Abtak Media Google News

ડીએમસીથી માંડી સફાઈ કામદારો સુધીના કર્મચારીઓ-અધિકારીઓ કોરોનાની ઝપટે: ટેસ્ટીંગ બંધ કરવાની આડકતરી સુચનાથી કર્મચારીઓમાં કચવાટ: રોટેશન સિસ્ટમ અમલમાં લાવવાની માગણી

રાજકોટમાં હવે કોરોના આઉટ ઓફ ક્ધટ્રોલ થઈ ગયો છે. છેલ્લા છ માસથી કોરોના સંક્રમણને ખાળવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના ૨૦૦થી વધુ કર્મચારીઓ તથા અધિકારીઓ કોરોનાની ઝપટે ચઢી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયરથી માંડી કોર્પોરેટરો પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે કર્મચારીઓના ટેસ્ટીંગ બંધ કરવાના આડકતરા આદેશ આપવામાં આવ્યા હોવાની વાતો વહેલી થતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કોરોનાનો સકંજો સતત વકરી રહ્યો છે. આવામાં રૂટીન તથા કોરોનાલક્ષી કામગીરી માટે અન્ય શહેરોની માફક રોટેશન સિસ્ટમ લાવવા માંગણી ઉઠી રહી છે.

Advertisement

કોર્પોરેશનમાં પણ કોરોનાએ પોતાનો કાળમુખો પંજો પાડ્યો છે. બે સફાઈ કામદારોને કોરોના ભરખી પણ ગયો છે. ગત માર્ચ માસથી કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ વોરિયર્સ બની કોરોનાને નાથવા લડી રહ્યાં છે. છતાં સ્થિતિ હવે રિતસર બેકાબૂ બની જવા પામી છે. શહેરની એકપણ સરકારી કે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં હાલ બેડ ઉપલબ્ધ ન હોવાની બૂમ ઉઠી રહી છે. હોટલ પણ કોરોનાના દર્દીઓથી ઉભરાય રહી છે. કોરોનાના જાલીમ પંજાએ કોર્પોરેશનને પણ છોડયું નથી. ડીએમસી, ઈન્ચાર્જ ચિફ ફાયર ઓફિસર, વોર્ડ ઓફિસર, એન્જિનીયરો, મેનેજર, સેન્ટ્રલ વર્ક શોપમાં કામ કરતા કર્મચારીઓ, સોલીડ વેસ્ટના સફાઈ કામદારો સહિત ૨૦૦થી વધુ કર્મચારીઓ અને તેઓના પરિવારજનો કોરોના સકંજમાં સપડાયા છે. કોરોનાનો અંત ક્યારે આવશે તે હજુ દૂર-દૂર સુધી ક્યાંય દેખાતુ નથી. છેલ્લા છ માસથી કોરોના સામે જંગે ચઢેલા કર્મચારીઓ હવે માનસિક રીતે પડી ભાંગ્યા છે. તેઓ તો જોખમી કામગીરી કરે જ છે પરંતુ તેમની કામગીરીથી તેમના પરિવારજનો પર પણ જોખમ ઉભુ થઈ રહ્યું છે. એકતરફ અગાઉથી જ કોર્પોરેશનમાં સ્ટાફની અછત છે. આવામાં ૨૦૦ જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બનતા હવે સ્થિતિ વધુ દયનીય બની જવા પામી છે જે કર્મચારી હાલ કોરોના વોરિયર્સ બની કામગીરી કરી રહ્યાં છે તે પણ માનસિક રીતે પડી ભાંગ્યા છે.

બીજી તરફ કર્મચારીઓમાં સંક્રમણ વધતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવો આડકતરો આદેશ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે કે, કર્મચારીઓ-અધિકારીઓના કોરોના ટેસ્ટ બંધ કરવા. આ મૌખિક આદેશથી કર્મચારીઓમાં કચવાટ સાથે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે પોતે કોરોનાગ્રસ્ત હોય તે વાતનો સમયસર ખ્યાલ ન આવે તો સ્થિતિ ગંભીર પણ બની શકે છે અને તેમના પરિવારજનો પર પણ જોખમ રહે છે. કોરોના વોરિયર્સ એવા કોર્પોરેશનના કર્મચારીઓનું મોરલ તુટી રહ્યું હોય તેઓનો જોમ-જુસ્સો વધારવા માટે ગઈકાલે મોટિવેશનલ સ્પીકરનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા છ માસ અમુક કર્મચારી તથા અધિકારીઓ સતત કોરોનાની કામગીરી કરી રહ્યાં છે. આવામાં સુરત, અમદાવાદ અને બરોડા મહાપાલિકાની માફક રાજકોટ મહાનગરપાલિકાએ પણ કોરોનાની કામગીરી માટે રોટેશન સિસ્ટમ અમલમાં લાવવાની આવશ્યકતા છે. ૨૦૦થી વધુ કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત મેયર બિનાબેન આચાર્ય, ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો કોરોનાગ્રસ્ત બન્યા હોય કર્મચારી આલમમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. મોટાભાગના કર્મચારીઓ હાલ ભય વચ્ચે ફરજ અદા કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.