Abtak Media Google News

દ્વારકા-જામનગર જિલ્લાની ૧૧ હજાર હેકટર જમીન સમધારણ બનાવવા પ્રયાસ

જળ સંશાધન વ્યવસ્થાપન વડે ખેતી, ખેડૂતોનું સશક્તિકરણ

વાડીનારની નયારા એનર્જીએ દ્વારકા અને જામનગર જિલ્લાના ૫૦૦૦થી વધુ ખેડૂતોની ખેતી કુશળ બનાવી જળ સંશાધન વ્યવસ્થાપન વડે સશક્તિકરણ કર્યું છે. કંપનીના પ્રયાસોથી ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને એકર દીઠ ૨૦ થી ૩૦ હજારનો આવકમાં પણ ફાયદો થયો છે.

નવા યુગની આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપનીનયારા એનર્જી ગુજરાતમાં વાડીનાર ખાતે આવેલી તેની રિફાઈનરીની આસપાસ વસતા લોકોના સાતત્યપૂર્ણ વિકાસ અને વૃધ્ધિ માટે કટીબધ્ધ છે. કંપનીએ તેના આજીવિકા પ્રોજેકટ ગ્રામ સમૃધ્ધિ મારફતે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના ૧૫ ગામો સાથે જોડાયેલી છે, જેનો ઉદ્દેશ આગામી થોડા વર્ષોમાં આ વિસ્તારની ૧૧,૦૦૦ હેકટર જમીનને વોટર ન્યુટ્રલ (જળ સમધારણ) બનાવવાનો છે.

ટેકનોલોજીકલ પ્રયાસોનો ઉપયોગ કરવાની સાથે આ પ્રોજેકટમાં આબોહવા કુશળ ખેતી પ્રણાલીઓનો તેમજ  પશુપાલન જેવી સંલગ્ન પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને ખેડૂતોની આવક વધારવામાં સફળતા મળી છે.  આ પ્રવૃત્તિઓમાં ખેડૂતો વ્યાપક પ્રમાણમાં જમીન ઉપરનું પાણી સંગ્રહીને,  જમીનમાંના પાણીને રિચાર્જ કરીને, માઈક્રો અને ડ્રીપ સિંચાઈ પધ્ધતીઓનો વ્યાપક ઉપયોગ કરીને, ભૂકંપીય અભ્યાસ તથા ઓર્ગેનિક ખેતી, બાગાયત પ્રવૃત્તિ, પાક બદલતા રહેવાની પધ્ધતી વડે તથા જમીનમાં પાણી જળવાઈ રહે તેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેકટથી આ વિસ્તારના ખેડૂતોને પાણીના જળ સંરક્ષણ અને રિચાર્જના માધ્યમથી વધારાના આશરે ૧૧.૪૪ એમસીએમ જેટલા પાણીના સંગ્રહનો લાભ મળ્યો છે. આ ઉપરાંત ૪૮૪ જેટલાં વોટર હાર્વેસ્ટીંગનાં માળખાંનુ નવિનીકરણ કરાયું છે. ૪૦૦ હેકટર જમીનમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારીને સિંચાઈ હેઠળના વિસ્તારમાં વધારો કરી ખેત ઉત્પાદનનો ખર્ચ ઘટાડવાની સાથે ખેતીખર્ચમાં  ઘટાડો થયો છે.  આ ઉપરાંત નયારા એનર્જી મહિલાઓ (કૃષિસખી)ને  બીયારણની સારવાર, વાવણી પધ્ધતિઓ, જીવાત નિયંત્રણ, ખેતીનાં સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ તથા અન્ય ખેત પધ્ધતિ અંગે તાલિમ આપી રહી છે. આ પ્રયાસો મારફતે નયારા એનર્જી સ્થાનિક લોકોને આત્મનિર્ભર ખેડૂત સમુદાયના નિર્માણમાં સહયોગ આપી રહી છે.  વસતિના મોટા ભાગ માટે ખેતી અને પશુપાલન આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યાં છે. નયારા એનર્જીએ એક મજબૂત પશુપાલન કાર્યક્રમ હાથ ધર્યો છે, જે પશુઆના આરોગ્યથી માંડીને પોષણ સુધીની તમામ પ્રકારની પશુપાલન વ્યવસ્થાપન સેવાપૂરી પાડે છે, જેમાં દૂધ દોહવાથી માંડીને ઉછેર અને ઓલાદ સુધારણા કાર્યક્રમનો સમાવેશ થાય છે.  આ કારણે ૧૨૫૦ માદા પશુ પ્રાપ્ત થવા ઉપરાંત દૂધની ઉપજમાં ૧૦ ટકાનો વધારો થયો છે.

