Abtak Media Google News

દેશમાં હાલમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી નામશેષ છે, હોટલવાળા બધા હતાશ છે, મનોરંજન અર્થાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી લગભગ એક વર્ષથી ફલોપ છે. છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધારે ચાલ્યો છૈ કોવિડ-19 થી રક્ષણ આપતા નુસખાનો કારોબાર અને કોમોડિટીનો કારોબાર..! હાલની સ્થિતીમાં દેશના મોટાભાગનાં રાજ્યો કોવિડ-19 ના કેસોના કારણે સત્તાવાર કે સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહ્યા છૈ. પહેલા લોકડાઉન વખતે સરકારે અને સમાજસેવી સંસ્થાઓએ રાહતની જવાબદારી લીધી હતી. પરંતુ હવે સરકાર પાસે જ રાહતમાં આપવા જેવું કાંઇ નથી. વળી આ રોગ ક્યારે કંટ્રોલમાં આવશૈ એ નક્કી નથી તેથી વિશેષ કાંઇ આયોજન થઇ શકે તેમ નથી. આ બધા નેગેટિવ પાસાંઓની વચ્ચે જે ગણ્યાગાંઠ્યા સબળાં પાસા છે તેનું નૈતૄત્વ હવે કૄષિ ક્ષેત્રને સંભાળવાનું છે.કારણ કે હવામાન વિભાગે આગામી ચોમાસું સોળ આની રહેવાની આશા વ્યક્ત કરી છે.આવા સંજોગોમાં ભારતના હાલમાં બેજ જીવન લક્ષ્યાંક રહે છે 2 M- મોન્સુન અને મેડિસીન..!

Advertisement

ગત વર્ષે પણ જ્યારે વિશ્વ આખું લોકડાઉન હતું ત્યારે ભારત સરકારે કૄષિ ક્ષેત્રે વિકાસ સાધીને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી હતી. આંકડા બોલે છે કે કૄષિ કોમોડિટી અને ફાર્મા સેકટરે દેશની ઇકોનોમીની લાજ રાખી છે. ફાર્મા સેક્ટરની નિકાસ 24.44 અબજ ડોલરની થઇ છે જે 18 ટકાનો વધારો સુચવે છે જે છેલ્લા આઠ વર્ષનો સૌથી ઉંચો વિકાસ દર છે. ફાર્માસ્યુટીકલની નિકાસમાં કોવિડ-19 સામે રક્ષણનાં સાધનોથી માંડીને વેક્સીનનો મોટો ફાળો છે.ખાસ કરીને ઉત્તર અમેરિકા, દક્ષિણ આફ્રિકા તથા યુરોપનાં દેશોમાં ભારતીય દવાઓની મોટા પાયે નિકાસ થઇ છે આ ત્રણેય એવા માર્કેટ છે જયાં આગામી વર્ષોમાં પણ ભારતની દવાની નિકાસ વધારવાની ઉજળી તકો છે.

ગત આખું વર્ષ કોવિડ-19 ભય હેઠળ ગયું છતાં એકવાત સાબિત થઇ ગઇ છે કે ભારત કૄષિ પ્રધાન દેશ હતો, કૄષિ પ્રધાન દેશ છે અને ભારતને કૄષિ પ્રધાન રહેવું પડશે.આંકડા બોલે છે કે 2020 માં એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીનાં છ મહિનાનાં ગાળામાં 53626 કરોડ રૂપિયાની કૄષિ પેદાશોની નિકાસ કરી છે. આજ સમયગાળામાં 2019 માં નિકાસ 37397 કરોડ રુપિયાની નોંધાઇ હતી.જે એક વર્ષમાં 43.4 ટકા નો વધારો સુચવે છે. આ એવો સમય હતો જ્યારે દેશનો 50 ટકાથી વધારે કારોબાર લોકડાઉનમાં ખોરવાયો હતો.આ સમયગાળામાં મગફળીની નિકાસમાં 35 ટકા, શુગરની નિકાસમાં 104 ટકા, ઘઉંની નિકાસમાં 206 ટકા, બાસમતી ચોખાની નિકાસમાં 13 ટા તથા નોન-બાસમતી ચોખાની નિકાસમાં 105 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.આ અડધોડઝન જેટલી કોમોડિટીના શાનદાર પર્ફોરમન્સના કારણે આ સયગાળામાં ભારતની  ટ્રેડ બેલેન્સશીટ 9002 કરોડ રૂપિયા જેટલી પોઝીટીવ હતી, યાદ રહે કે અગાઉનાં વર્ષે આજ સમયગાળાની ટ્રેડ બેલેન્સશીટ 2133 કરોડ રૂપિયાની ખાધ દેખાડતી હતી.માત્ર સપ્ટેમ્બર-20 માં જ ભારતની નિકાસ સપ્ટેમ્બર-19 ની સરખામણીઐ 81 ટકા જેટલી વધારે હતી.

