Abtak Media Google News

તાજેતરમાં રાજ્યસરકાર દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓમાં રમાતી પબજી ગેમ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો જેના પગલે શિક્ષકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો.ગેમ-એટલે કે રમત, એ આપણા દેશમાં વ્યક્તિ વિકાસ માટે ખુબજ મહત્વની પ્રવૃત્તિ છે. આમતો  સતત અભ્યાસ અને માનસિક શ્રમથી થાકેલું કે કંટાળેલું બાળક થોડી એવી પ્રવૃત્તિ કરે કે જેનાથી એના મન,મગજને હળવાશ અનુભવાય અને સાથોસાથ શારીરિક રીતે પણ એક્ટિવ થાય.

આપણે ત્યાં શાળાઓમાં પણ આવા જ આશયથી શૈક્ષણિકની સાથે શારીરિક તાલીમ માટે  અંગ કસરત તથા મેદાનમાં રમાતી રમતોને સ્થાન આપવામાં આવ્યું છે. ધીમે ધીમે ટેક્નોલોજીનો વિકાસ થયો અને આઉટડોર ગેમનું સ્થાન ડિજિટલ ગેમે લઈ લીધું. સતત કોમ્પ્યુટર કે મોબાઈલ સામે બેઠા રહીને કલાકો સુધી રમાતી રમતોએ બાળકને ગેમના વ્યસની બનાવી દીધા.

ક્યારેક થોડીવાર સમય પસાર કરવા કે કંટાળો દૂર કરવા રમાતી રમતો ધીમે ધીમે વ્યસન બની છતાં, આ આવી ગેમની શરૂઆતનો દોર એટલો જોખમી ન હતો. રમતના પહેલા સ્ટેજમાં બાળકો દ્વારા માઈન્ડ ગેમ રમવામાં આવતી જો કે આ પણ શારીરિક વિકાસમાં અને અભ્યાસમાં બાધારૂપ હતી જ પરંતુ જેમ જેમ ટેકનોલોજી વિકસી એમ એમ  રમતનો હેતુ બદલાયો અને સમય પસાર કરવા મનોરંજન માટે રમાતી રમતોને બદલે સમયખાઉં,કમાણી કરી શકાતી ગેમનો યુગ શરૂ થયો.

વિદેશોએ બનાવીને મૂકી દીધેલી જોખમી ગેમની યાદીમાં થોડા સમય પહેલા એક ગેમ બ્લુ વ્હેલ. બાળકોના માનસિક વિકાસને અવરોધતી અને એને હતાશાની ગર્તામાં ધકેલતી આ રમતે કેટલાય બાળકોનો ભોગ લીધો. શાળા,અભ્યાસ,પરિવાર,મિત્રો અને ખાવા-પીવાનું પણ સાનભાન ગુમાવી બેસનાર બાળક અંતે મોતને ભેટે ત્યારે આ ગેમનો અંત આવે એવી આ બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મુકાયો હતો.80E05Bc6 2C5C 405E B325 4F83579107A5

એ પછી ’પોકેમોન ગો’ જેવી એક ગેમ આવી જેમાં ગેમ રમનાર વ્યક્તિ જીપીએસનો ઉપયોગ કરી સાચુકલી જિંદગીમાં હરતાં ફરતાં આ ગેમ રમી શકે અને વર્ચ્યુઅલ પોકેમોન પકડી શકે. આ રમતથી પણ અનેક જગ્યાએ અરાજકતા ફેલાઈ હતી અને આ ગેમને પણ  અમુક વિસ્તારમાં ન રમવા પર પ્રતિબંધની માંગ ઉઠી હતી. છેલ્લે  પબજી ગેમે આતંક મચાવ્યો. ગૂગલ પ્લેસ્ટોર અને એપલના એપસ્ટોર પરથી માર્ચ ૨૦૧૮માં રિલીઝ થયેલી આ રમતે છ જ મહિનામાં દરરોજ ૨ કરોડ લોકોને રમતા કરી દીધા અને અંતે તાજેતરમાં  રાજ્યસરકારે આ ગેમ શાળા કેમ્પસમાં રમવા પર પ્રતિબંધનો આદેશ કર્યો છે.