કંપનીએ પશુ આરોગ્ય શિબીરો, મોબાઈલ વેટરનરી ક્લિનિક, ડીવોર્મીંગ અને વેક્સીનેશન ઉપરાંત સમૂહમાં ઘાસચારો તૈયાર કરવાના તથા ખનીજ યુક્ત પૂરક આહાર પૂરો પાડવાના આયોજનો કર્યાં  છે.  નયારા એનર્જીએ સ્વ સહાય જૂથોની રચના કરી મહિલાઓની એક કેડર (પશુસખી) ઉભી કરી છે કે જે નિયમિત તાલિમ કાર્યક્રમો યોજીને તેને આજીવિકા વિકાસ પ્રવૃત્તિ સાથે જોડે છે.

42

મગફળીમાં એકર દીઠ ૩૬ હજારનો ફાયદો: અજુબેન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના મોટા મોઢા ગામના સીમાંત ખેડૂત અજુબેન ગાગીયા જણાવે છે કે તેમના ૧ હેકટરના ખેતરમાં માઈક્રો સિંચાઈ વ્યવસ્થા બેસાડ્યા પછી એકર દીઠ ૨૧૦૦ કી.ગ્રામ મગફળી મળી છે.

તેમને ઘટતા જતા મજૂરી ખર્ચ અને નફામાં વધારાને કારણે એકર દીઠ રૂ.૩૬,૦૦૦નો ફાયદો થયો છે. અજુબેન કહે છે કે વાવણી પછીના ૪૫ દિવસમાં પાક કરમાઈ જવાનો રોગ દૂર થયો છે અને તેમનો પાક ફૂલ બેસવા સમયે તથા મગફળી લેવા સમયે તંદુરસ્ત રહયો છે. વાવણી પછી મગફળીની ખેતીમાં કાળજી લેવાની પધ્ધતી પણ સરળ બની છે.

ખેડૂતો શું કહે છે ?

કંપનીના આ પ્રયાસ અંગે વાત કરતાં ભરાણા ગામના ખેડૂત લખુભાઈ ચાવડા જણાવે છે કે ઘણા વર્ષથી અમે દરીયાનુંપાણી જમીનમાં ઘુસી જવાને કારણે  પાકની ગુણવત્તા બગડવાની તથા ખેતરોને માઠી અસર થવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છેલ્લા ૩ વર્ષથી મારી ખેતીની જમીનમાં નયારા એનર્જીએ બતાવેલા ઉપાયો હાથ ધરતાં જમીનની ગુણવત્તામાં ભારે સુધારો થયો છે અને મારા ચોખ્ખા નફામાં હેકટર દીઠ અંદાજે રૂ. ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦નો ફાયદો થયો છે. જેનો ઉપયોગ અમે જમીનને સમતળ કરવામાં તથા મારી ખેતીના યાંત્રીકરણ માટે કર્યો છે. નયારા એનર્જીએ ખેડૂત સમુદાયની  સ્થિતિ સુધારવામાટે જે પ્રયાસો કર્યા છે તે બદલ હું તેમનો આભારી છું.

કંપનીએ જળ સંબંધી જે પ્રયાસો કર્યા છે તે અંગે વાત કરતાં જાખર ગામના ખેડૂત અમરસિંહ જણાવે છે કે નયારા એનર્જીના વોટરશેડ મેનેજમેન્ટના સુસંકલિત પ્રયાસોથી વાડીનાર વિસ્તાર અને આસપાસના વિસ્તારના હજારો લોકોને  નોંધપાત્ર ફાયદો  થયો છે  ઉત્પાદકતા વધતા અને પાણી ખાત્રીપૂર્વક મળી રહેતાં મારી ખેતીની જમીનની કીંમત વીઘા દીઠ રૂ. ૪ લાખથી વધીને ૮ લાખ થઈ છે. થોડા વર્ષ પહેલાં આ સ્થિતિ અંગે વિચારી પણ શકાય નહી તેવી હાલત હતી. કંપની કુશળખેતી  અને જળવ્યવસ્થાપન અંગે વિવિધ તાલિમ કાર્યક્રમોનુ આયોજન કરે છે જે અમારા માટે ખૂબજ ઉપયોગી બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.