Abtak Media Google News

કપાતના બદલામાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે અસરગ્રસ્તોની મેયરને રજુઆત

શહેરના વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ પાસે આવેલા ધરમનગર આવાસ યોજના નજીકના મફતિયાપરામાં ટીપીનો ૫૦ ફુટનો રોડ પહોળો કરવા માટે રોડ પર ખડકાયેલા દબાણો દુર કરવા મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ૧૦૦ જેટલા કાચાપાકા મકાનોને મિલકત કપાતની નોટિસ ફટકારવામાં આવતા આજે અસરગ્રસ્તો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા. કોર્પોરેટર બાબુભાઈ મકવાણાની આગેવાનીમાં મેયર બીનાબેન આચાર્યને રજુઆત કરવામાં આવી હતી. કપાતના બદલામાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી કરાઈ છે.વોર્ડ નં.૧માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગાંધીગ્રામ વિસ્તારની બાજુમાં ધરમનગર આવાસ યોજના નજીક આવેલા મફતિયાપરામાં ટીપી સ્કીમનં.૨૨ (રૈયા)નો ૫૦ ફુટનો ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે અહીં રોડ પર ખડકાયેલા ૧૦૦ જેટલા કાચાપાકા મકાનોને તાજેતરમાં વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા મિલકત કપાતની નોટિસ ફટકારવામાં આવી હતી. અગાઉ પણ રોડ પહોળો કરવા માટે મિલકત કપાતમાં લેવામાં આવી હતી ત્યારે કપાતના અસરગ્રસ્તોને આવાસ યોજનામાં કવાર્ટર કે વૈકલ્પિક જમીનની ફાળવણી કરી હતી. દરમિયાન આજે મિલકત કપાતના અસરગ્રસ્તોને વોર્ડના કોર્પોરેટર બાબભાઈ આહિરની આગેવાનીમાં મેયર બીનાબેન આચાર્યને રજુઆત કરી હતી અને એવી માંગણી કરી હતી કે રોડ પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતના બદલામાં અમોને વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવે અથવા આવાસ યોજનામાં કવાર્ટર ફાળવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.