Abtak Media Google News

ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકા  પાસે કોઈ આધાર-પુરાવા નથી, સરકારમાંથી આધાર-પુરાવા મળ્યે જવાબ આપીશું

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને   નગરપાલિકાની સામાન્ય સભામાં રાજ્ય સરકાર પાસે આધાર પુરાવાની માંગ કરતો ઠરાવ મંજુર કરાયો હતો.

મોરબીની ધરોહર સમા ઐતિહાસિક ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ખાબકતા મહિલાઓ, બાળકો સહિત 135 જેટલા લોકો મોતના મુખમાં હોમાયા હતા. ત્યારે હાઇકોર્ટે સુઓમોટો સુનાવણીમાં રાજ્યસરકાર દ્વારા યોગ્ય તપાસ કરીને મોરબી નગરપાલિકા પર જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જે બાદ ગત તા.18 ના રોજ રાજ્ય સરકારે મોરબી નગરપાલિકા શા માટે સુપર સિડ ન કરવી તે માટે શો કોઝ નોટિસ ફટકારી હતી અને જેનો જવાબ 25 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું. જેને લઇને મોરબી નગરપાલિકાની સાધારણ સભામાં નોટિસ ના જવાબ આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકાના ઠરાવમાં જણાવ્યા અનુસાર,  સાધારણ સભામાં સરકાર તરફથી ગત તા.18/01/2023ના રોજ આપવામાં આવેલ નોટિસમાં સરકાર તરફથી નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં જે બાબતો રજુ થયેલ છે તેનું રેકર્ડ સરકાર નિયુક્ત તપાસ સમીતીએ જેતે સમયે હસ્તગત કરેલ હોઈ સરકારની નોટીસમાં પણ નોટીસના મુદ્દાઓ પરત્વેનું કોઈ સાહિત્ય કે આધારપત્રો નોટીસ સાથે આપવામાં આવેલ ન હોઈ આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલ નોટીસના જરૂરી સાધનીક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને સરકારમાંથી જરૂરી આધારપત્રો/સાધનિક કાગળો મળ્યાં બાદ આ બાબતે જરૂરી જવાબ સરકારને રજુ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે અને નગરપાલિકાનો જવાબ રજુ થાય ત્યા સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ન કરવા સરકારમાં નમ્રતાપૂર્વક વિનંતી કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.