Abtak Media Google News

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ગોધરા હત્યાકાંડ બાદ સર્જાયેલા Naroda Patiya નરસંહાર કેસમાં ત્રણ આરોપીને અદાલત આજે સજા સંભળાવી હતી. અદાલતે ત્રણે આરોપીઓને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટની હર્ષા દેવાણી અને એસ. સુપેહિયાની બેંચ કેસમાં ત્રણ આરોપી પી.જે. રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડને સજા સંભળાવી હતી. આ પૂર્વે વર્ષ ૨૦૧૨માં એક ચુકાદામાં ત્રણ આરોપી પી.જે. રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડ સહિત ૨૯ આરોપીને એસઆઈટી વિશેષ અદાલતે છોડી મુકયા હતા.

જો કે હાઈકોર્ટમાં કેસની સુનવણી દરમ્યાન ૨૦ એપ્રિલના રોજ આ ત્રણને દોષી કરાર આપવામાં આવ્યા અને ૨૯ લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. ખંડપીઠે આ ત્રણની સજાની જાહેરાત અનામત રાખી હતી. આ કેસમાં હાઈકોર્ટે ૨૦ એપ્રિલના રોજ ભાજપના નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા હતા ને બાબુ બજરંગીને ૨૧ વર્ષની કેદની સજા ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૬ વર્ષ પૂર્વે ૨૮ જાન્યુઆરીના રોજ અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં મોટો નરસંહાર થયો હતો. ૨૭ ફેબ્રુઆરીના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં રામસેવકોને સળગાવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં નરોડા પાટિયા નરસંહારમાં ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં ૩૩ લોકો ઘાયલ પણ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.