Abtak Media Google News

દેણું કરીને ઘી પીવાય!!

સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 15.43 લાખ કરોડ રૂપિયા ઉધાર લઈ માળખાગત સુવિધાઓ અને સરકારી યોજનાઓના ખર્ચને પહોંચી વળાશે

અર્થતંત્રને મજબૂતાઈ આપવાના મંત્ર સાથે મોદી સરકાર આગળ વધી રહી છે. જેમાં કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં સરકારી બોન્ડ જારી કરીને બજારમાંથી રૂ. 8.88 લાખ કરોડ એકત્ર કરશે.  સરકારે બજેટમાં સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 15.43 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉધારનો અંદાજ મૂક્યો હતો.  આ રીતે કેન્દ્ર સરકાર પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ લક્ષ્યના લગભગ 57.6 ટકા એકત્ર કરશે.

કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બજારમાંથી બોન્ડ મારફતે રૂ. 8.88 લાખ કરોડ ઉધાર લેવાની યોજના ધરાવે છે, એમ નાણા મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું.  કેન્દ્રનું ઋણ 2019ના સ્તર કરતાં બમણાથી વધુ વધી ગયું છે.  કારણ કે, ફ્રી અનાજ અને સબસિડી પર સરકારનો સામાજિક ખર્ચ મોટા પ્રમાણમાં વધી ગયો છે.  કોરોના મહામારીને કારણે તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારત સરકાર વતી આ રકમ એકત્રિત કરે છે.  આ માટે આરબીઆઈ દર શુક્રવારે હરાજી દ્વારા બોન્ડ જારી કરે છે.  કેન્દ્રીય બજેટ નાણાકીય વર્ષ 2023-24 માટે અંદાજિત રૂ. 15.43 લાખ કરોડના ગ્રોસ માર્કેટ બોરોઇંગના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 8.88 લાખ કરોડ એટલે કે 57.55 ટકા એકત્ર કરવાની યોજના ધરાવે છે.  31,000 થી 39,000 કરોડ 26 સાપ્તાહિક તબક્કામાં ઉધાર લેવાની યોજના છે.

આ ઉધાર 3, 5, 7, 10, 14, 30 અને 40 વર્ષની સિક્યોરિટીઝ હેઠળ લેવામાં આવશે.  ઋણનો હિસ્સો અલગ-અલગ પાકતી મુદત હેઠળ હશે.  જેમ કે 3 વર્ષ (6.31%), 5 વર્ષ (11.71%), 7 વર્ષ (10.25%), 10 વર્ષ (20.50%), 14 વર્ષ (17.57%), 30 વર્ષ (16.10%) અને 40 વર્ષ (17.57%) છે.  નાણાકીય વર્ષ 2023-24ના બીજા ભાગમાં સોવરિન ગ્રીન બોન્ડ જારી કરવાની જાહેરાત કરવામાં આવશે.  હરાજીની સૂચનામાં દર્શાવેલ દરેક સિક્યોરિટીઝ માટે રૂ. 2,000 કરોડ સુધીના વધારાના સબસ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે સરકાર ગ્રીન શૂ વિકલ્પનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન સાપ્તાહિક હરાજી થનાર સરકારી બોન્ડનું કદ રૂ. 31,000 કરોડથી રૂ. 39 કરોડની વચ્ચે છે.  3 વર્ષમાં પાકતા બોન્ડ દ્વારા 6.31 ટકા ઉધાર લેવામાં આવશે.  40 વર્ષમાં પાકતા બોન્ડ દ્વારા 17.57 ટકા ઉધાર લેવામાં આવશે.

નાણા મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે સરકાર રિડેમ્પશન પ્રોફાઇલને સરળ બનાવવા માટે સ્વિચ ઓપરેશન ચાલુ રાખશે.  નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2024 ના બીજા ભાગમાં સોવરિન ગ્રીન બોન્ડ જારી કરવાની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.