Abtak Media Google News

લોહીલુહાણ હાલતમાં લાશને બાઇક પર દાણાવાડા ગામના તળાવમાં ફેંકી દંપતીએ પુરાવાનો નાશ કરવા પોતાના લોહીવાળા કપડા સળગાવી નાખ્યા

નોનવેજની પાર્ટી કર્યા બાદ યુવકે આદિવાસી પરિણીતાને અડપલા કરતા ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો

મુળી તાલુકાના દિગસર ગામે વાડીએ નોનવેજની પાર્ટી કર્યા બાદ ખેત મજુર આદિવાસી પરિણીતા પર નજર બગાડતા યુવક પર ધારિયાથી હુમલો કરી દંપતીએ  કરપીણ હત્યા કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં લાશને બાઇકમાં દાણાવાડા ગામના તળાવમાં ફેંકી પોતાના લોહીવાળા કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિગસર ગામના દિવ્યરાજસિંહ અજીતસિંહ પરમાર નામના 21 વર્ષના ગરાસિયા યુવાનની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી લાશને દાણાવાડા ગામના તળાવમાં ફેંકી દીધા અંગેની મુળ છોટા ઉદેપુરના સીયાદા સીપરી ગામના વતની અને દિગસર ગામે મનસુખભાઇ ઝવેરભાઇ પટેલની વાડીએ મજુરી કામ કરતા લાલજી ઉર્ફે લાલુ હકલા ધાણકા ઉર્ફે ધાણેક અને તેની પત્ની રાજલીબેન લાલજીભાઇ સામે મહેન્દ્રસિહ અજીતસિંહ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તા.7 ઓગસ્ટના રાતે મૃતક દિવ્યરાજસિંહ પરમાર પોતાના મિત્ર કેતન વશરામ દેવીપૂજક અને ચંદુભાઇ સાથે દિગસરના મનસુખભાઇ પટેલની વાડીએ નોનવેજની પાર્ટીનું આયોજન કર્યુ હતું. ત્રણેય મિત્રો રાત્રે જમીને ગામમાં પરત આવ્યા ત્યારે દિવ્યરાજસિંહ પરમારે વાડીએ મજુરી કામ કરતી રાજલી સારી છે. પોતાને પાછુ વાડીએ જવું પડશે તેમ કહી કેતન દેવીપૂજકનું બાઇક લઇ પરત મનસુખભાઇ પટેલની વાડીએ ગયા હતા. કેતન તેમજ ચંદુભાઇ પોતાના ઘરે જઇ સુઇ ગયા હતા. સવાર સુધી દિવ્યરાજસિંહ પરમાર પોતાના ઘરે પરત ન આવતા તેના પિતા મહેન્દ્રસિંહ પરમાર શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેને કેતન દેવીપૂજક મળતા તે દિવ્યરાજસિંહ પરમાર સાથે વાડીએ નોનવેજની પાર્ટી કરી હોવાનું અને ત્યાંથી પરત આવ્યા બાદ આદિવાસી મહિલા રાજલી પાસે તેઓ ગયા હોવાનું જણાવ્યું હતું. મહેન્દ્રસિંહ પરમારે પોતાના પુત્ર દિવ્યરાજસિંહ પરમાર ગુમ થયાની પોલીસમાં નોંધ કરાવી હતી અને દાણાવાડા તળાવ પાસેથી કેતન દેવીપૂજકનું બાઇક અને દિવ્યરાજસિંહ પરમારના ચપ્પલ મળી આવતા તળાવમાં તપાસ કરતા દિવ્યરાજસિંહ પરમારનો મૃતદેહ પથ્થર નીચેથી મળી આવ્યો હતો.

પોલીસે દિવ્યરાજસિંહ પરમારનું રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તપાસ કરતા દિવ્યરાજસિંહ પરમાર મનસુખભાઇ પટેલની વાડીએ કામ કરતી રાજલીબેન સુતા હતા તેના ખાટલા પર બેસીને અડપલા કરતા તેનો પતિ લાલજી ઉર્ફે લાલુ જોઇ જતાં ઉશ્કેરાયો હતો અને ધારિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ કેતન દેવીપૂજકના બાઇક પર લોહીલુહાણ હાલતમાં મૃતદેહને દાણાવાડા ગામના તળાવમાં ફેંકી તેના પર પથ્થર રાખી દીધો હતો તેમજ બાઇક અને તેના ચપ્પલ ત્યાં ફેંકી દીધા હતા. રાજલીબેન અને તેના પતિ લાલજી ઉર્ફે લાલુએ પોતાના લોહીવાળા કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યાનું બહાર આવતા પી.એસ.આઇ.ડી.ડી. ચુડાસમાએ મહેન્દ્રસિંહ પરમારની ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ પરમારની હત્યા કરી પુરાવાનો નાશ કર્યા અંગેનો આદિવાસી લાલજી ઉર્ફે લાલુ અને તેની પત્ની રાજલી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.