તહેવારો અને રમતોનું આપણાં જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી મહેનતકશ પ્રજા માટે પ્રાચીનકાળમાં અલગ રમતો હતી. આપણે આઉટડોર રમતોના હિમાયતી હતા. આજની મોબાઈલ પર રમાતી ઝનૂની કે લડાયક રમતો આપણે ત્યાં ખુલ્લા મેદાનમાં રમાતી જ પણ એનો પ્રકાર, હેતુ અને પરિણામ અલગ હતા. કબડ્ડી અને કુસ્તી જેવી રમતો મનોરંજન સાથે શારીરિક અને માનસિક શક્તિઓ પણ ખીલવતી. આપણી રમતો આગળ જતાં વ્યક્તિ ,કુટુંબ,શાળા,સમાજ,સંસ્થા અને દેશનું નામ પણ રોશન કરાવે એ પ્રકારની રહેતી. બાળકના સર્વાંગી વિકાસમાં રમતોનો ફાળો નાનોસુનો નથી .

મોબાઈલ દ્વારા રમાતી રમતો શારીરિક,માનસિક,શૈક્ષણિક,સામાજિક અને આર્થિક એમ બધી રીતે નુકશાનકર્તા છે. મોબાઈલ પર કોઈપણ સોશ્યલ સાઇટ ઓપન કરતાં જ તીનપત્તી,રમી કે આ પ્રકારની રમતોની જાહેરાતોનો મારો ચાલે છે. મોબાઈલ ગેમિંગનું એક અલગ વિશ્વ છે. યુવાનોને વધુમાં વધુ આવી રમતોના વ્યસની બનાવી, ગેરમાર્ગે દોરી અને પૈસા કમાવાનું એક આખું વ્યવસ્થિત આયોજન હોય છે આવી રમતો.સ્વાસ્થ્યથી લઈને આર્થિક રીતે  માણસને ઘસી નાખતી આ રમતોનો ઉપયોગ આપણી યુવાપેઢીમાં આજે વકર્યો છે. કામધંધો પડતો મૂકીને પણ પૈસા કમાઈ લેવાની ધૂનમાં સતત મોબાઈલગેમમાં પડ્યો રહેતો યુવાન અંતેતો રહી સહી આવક પણ ગુમાવે છે.

ભારત યુવાધનથી સમૃદ્ધ દેશ છે. ભારત એક જ દેશ કદાચ એવો છે કે જેની પાસે વિકાસ માટે જરૂરી તમામ કાચીમૂડી છે. પૂરતા પ્રમાણમાં માનવશક્તિ એ ભારતનું જમા પાસું છે જ પરંતુ આજે  આ મૂડી નેટિંગ,ચેટિંગ, ગેમિંગ,અને ગેમ્બલિંગનો શિકાર બની પોતાને વેડફી રહી છે. બાળકોની શાળાઓમાં પાંખી હાજરી, જૂઠું બોલી અને કલાકો સુધી મેદાન કે બાગ બગીચાઓમાં બેસીને ગેમ રમ્યા કરવું, સ્થળ,સમય, સ્વાસ્થ્ય કે ઘર-પરિવારનો વિચાર કર્યા વગર જાતને વ્યસની બનાવવું અને આ વ્યસન થકી મહારોગના ભોગ બનવું એ આવતીકાલના  ઉત્તમ નાગરિક બનવા માટે  સૌથી બાધારૂપ પરિબળ છે.

