પારો બે ડિગ્રી ઉંચકાયો: રવિવારથી ફરી કાતીલ ઠંડીનો દોર

આજનું લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડીગ્રી સેલ્સિયસ નોંધાયુ: ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા સૌરાષ્ટ્રમાં ૨૭ થી ૩૦ ડિસેમ્બર કાતીલ ઠંડીની સંભાવના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાવાના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.આજે એક જ દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઊંચકાયાના કારણે વહેલી સવારને બાદ કરતા દિવસ દરમિયાન વાતાવરણ હુંફાળું રહ્યું હતું.ઉત્તર ભારતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાથી તેની અસર સૌરાષ્ટ્ર પણ વરતાશે. જેના કારણે ૨૭ થી લઇ ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે.

ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દરમિયાન આજે પારો  ૧૨.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના કારણે વહેલી સવારે બે ચાર કલાક ઠંડીનો અહેસાસ થયા બાદ દિવસ પર વાતાવરણ હુંફાળું રહ્યું હતું.ઉત્તર ભારતમાં એક નવુ વેસ્ટર્ન ડિસ્ટબન્સ  પસાર થવાનું છે. જેની અસર સૌરાષ્ટ્ર પર પણ જોવા મળશે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭ થી ૩૦ ડિસેમ્બર સુધી કાતીલ ઠંડી પડે તેવી સંભાવના જણાય રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો આ  ચાર દિવસ દરમિયાન સિંગલ ડિજિટમાં પહોંચી જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

ચાલુ સાલ શિયાળાની સિઝનમાં શહેરનું લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો નલિયાનુ લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું હતો. હવે ફરી રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થવાની શક્યતા જણાય રહી છે ઉત્તર ભારતના રાજ્યમાં બરફ વર્ષાને કારણે અગાઉ ઠંડીનો એક જોરદાર રાઉન્ડ આવ્યો હતો. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના કારણે સૌરાષ્ટ્ર ફરી ઠંડીથી થરથર ધ્રુજશે.આજે રાજકોટ ઉપરાંત નલિયા જૂનાગઢ જામનગર અમરેલી ભાવનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો પુચકા ને કારણે લોકોને ઠંડીમાં રાહત મળી હતી.શિયાળાની સિઝન શરૂ થવાના કારણે લોકો પૌષ્ટિક આહાર તરફ વળ્યા છે. વાસણા,અડદિયા સહિતના પોષ્ટિક આહારની માંગ સતત વધી રહી છે.બીજી તરફ શાકભાજીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.