Abtak Media Google News

ગત વર્ષે આ સમયગાળા કરતા 2.37 લાખ હેકટર વધુ વિસ્તારમાં વાવેતર થયું: આગામી સમયમાં બાકીનું વાવેતર પૂર્ણ થઇ જશે

રાજ્યભરમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે ખરીફ પાક-2023નું અત્યાર સુધીમાં 91 ટકા જેટલું વાવેતર થવા પામ્યું છે. જે ગત વર્ષે આ સમયગાળા કરતા 2.37 લાખ હેકટર વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં બાજરી, સોયાબીન અને કપાસમાં સો ટકા કરતા વધુ વાવેતર થવા પામ્યું છે. આગામી સમયમાં બાકીનું વાવેતર પૂર્ણ થઇ જશે તેવી કૃષિ વિભાગને આશા છે જેના કારણે ગુજરાતમાં ખરીફ પાકનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થશે અને ગ્રામ્ય વિસ્તારને મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે.

ચોમાસાની આ સીઝનમાં સમયસર વરસાદ થતા રાજ્યમાં ખેડૂતો દ્વારા સમયસર વાવણીનું કામ થઇ જવા પામ્યું હતું. વિવિધ પ્રકારના પાકમાં સૌથી વધુ ધાન્ય પાકનું સરેરાશ 96.99 ટકા વાવેતર થયું છે. જેમાં બાજરીનું 105 ટકા, ડાંગરનું 97.38 ટકા, મકાઇનું 97 ટકા અને જુવારનું 58 ટકા છે. ધાન્ય પાકનું વાવેતર ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા 26 હજાર હેકટર  વધુ વિસ્તારમાં છે.

કઠોળ પાકમાં પણ સરેરાશ 74 ટકા જેટલું વાવેતર થયું છે. જેમાં તુવેરનું 81 ટકા, મગનું 66 ટકા, મઠનું 85 ટકા, અડદનું 65 ટકા અને અન્ય કઠોળનું 69 ટકા વાવેતર થયું છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લામાં તેલીબિયા પાકોનું સરેરાશ 79 ટકા વાવેતર થયું છે. જેમાં મગફળીનું 85 ટકા વાવેતર અત્યાર સુધી થઇ ગયું છે. સૌથી વધુ સોયાબીનનું 133 ટકા વાવેતર થયું છે. જે કે તલનું ફક્ત 50 ટકા અને દિવેલાનું પણ 51 ટકા જેટલું જ વાવેતર થયું છે. તેલીબીયાનું વાવેતર ગત વર્ષ કરતા આ વર્ષે 12 હજાર હેકટરમાં જ વધુ છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 78.23 લાખ હેકટરમાં વાવેતર થયું

અન્ય પાકમાં કપાસનું જંગી 113 ટકા વાવેતર થયું છે. ગુવાર સીડનું 83 ટકા થયું છે. આશ્વર્યજનક રીતે તમાકુનું વાવેતર ગત વર્ષે 1205 હેકટર વિસ્તાર વાવેતર સામે ચાલુ વર્ષે ફક્ત 9 હેકટરમાં જ વાવેતર થયું છે. અન્ય પાકનું સરેરાશ 99 ટકા વાવેતર થઇ જવા પામ્યું છે. રાજ્યમાં કુલ 85.97 લાખ હેકટર વાવેતર વિસ્તાર સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 78.23 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.