Abtak Media Google News

ગ્રામજનોએ રોષમાં આવી સેનાના વાહનોમાં આગ ચાંપી દીધી: ઉચ્ચ સ્તરીય સીટ કરશે સમગ્ર ઘટનાની તપાસ

નાગાલેન્ડમાં ફાયરિંગમાં 14 લોકોના મોતને લઈને વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ ઘટના શનિવારે નાગાલેન્ડના મોન જિલ્લામાં તિરુ અને ઓટિંગની વચ્ચે બની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદીઓ પર હુમલો કરવાની યોજના બનાવી હતી જેમણે આકસ્મિક રીતે આ વિસ્તારમાં નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. ખરેખર ભળતા સંદેશને કારણે સમગ્ર ઘટના પરિણમી છે. ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, ’નાગાલેન્ડના ઓટિંગમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી દુ:ખી છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સીટ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે જેથી કરીને શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળી શકે.

સુરક્ષા દળોના ગોળીબારમાં કેટલાય નાગા યુવાનો માર્યા ગયા હતા. ઘટના બાદ તરત જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સુરક્ષા દળોએ બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફરી ગોળીબાર કર્યો હતો.ઘટના બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા વાહનોને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં આસામ રાઈફલ્સનો એક જવાન પણ શહીદ થયો હતો. જાનહાનિ વધવાની પણ આશંકા છે. નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફિયુ રિયોએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે, વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

સેનાએ નાગાલેન્ડના મોન જિલ્લામાં બળવાખોરી વિરોધી ઓપરેશન દરમિયાન અનેક નાગરિકોના મૃત્યુ અંગે ’કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો હતો. નાગાલેન્ડની રાજધાની કોહિમામાં પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના કથિત ગોળીબારમાં ઓછામાં ઓછા 11 નાગરિકો માર્યા ગયા હતા અને તેઓ તે શોધવા માટે તપાસ કરી રહ્યા છે કે શું તે સંબંધિત ખોટી ઓળખ છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમારની સરહદે આવેલા મોન જિલ્લામાં આતંકવાદીઓની સંભવિત હિલચાલની વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટના અને તેના પછી જે બન્યું તે અત્યંત ખેદજનક છે. લોકોના મોતની આ કમનસીબ ઘટનાના કારણની ’કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક જવાનનું મોત પણ થયું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેને આ ઘટનાની જાણ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.