Abtak Media Google News

રાજકોટ શહેરના ૨૩ અને જિલ્લાના ૨૦ મળી કુલ મૃત્યુ આંક ૭૫ થયો: લોકમેળા બાદ ગણેશોત્સવની ભીડ થવાથી સ્વાઇનફલુનું સંકટ વધશે

સ્વાઇનફલુની મહામારીને આગળ વધતી અટકાવવા તંત્ર દ્વારા અગમચેતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ છતાં સ્વાઇનફલુના કારણે વધુને વધુ દર્દીઓના મોત નીપજી રહ્યા છે. રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલી ત્રણ મહિલાના મોત નીપજ્યા છે. સ્વાઇનફલુનો શ્ર્વાસો શ્ર્વાસથી ચેપ લાગતો હોવાથી તાજેતરમાં જ લોકમેળામાં થયેલી ભીડના કારણે સ્વાઇનફલુના દર્દીઓનો એકાએક વધારો થયો છે. લોકમેળા બાદ ગણેશોત્સવમાં પણ વધુ ભીડ થવાના કારણે સ્વાઇનફલુનો ચેપ વધુ પસરે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.

વકરેલા સ્વાઇનફલુના વાયરલ ફિવરના પ્રકોપ સામે રાજયના આરોગ્ય વિભાગના તંત્રને સાબદુ કરાયું છે. લોક જાગૃતિ માટે સરકાર દ્વારા અભિયાન હાથધરવામાં આવ્યું છે. ટેમી ફલુની દવાનો સ્ટોક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો હોવા છતાં સ્વાઇનફલુનો ચેપ વધુને વધુ દર્દીઓને લાગી રહ્યો છે.

જાન્યુઆરી ૨૦૧૭થી સ્વાઇનફલુના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. જેમાં રાજકોટ શહેરના ૨૩, જિલ્લાના ૨૦ અને અન્ય જિલ્લાના ૩૨ મળી કુલ મૃત્યુ આંક ૭૫ પર પહોચ્યો છે.

સ્વાઇનફલુ જુલાઇ અને ઓગસ્ટ માસમાં વધુ વકર્યો છે. તાજેતરમાં જ લોકમેળામાં વધુ ભીડ જામવાના કારણે સ્વાઇનફલુનો ચેપ વધુ આગળ વધ્યો છે. લોકમેળા બાદ ટૂંક સમયમાં જ ગણેશોત્સવના મોટા આયોજનમાં પણ વધુ ભીડ થવાના કારણે સ્વાઇનફલુનો ચેપ વધુ પસરે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.

કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરામાં રહેતા ગીતાબેન મનોજભાઇ પરમાર નામની ૪૦ વર્ષની કોળી મહિલાને ગત તા.૧૪મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેણીને સ્વાઇનફલુ પોઝીટીવ રિપોર્ટ આવતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેણીનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. જ્યારે જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા વંદનાબેન જયપ્રકાશ સોનવાણી નામની ૫૬ વર્ષની સિંધી મહિલાને ગત તા.૧૮મીએ સ્વાઇનફલુની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તેણીનું સવારે મોત નીપજ્યું હતું બંને મહિલાના મોતના મોત સાથે રાજકોટ શહેરમાં સ્વાઇનફલુના કારણે ૨૩ના મોત નીપજ્યા છે.

કાલાવડના ભાડુકીયા ગામની મંગુબેન નામની ૪૫ વર્ષની મહિલાને ગઇકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુ વોર્ડમાં દાખલ કરાયા બાદ તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો વહેલી સવારે મોત નીપજતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇફલુના કારણે ૭૫ દર્દીના મોત નીપજ્યાનું નોંધાયું છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં ૩૪ દર્દીઓને દાખલ કરાયા છે. જેમાં પાંચ બાળકો સહિત ૩૦નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.બે પુ‚ષ, એક મહિલા અને એક બાળકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.