રોજ-બ-રોજ  સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે મોબાઈલ પર રમત રમવાની બાબતે માતા-પિતા કે શિક્ષકો ઠપકો આપે છે ત્યારે બાળક ઘર છોડવાથી લઈને આત્મહત્યા સુધીનું પગલું ભરી જાય છે. દારૂ,ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોના સેવન કરતાં પણ વધુ જોખમી જો કોઈ નશો હોય તો એ મોબાઈલ ગેમિંગનો. બાલ્યાવસ્થા એ એક એવી અવસ્થા છે કે ત્યારે બાળમાનસ પર સારા વિચારો અંકિત કરવામાં આવેતો  એ આખરી સમય સુધી એના સંસ્કાર અને  જીવનમૂલ્યો બનીને એનું જીવન ઉજળે છે. સતત પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા માતા-પિતા પોતે બાળક સામે ફોન પકડશે તો બાળક પણ એ જ કરવાનું. બની શકે કે માતા પિતાની ફોનની પ્રવૃત્તિ અલગ છે પરંતુ બાળકની તો ફોન પર એક જ પ્રવૃત્તિ હોવાની મોબાઈલ ગેમિંગ.

જે રમત રમીને આપણે સમય પસાર કરી રહ્યા છીએ એ રમતો આપણાં સિવાય તમામને કમાણી કરાવી રહી છે આવું પોતાના બાળકોને કેટલા માતાપિતા સમજાવે છે? કેટલા માતાપિતા જાણે છે કે એનું બાળક મોબાઈલમાં શુ કરી રહ્યું છે? સોશ્યલમીડિયા પર આવી રમતોની જાહેરાતો પર પણ પ્રતિબંધ જરૂરી છે. શોખ કોઈપણ હોય એ આદત અને પછી વ્યસન બને છે ત્યારે માણસની તમામ શક્તિ કુંઠિત કરી નાખે છે. બાળકને મોબાઈલ આપવા સાથે એના વપરાશની સમજણ આપવી એ માતાપિતાની પ્રાથમિક ફરજ છે. રાજ્ય સરકાર આવી રમતો પર શાળા સમય દરમ્યાન પ્રતિબંધ લાવી શકશે પરંતુ એ પછી પોતાના બાળકને મોબાઈલ ગેમિંગના વ્યસનથી દૂર રાખવાની જવાબદારી વાલીઓની રહે છે.

દેશનું યુવાધન પબજી અને રમી જેવી રમતો પાછળ બધી રીતે ખર્ચાઈને આખરે જીવનનું ધ્યેય ખોઈ બેસે છે. આવી રમતો પર સતત સમય અને પૈસો વેડફતા યુવાનો કડકી,બેકારી,નિરાશા અને હતાશાનો શિકાર થઈ અંતે જીવન ટૂંકાવે છે.  મોબાઈલ ગેમિંગની બીમારીનો શિકાર બનેલી વ્યક્તિ પોતાની પ્રગતિ અને સમૃદ્ધિના દ્વાર પર પોતે જ આ વ્યસનનું તાળું મારે છે .

રાજ્યસરકાર કે શિક્ષકો  બાળકના ભવિષ્ય માટે આટલા જાગૃત હોય તો માતાપિતા તરીકે આપણે કશું નહીં કરીએ?? યુવાનોને પણ અપીલ કે સ્વામી વિવેકાનંદની ભૂમિમાં ઉછરવું એ જ પોતાને મળેલ સૌથી મોટો એડવાન્ટેજ છે એમના વિચારોને અપનાવીને, પોતાની આર્થિક,માનસિક,શારીરિક,સામાજિક,કૌટુંબિક સ્થિતિને વધુ બહેતર બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. પોતેજ એ દેશની પ્રગતિનો આધારસ્તંભ છે એ વાત દરેક યુવાનોએ યાદ રાખવી રહી. મિરર ઇફેક્ટ :મોબાઈલ ગેમિંગ અને ગેમ્બલિંગ એ ટેકનોલોજીના વિકાસની આડઅસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.