Abtak Media Google News

કણકોટ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે ગુરૂવારે ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી કરાશે

રાજકોટ લોકસભા બેઠકનું મતગણતરી કેન્દ્ર કણકોટ ખાતે આવેલી ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઉભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં આગામી ૨૩મીએ મતગણતરીની પ્રક્રિયા યોજવાની છે ત્યારે કેન્દ્રમાં કરાયેલી વ્યવસ્થાની ચકાસણી કરવા રાજકોટ જિલ્લાનાં અધિક કલેકટર પરિમલ પંડયા તેમજ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એન.આર. ધાધલ સહિતનાં અધિકારીઓએ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ મતગણતરી કેન્દ્રની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.

રાજકોટ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવેલા લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણી બાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બંધ થયેલા ઉમેદવારોના પરિણામો આગામી તા. ૨૩ના રોજ મતગણના બાદ જાહેર થવાના છે. ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારની મતગણના શહેરની ભાગોળે કણકોટ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણનાને લગતી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી રહ્યો છે.

મતગણના માટે ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. એટલે કે, મતગણનામાં એક રાઉન્ડમાં ૧૪ સીયુના પરિણામો ખોલવામાં આવશે. એક ટેબલ પર એક મત ગણતરીદાર, એક સહાયક મત ગણતરીદાર અને એક સૂક્ષ્મ નિરીક્ષક એમ મળી કૂલ ત્રણ વ્યક્તિને ફરજ સોંપવામાં આવશે. તેની સંખ્યા કૂલ મળી ૨૯૪ થશે. આજ સાંજે કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે.

રાજકોટ બેઠક માટે સૌથી વધુ પોલિંગ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં છે, એટલે સૌથી વધુ ૨૬ રાઉન્ડ ત્યાં થશે. સર્વ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવા આવશે. એ બાદ ઇવીએમની મતગણતરી કરવામાં આવશે. ઇલેક્શન કમિશનના નિર્દેશ મુજબ આખરી વીવીપેટની ગણતરી કરવામાં આવશે. આ વીવીપેટ એક જ ટેબલ પર વારાફરતી ગણવામાં આવશે. તત્પશ્ચાત આખરી પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વખતે ઇલેકશન કમિશન દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પ્રત્યેક રાઉન્ડની ગણતરી બાદ પરિણામો કમિશનના સુવિધા સોફ્ટવેર ઉપર અપલોડ કરવાના છે. એટલે પરિણામો તમામ લોકોને એક સાથે મળી શકશે. આ પરિણામો ઇલેક્શન કમિશનની એન્ડ્રોઇડ એપ્લિકેશન સુવિધા અને વેબસાઇટ ઉપર નિહાળી શકાશે. રાજકોટ સંસદીય વિસ્તાર હેઠળ આવતી સાતેય વિધાનસભા મતવિસ્તારના એઆરઓ દ્વારા આજે મતગણતરીની પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. અહીં એક મુખ્ય ક્ન્ટ્રોલ રૂમ, પોલીસ ક્ન્ટ્રોલ રૂમ, ઓબ્ઝર્વર રૂમ બનાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.