ટેકનોલોજીથી સજ્જ અને અત્યાધુનિક ભારત બનાવવાનાં સપના દેખાડનારી ખુદ સરકારને પણ ખબર પડી ગઇ હતી કે મંદી અને મહામારીનાં સમયમાં ઇકોનોમીને ટકાવી રાખવા માટે ખેતી જ હાથ વગું હથિયાર છે. તેથી જ તો બજેટમાં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઇ એગ્રિ ઇન્ફ્રા ફંડ માટે કરવામાં આવી છે.

હવે આપણે ઘેર-ઘેર કોવિડ-19 ના ખાટલા વચ્ચે પણ 2021-22 ના કૄષિ ઉત્પાદનની તૈયારી કરવાની છે. સરકારી હવામાન ખાતાએ તથા ખાનગી કંપનીએ પોતપોતાના સર્વેક્ષણમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.તેનાથી સ્વાભાવિક રીતે જ ખેડૂતોનાં માથે મોટી જવાબદારી આવે છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે  આગામી ચોમાસું માફકસર કે તેનાથી વધારે વરસાદ વાળું રહેવાના 61 ટકાથી વધારે ચાન્સ રહે છે. જ્યારે વરસાદ 96 ટકા થી 104 ટકા સુધીનો થઇ શકે છૈ.એટલે કે પાક પાણીનું ચિત્ર સારૂં તથા વેપારીઓને જીવન જીવવાની રૂચિ કેળવાય એવું રહેવું જ્રરૂરી છે.

ભારત સરકારે વર્ષે 2980 લાખ ટન ખાદ્યાન્ન પાકવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ ઉપરાંત હોર્ટિકલ્ચર પાનું ઉત્પાદન 3204 લાખ ટનનું મુકાયું છે.દેશના માલધારીઓ પાસે 5360 લાખ જેટલા દૂધાળા ઢોર છે. જે ભારતીય ઇકોનોમી માટે રોકડિયા પાક સમાન સાબિત થઇ શકે છે. હાલમાં ભારત કૄષિ નિકાસનાં મામલે  વૈશ્વિક સમુદાયની યાદીમાં ટોચના 15 દેશોમાં છે જે ઉપરક્ત લક્ષ્યાંક હાંસિલ કરવાથી ટોપ-10 માં આવી શકે તેમ છે.જો આપણે નીચા ભાવ વાળી કોમોડિટીની સાથે ઉંચા ભાવ વાળી કોમોડિટીનો પાક લેવાનું શરૂ કરીશું અથવા તો ગુણવત્તા સુધારવા પાછળ 10 ટકા જેટલો આયોજન પૂર્વક નો ખર્ચ કરાય તો ખેડૂતોની આવક બમણી કરી શકાશે અને દેશની નિકાસ પણ વધારી શકાશે. પરંતુ તેના માટે પણ 2 M જ્રરૂરી છૈ, મેનેજમેન્ટ અને માઇન્ડ સેટ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.