્તી, હિસ્ટેરીઆ, સ્વભાવગત રોગો, વ્યસનોનું સેવન, આધાશીશી, માથાનો દુ:ખાવો તીવ્ર ચિંતા રોગ, સામાજીક ચિંતા રોગ, ઓચિંતા તણાવ રોગ કે આઘાતજનક બનાવ પછી થતો ચિંતા રોગ અને છિન્ન મુડ રોગ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.