Abtak Media Google News

કલેક્ટર રાણાવસિયાએ પ્રાકૃતિક ખેતીની મુહિમને આગળ વધારવા ખેડૂતની વાડીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

જુનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની વાડીએ આત્મા-ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક યોજી,  પ્રાકૃતિક ખેતીની મુહિમને તેજીથી આગળ વધારવા માટે અધિકારી-કર્મચારીઓ સાથે પરામર્શ કર્યો હતો. તથા  પ્રાકૃતિક ખેતીથી પ્રાપ્ત થયેલા હકારાત્મક પરિણામો જાણકારી મેળવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતીમાં અવરોધ રૂપ રહેલા પરિબળો વિશે પણ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા કરી હતી.

આ સાથે કલેક્ટર એ છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશ દોમડીયા પાસેથી તેમના અનુભવો જાણ્યાં હતા. સાથે જ પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા-કાર્બન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ-પ્રક્રિયા, પિયત વગેરેની ઝીણવટભરી જાણકારી ઉપરાંત ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ઉપલબ્ધ બજાર વિશે પણ ચર્ચા કરી હતી.કલેકટર એ પ્રાકૃતિક ખેતીમાં અનિવાર્ય એવા ઘનામૃત-જીવામૃતના ઉત્પાદનમાં ગૌશાળા અને ખાનગી એકમોને જોડવા માટે પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત ગાય નિભાવ ખર્ચ માટેની યોજનાનો ખેડૂતો-પશુપાલકો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે પણ સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં 12,000 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.