Abtak Media Google News

વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે શિક્ષણ બોર્ડે 15 દિવસનો સમય આપ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ડિગ્રી ઇજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે જરૂરી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2023 માટે આજથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઇ છે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. 20 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે ડિગ્રી ઇજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ-2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે.

ધો.12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આજથી શરૂ થનારી ફોર્મ ભરવાની પ્રક્રીયા આગામી 15 દિવસ સુધી ચાલશે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ માટેની ફી રૂ.350 નક્કી કરવામાં આવી છે. આ ફી ઓનલાઇન દ્વારા ભરવાની રહેશે. ગુજકેટના આધારે રાજ્યની ડિગ્રી ઇજનેરી તથા ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ ફાળવવામાં આવતો હોવાથી અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ગુજકેટ આપતા હોય છે.

ગુજકેટ-2023 માટે ગત વર્ષની જેમ આ વખતે પણ સવારે 10 થી સાંજે 4 સુધી પરીક્ષાનું આયોજન કરાય તેવી શક્યતા છે. ગુજકેટમાં પ્રથમ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું 40-40 ગુણનું મળીને કુલ 80 ગુણનું સંયુક્ત પ્રશ્ર્નપત્ર રહેશે. જેને લખવા માટે વિદ્યાર્થીઓને બે કલાકનો સમય અપાશે. ત્યારબાદ બાયોલોજી અને ગણિતનું પવનપત્ર અલગ-અલગ લેવાશે. બંને પવનપત્ર 40-40 ગુણના હશે અને લખવા માટે વિદ્યાર્થીઓને એક કલાકનો સમય અપાશે. આ વખતે પણ ગુજકેટના પ્રશ્ર્નપત્રો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં જ રાખવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.