Abtak Media Google News

તમામ ભવનો, એનએફડીડી હોલ, યુપીએસસી સેન્ટર અને હોસ્ટેલ સહિતના વિભાગની મુલાકાત લીધી: બપોર બાદ વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે જ નેકની ટીમનું આગમન થયું હતું ત્યારે પ્રથમ દિવસે નેકની ટીમે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી શા માટે હોવાનું પુછતા ચિત્ર-વિચિત્ર જવાબ મળ્યા હતા. આ ઉપરાંત પ્રથમ દિવસે નેકની ટીમ દ્વારા લાઈબ્રેરી અને ભવનોની મુલાકાત લેવામાં આવી હતી. આજે બીજા દિવસે નેકની ટીમ દ્વારા બાકી રહી ગયેલા ભવનો તેમજ એનએફડીડી હોલ, યુપીએસસી સેન્ટર અને હોસ્ટેલ સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી ત્યારે આવતીકાલે નેકની ટીમના છેલ્લા દિવસે રીપોર્ટ રાઈટીંગ કરવામાં આવશે અને સાંજે નેકની ટીમ પરત રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, આજે બીજા દિવસે નેકની ટીમ દ્વારા ભવનો અને એનએફડીડી હોલની મુલાકાત સાથો સાથ યુનિવર્સિટીએ વિકસાવેલા ૫૦ એકરમાં આવેલ મિયાવાકી પઘ્ધતિ દ્વારા વૃક્ષ ઉછેર કેન્દ્રના ભારોભાર વખાણ કર્યા હતા. આ ઉપરાંત વિવિધ ભવનોની મુલાકાત લીધી હતી અને બપોર બાદના સેશનમાં નેકની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. તેમજ સાંજના સમયે ખાનગી હોટેલમાં મુલ્યાંકન સમિતિ દ્વારા વાલીઓ અને સંશોધક વિદ્યાર્થીઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી.

આવતીકાલે નેકની ટીમ દ્વારા વીસી-પીવીસી સાથે સમગ્ર બે દિવસના મુલ્યાંકનની ચર્ચા-વિચારણા કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે અને યુનિવર્સિટીને બતાવવામાં આવશે અને જે ખુટતુ-ઘટતુ હશે તેના પર પણ ચર્ચા કરીને બપોર સુધીમાં રીપોર્ટ રાઈટીંગ તૈયાર કરી નેકની ટીમ પરત રવાના થશે અને આગામી થોડા દિવસોમાં યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળશે કે કેમ તે પણ નકકી થઈ જશે.

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ નિહાળી નેકની ટીમ અભિભૂત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમ સમક્ષ ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરતા સુરમય સંધ્યાના કાર્યક્રમમાં બહેનો દ્વારા આયોજીત રાસ-ગરબાનું પર્ફોમન્સ નિહાળ્યું હતું જેમાં યુનિવર્સિટીની બહેનો દ્વારા ટીટોડો, રાસ-ગરબા, તલવાર રાસ તેમજ અન્ય સંસ્કૃતિઓના પણ નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા જે જોઈને નેકની ટીમ અભિભૂત થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.