Abtak Media Google News

મોરબી પુલ દુર્ઘટનાના દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ હેતુ રામકથાના નવમા-પૂર્ણાહુતિ દિવસે મુખ્ય મનોરથી મોહનભાઈ કુંડારીયાએ સ્મૃતિચિહ્ન આપી વ્યાસ વંદના બાદ પોતાના મનોભાવો પ્રગટ કર્યા.

Advertisement

સદગુરુ કબીર સાહેબની તમામ સમાધિઓને વંદન કરીને બાપુએ કહ્યું કે પરમની કૃપા અને સદભાવ પૂર્વકનો પુરુષાર્થ,કોઈ જગ્યાએથી કોઈ ફરિયાદ નથી એ માટે પ્રસન્નતા વ્યક્ત કરી.બાપુએ કહ્યું કે મારી વ્યાસપીઠને માણસ નથી બદલવો,માનવીનાં વિચારો બદલવા છે.આથી વ્યાસપીઠ અવિશ્રામ નિરંતર ગતિ કરે છે. વિચારોમાં બદલાવ આવી રહ્યો છે એની વાત કરતા બાપુએ કહ્યું કે:મોરારીબાપુ બધે નહીં પહોંચી શકે,તેની સંવેદના પહોંચશે.બે ત્રણ ઉદાહરણ આપતા બાપુએ કહ્યું કે એક ભાઈ આંખમાં આંસુ સાથે કહેતા કે મારું સમગ્ર આ દુર્ઘટનામાં ચાલ્યું ગયું કદાચ અદાલતની અંદર એ માટે દંડ અને સજાના કેસ ચાલતા હશે,મારું તો ગયું પણ એના બાળકો એના પરિવારની હાજરીમાં દિવાળી ઉજવે-એવું જેના ઘરમાં આંસુ સિવાય કંઈ નથી બચ્યું એવો માણસ કહેતો હતો-આ વિચારોનો બદલાવ છે.

મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકાના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના વ્યાસાસને માનસ શ્રદ્ધાંજલિ: રામકથાસંપન્ન

દિવ્યાંજલિઓ સાથે થયો કથાવિરામ,925મી કથા 14 ઓક્ટોબરથી બરસાનાથી ગવાશે

રામાયણ કહે છે કે તમારા મનના સંકલ્પો જાહેર ન કરો,આચરી બતાવો.પણ દેશ,કાળ પ્રમાણે ક્યારેક બોલવું પડે છે.હનુમાનજીની પ્રસાદી શ્રદ્ધાંજલિનાં રૂપે મોકલતા હોઈએ છીએ.ઉચ્ચાર નહીં આચરી બતાવવું,પણ પ્રેરણા માટે આવું કરતા હોઈએ છીએ ગાંધીજી એક જ વાક્ય બોલે ને આખો દેશ જાગૃત થાય એ શબ્દોની પાછળ ધરબાયેલું સત્ય હશે.શિવ સંકલ્પ એ છે કે એકવાર બોલ્યા પછી એમાં ડગી ન જઈએ.અહીં પણ મને કહેવામાં આવ્યું કે મોરબી ઘટના વખતે આપે જે પ્રસાદી મોકલી,અમને ન આપો પણ ભેગા થઈને વધારે કંઈક ઉમેરીને પાછા આપીએ આપ એનો સદુપયોગ કરજો-આ પણ વિચારો બદલાયા છે,નોંધનીય છે અને એક સાધુ તરીકે એની નોંધ લઈ અને હું જઈ રહ્યો છું.કોઈ એમ પણ કહે કે મોરબીમાં દર 21 વર્ષે આવું થયા કરે છે.આવી ખોટી કલ્પના પણ ન કરતા.નથી ઈચ્છતા એવો વિચાર પણ ન કરવો.બદલાતા વિચારોને યાદ રાખીને વિદાય લઇ રહ્યો છું.તુલસીજીએ દુર્વાદ,વિવાદ,અપવાદ દૂર કરી સંવાદી સાધુ તરીકે સંવાદ જ યાદ રાખ્યો છે.

આગામી-9રપમી રામકથા નવરાત્રિના પાવન પવિત્ર દિવસોમાં રાધાબિહારી ઇન્ટર કોલેજ, બરસાના (મથુરા ઉ.પ્ર.) થી 14 ઓકટોબર શનિવાર સાંજે 4 વાગ્યાથી શરુ થશે.

