Abtak Media Google News

કોમ્યુનિટી હોલની માફક ઓડિટોરીયમનાં બુકિંગ માટે પણ ઓનલાઈન સિસ્ટમ શરૂ કરાઈ: ગોકુલનગર આવાસ યોજનામાં ૨૩ દુકાનોની બુધવારે હરાજી

મહાપાલિકા સંચાલિત અલગ-અલગ ૨૧ કોમ્યુનીટી હોલનું બુકિંગ કરાવવા માટે અરજદારોએ કોર્પોરેશન કચેરી સુધી ધકકો ખાવો ન પડે તે માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ વર્ષોથી ચાલી રહી છે. દરમિયાન ગત ૧લી જાન્યુઆરીથી ૩ ઓડિટોરીયમ માટે પણ ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શોપીંગ સેન્ટરની દુકાનોનાં ભાડા વસુલાત માટે પણ ઓનલાઈન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આગામી બુધવારનાં રોજ સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનાની ૨૩ દુકાનોની જાહેર હરાજી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા હાલ શહેરમાં ૩ ઓડિટોરીયમ બનાવવામાં આવ્યા છે જેમાં અરવિંદભાઈ મણિયાર હોલ, રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ અને પેડક રોડ પર અટલ બિહારી વાજપાઈ ઓડિટોરીયમનો સમાવેશ થાય છે. અરવિંભાઈ મણિયાર હોલનું ભાડુ રૂા.૨૫૦૦ છે જયારે અટલ બિહારી બાજપાઈ હોલમાં ૩ શીફટ મુજબ અલગ-અલગ રૂા.૧૦, ૧૨ અને ૧૪ હજાર ભાડુ વસુલ કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમનું ભાડુ રૂા.૧૨, ૧૫ અને ૧૮ હજાર નકકી કરવામાં આવ્યું છે. બંને ઓડિટોરીયમમાં મોટાભાગે સમાન સુવિધા હોવા છતાં મેન્ટેનન્સમાં થોડી વિસંગતતાઓ છે. કોમ્યુનીટી હોલનું બુકિંગ ૯૦ દિવસ અગાઉ કરી શકાય છે જયારે ઓડિટોરીયમનું બુકિંગ ૬૦ દિવસ અગાઉ કરાવવું પડે છે. અત્યાર સુધી ઓડિટોરીયમનાં બુકિંગ માટે કોર્પોરેશન કચેરી સુધી આવવું પડતું હતું. ગત ૧લી જાન્યુઆરીથી ઓડિટોરીયમનાં બુકિંગ માટે પણ ઓનલાઈન પઘ્ધતિ શરૂ કરી દેવામાં આવે છે. હવે લોકોએ ઓડિટોરીયમના બુકિંગ માટે કોર્પોરેશન કચેરી સુધી ધકકા નહીં ખાવા પડે.

કોર્પોરેશનનાં અલગ-અલગ શોપીંગ સેન્ટરોમાં આવેલી દુકાનોનાં માસિક ભાડા પણ ઓનલાઈન ભરપાઈ કરી શકાય તે માટે સોફટવેર બનાવવામાં આવી રહ્યો છે. આવતા મહિને આ સોફટવેર તૈયાર થઈ જશે. કોર્પોરેશન દ્વારા શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજના બનાવવામાં આવી છે જેમાં ૨૩ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દુકાનની જાહેર હરરાજી આગામી બુધવારે સવારે ૯ કલાકથી શરૂ કરવામાં આવશે. દુકાનની અપસેટ કિંમત રૂા.૧૧,૬૦,૦૦૦ થી ૧૨,૪૦,૦૦૦ સુધી નિયત કરવામાં આવી છે. હરાજીમાં ભાગ લેનાર વ્યકિતએ સ્થળ પર ડિપોઝીટ પેટે ૧ લાખ રૂપિયા રોકડા અથવા મહાપાલિકાના નામનું બેક ડિમાન્ડ ડ્રાફટ ભરવાનો રહેશે. હરાજીમાં સૌથી ઉંચી બોલી લગાવનાર વ્યકિતને દુકાનનું વેચાણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.