-મોટાભાગે આ શબ્દ એક જ જગ્યાએ-મૃતકની-દિવંગતોની પાછળ આપણે પ્રયોજીએ છીએ.શ્રદ્ધાંજલિનો આ સંકીર્ણ અર્થ છે. મારી દ્રષ્ટિએ શ્રાદ્ધની 15 તિથિ એના 15 ઠેકાણાઓ આવા પણ હોઈ શકે.આપણી મોંઘી મિરાત એવી શ્રદ્ધા સાથે આપણે જન્મ્યા છીએ.અહીં પહેલું દિવંગતોને શ્રાદ્ધ કરીને શ્રદ્ધાંજલિ આપી શકાય,મારા માટે ગુરુ પ્રથમ સ્થાન છે પણ અહીં પ્રાસંગિક દિવંગતોને આપણે મૂકીએ.બે-આપણો ગુરુ,સદગુરુ, સાધુ,બુદ્ધપુરુષ-એની આજ્ઞા પાળીને,ત્રણ- દેવતાઓને:સ્વાર્થી કપટી ભોગવાળા દેવતા કરતા દિવ્ય આત્માઓ છે- ક્યારેક એ પ્રોફેસર પણ હોઈ શકે,ક્યારેક એ શિક્ષક પણ હોઈ શકે-એ મળે ત્યારે પગે લાગીને એને શ્રદ્ધાંજલિ આપી શકાય.ચાર-સદગ્રંથ એનો સ્વાધ્યાય અધ્યયન અભ્યાસ અને પ્રવચન કરીને.માનસનો પાઠ કરો છો એ શ્રદ્ધાંજલિ છે.

બને તો નવરાત્રિમાં રામચરિતમાનસનો પાઠ કરજો.રામાયણને છાતીએ લગાવીએ અને આંસુ આવે,ગીતાજીને માથે મૂકીને પાશ્ચાત્ય વિદ્વાનો નાચ્યા એ શ્રદ્ધાંજલિ છે.પાંચ- ગૌશાળામાં જઈ ગાયોને ચારો આપવો,ગાયનું દૂધ પીવું,ગાયને કતલખાને નહીં જવા દઉં-એ ગાયને શ્રદ્ધાંજલિ છે.એ જ રીતે ગો એટલે ઇન્દ્રિયોને સમ્યકચારો આપીશ.આંખો જે તે નહીં જુએ,મારા પગ જ્યાં ત્યાં નહીં જાય એ ગાયને આપેલી અંજલી છે.છઠ્ઠું-પોતાના આત્માને અંજલી:આત્મરતિ, આત્મજ્ઞાન,આત્મક્રીડા, આત્મબૌદ્ધ પણ કહી શકાય અહીં સદગુરુ નથી,દિવ્યાત્મા પણ નથી પણ આપણી આજુબાજુમાં કોઈ મુઠ્ઠી ઉંચેરો માનવી કોઈ મહદ પુરુષ એને જીવતા વખાણવા.સારો સરપંચ, સારો શિક્ષક,સારો ખેડૂત,ડોક્ટર,ગ્રામસેવક એની હાજરીમાં એના વખાણ એ એને શ્રદ્ધાંજલિ છે.સાત- યજ્ઞને અંજલી.ઘી દ્વારા અન્ન દેવતાને અંજલી અપાય.આઠ-સૂર્યને જળ ચડાવી અને અંજલિ આપવી.નવ-રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ:રાષ્ટ્રને દગો ન દેવો,ઈમા નદારીથી રાષ્ટ્રપ્રીતિ રાખવી.દસ-ધરતીને અંજલિ: ખેડૂતો પગે લાગે છે.ધરતી માંથી ક્ષમાનો ગુણ લઈએ એ ધરતીને અંજલી છે.અગિયાર-વનસ્પતિમાં તુલસી, બીલી, દુર્વા, પીપળો,નિંબનુ વૃક્ષ કે વડ એ વિશ્વાસને અપાયેલી અંજલી છે.બાર-માતા-પિતા આચાર્ય અતિથિ આચાર્યને સવારે ઊઠી અને પ્રણામ કરીએ એ શ્રદ્ધાંજલિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.