Abtak Media Google News

દેવોના દેવ મહાદેવની માણસ જ નહી રાક્ષસ પણ પૂજા કરે છે. ભોલેનાથને ભોળાનાથ અમથા નથી કહેવાતા એ ભોળા છે કે જે રાક્ષસને પણ અમર થવાનું વરદાન આપી દે છે. તેની પૂજા વિધિ ખુબ જ સરળ છે. શિવલિંગ પર એક લોટો જળ ચડાવવા માત્રથી જ મનુષ્ય સફળતા પ્રાપ્ત કરે છે. સાચા મનથી શિવજીને માત્ર યાદ કરવાથી શિવ પ્રસન્ન થઇ જાય છે અને આપણી ઇચ્છા મુજબ વરદાન આપે છે.

હિન્દુ પંચાગ મુજબ ભોળાનાથની પૂજા સામગ્રીમાં બીલીપત્ર, મધ, દૂધ, દહીં, સાકર અને ગંગાજળથી માત્ર જલાભિષેક કરવાથી શિવભકતોનો બેડો પાર થઇ જાય છે, ભગવાન શિવજીના 1ર જયોતિલિંગની પૂજાનો અનેરો મહિમા છે. સોમનાથ, મલિકકાર્જુન, મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્ર્વનાથ, ત્રયંબકેશ્ર્વર, વૈદ્યનાથ, નાગેશ્ર્વર, રામેશ્ર્વર, ઘૃષ્ણેશ્ર્વર જેવા જયોતિલિંગો છે જેના દર્શન માત્રથી વ્યકિતના બધા જ પાયોમાંથી મુકિત મળી જાય છે.

જેનો પરિવારના તમામ સભ્યો પૂજાય તેવા એક માત્ર મહાદેવ પરિવાર છે. ભગવાન શિવનો પરિવાર અને પરિવારની વિશિષ્ઠતાને કયાંય જોટો મળે તેમ નથી. આપણે રામ-કૃષ્ણ-બુધ-મહાવિર-હનુમાન-સ્વામિનારાયણ એ તમામ માત્ર એક-એક જ પૂજાય છે એમના પરિવારનો એક પણ સભ્ય પૂજાતો નથી. પરંતુ જેના પરિવારના તમામ સભ્યો પૂજાય એવો એક માત્ર પરિવાર છે અને તે છે શિવપરિવાર.

શિવ પરિવારની ખાસ વિશેષતા એ છે કે, શિવ પરિવારના તમામ સભ્યો પોત-પોતાની વિશિષ્ટતાથી સ્વતંત્ર રીતે યા સંયુક્ત રીતે દેવ તરીકે પૂજનીય રહ્યા છે. શિવની પૂજા આદ્યદેવ તરીકે મહાદેવના રૂપમાં અને શિવા અર્થાત માતા પાર્વતીની પૂજા આદ્યશકિત મહાદેવી રૂપે આપણે કરીએ છીએ. શિવ પરિવારમાં માતા અનપૂર્ણા દેવી સ્વરૂપ, માતા ભવાની સ્વરૂપ પાર્વતીજીનું સ્થાન અદ્વિતીય છે. આપણે ત્યાં બહેનોમાં જયા પાર્વતીનું વ્રત અત્યંત પ્રસિદ્ધ છે. આપણી લગ્ન વ્યવસ્થા, પતિપત્ની સંબંધો, પારિવારિક જીવન અને ગૃહસ્થાશ્રમનાં સંદર્ભમાં પાર્વતીપૂજનના તહેવારો આપણો વ્રત તરીકે ઉજવીએ છીએ. પાર્વતીજીનું એક નામ ગોરી પણ છે. આપણી બહેનો ગૌરીવ્રત પણ ઉજવે છે. આ ગૌરીવ્રત વિવાહ, સુહાગ રક્ષા અને પારિવારિક સુખાકારી માટે કરવામાં આવે છે. શિવમંદિરમાં પાર્વતીજીની મૂર્તિનું સ્થાપન અનિવાર્ય છે. આપણી બહેનોઆ જગત જનની માતા પાર્વતીજી પાસે જ અધિકારથી માંગી શકે છે.

રિધ્ધિ દે, સિધ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશ મેં વૃધ્ધિ દે બાકબાની,

હદય મેં જ્ઞાન દે, ચિતમેં દયાન દે, અભય વરદાન દે શંભુરાની,

દુ:ખ કો દુર કર, સુખ ભરપુર કર, આશા સંપૂર્ણ કર દાસ જાણી,

સજન સે હીત દે, કુટુંબ સે પ્રિત દે, જંગમેં જીત દે મા ભવાની.

શિવપુત્ર ગણપતિદાદા ની પૂજા-આરાધના તો કોઈપણ કાર્યના પ્રારંભે આપણે કરીએ છીએ. વિઘ્નહર્તા ગણપતિ મહારાજની સ્તુતિ અને પૂજન અર્ચન બાદ જ તમામ પ્રકારના શુભ કાર્યો કરવાની ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વિશિષ્ટ અને પરંપરાગત પ્રણાલી છે. કોઈપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ વર્ગના લોકો ગણપતિ મહારાજની આરાધના કરે છે. આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ કરીએ છીએ. એની પૂજા કોઈકરે છે.

ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર દિવસે સમરે હાટ વાણિયા, રાતે સમરે ચોર… સ્વયં શિવજીએ પોતાના સ્વમુખે કોઈપણ કાર્યના પ્રારંભે ગણપતિ પૂજન કરવાની વાત કરી છે. પોતાના પુત્રને હિન્દુ સંસ્કૃતિમાં આટલા પ્રતિષ્ઠિત કરવા એ કોઈપણ પિતાએ પોતાના પુત્રની પ્રતિષ્ઠા માટે કરેલા પુરુષાર્થ કે પ્રયત્નોમાં અસારાધારણ અને અદ્વિતીય છે. કથાકારો હળવી વિનોદી શૈલીમાં ટકોર કરતાં કહે છે કે શિવજીએ ગણપતિનો શિરછેદ કરેલો. તે ભૂલ બદલ પાર્વતીજી અને ગણેશજી પ્રત્યેના પ્રાયતિનો બદલો આપવા માટે આ પ્રમાણે કર્યું. અહીં શિવજી એ શીખવે છે કે દરેક પિતાએ પોતાના સંતાનના સર્વાગી વિકાસ માટે શું શું કરવું જોઈએ.

કોઈપણ દેવી-દેવતાનું મંદિર હોય, ગણપતિદાદા તો અવશ્ય હોય જ. યજ્ઞ, હોમ, હવન, પૂજા-પાઠ, વ્રત, આરાધના, વગેરે માં ગણપતિદાદા નું સ્થાપન તો સૌપ્રથમ જ કરવામાં આવે છે. ગણપતિજી સુરક્ષા અને અશુભ તત્ત્વોનો નાશ કરનાર દેવતા છે. આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ છીએ.

વિધ્નેસ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદિદ્ધતાય,

નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે

ભકિતાથ નાશ ન કરાય, ગણેશ્વરાય સર્વેશ્વરાય સુખદાય સુરેશ્વરાયા

વિદ્યાધરાય વિકટાય ચ વામનાય, ભકિત પ્રસન્ન વરદાય નમો નમસ્તે.

શિવજીના પુત્ર કાર્તિક સ્વામી ષડાનન સુરસેની તરીકે ઓળખાય છે. તેઓ દેવસેનાની રક્ષા માટે દેવસેના ના અધિપતી છે. તેઓની વંદના દેવગણ અને સુરગણ કરે છે. કાર્તિક સ્વામીની પૂજા ખાસ કરીને દ.ભારતમાં વિશિષ્ટ રીતે કરાય છે. શ્રી કાર્તિકસ્વામી સાથે મલ્લિકાર્જુન જયોતિર્લિંગ કથા જોડાયેલી છે.

ભગવાન શિવનો મહિમા તો સર્વવિદિત છે. એનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. દરેક ગામ, લત્તો કે વિસ્તારમાં ભગવાન શિવનું મંદિર અવશ્ય હોય જ છે. કલ્યાણકારી, મોક્ષના દેવતા, ભયસૂચક સિગ્નલો રાખી, એમની સાથે સંબંધ રાખી મેત્રીના માધ્યમ દ્વારા અનિષ્ટોનો નાશ કરનારા દેવાધિદેવ મહાદેવ નો મહિમા તો સર્વવ્યાપક અને સચરાચર છે. શંકરાચાર્યજીના મતાનુસાર શિવ માનસપૂજાથી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શિવ એ આદિ, અનાદિ અને અવિનાશી તત્ત્વ છે. એનું પુજન આપણે લિંગ સ્વરૂપે જ કરીએ છીએ. સોમનાથ થી શરૂ કરીને શેરીના શિવ મંદિરોમાં માત્ર શિવલિંગની જ પુજા થાય છે. સંહાર દ્વારા કલ્યાણ કરનારા શિવની પૂજા દર સોમવારે અને શ્રાવણ માસમાં વિશેષ રૂપે થાય છે. એમની પૂજા સવારે, સાંજે, અને રાત્રે પણ થાય છે.ચારેય પ્રહરએમની પૂજા થઈ શકે છે.

અહો કૃપાલ નેત્રભાલ, નિપુર્ણમ્ નિરંજનમ્, ત્રિલોકપાલ, વ્યાલમાલ, કષ્ટકાલ ભંજનમ્

ત્રિશુલધારી, ભુતવારી, અર્ધચંદ્ર શેખરમ, વેદાંત શાસ્ત્ર શોધયું, નમામિ નાથ શંકરમ્…..

શિવ પરિવારના સદસ્યો તો પૂજાય જ છે સાથે સાથે એની પુત્રવધુઓ અર્થાત્ ગણપતિદાદાની પત્નીઓ રિધ્ધિા અને સિદ્ધિ પણ પૂજાય છે. એટલું જ નહીં શિવ પરિવારના સભ્યોના જૂદા જૂદા વાહનોની પણ આપણે ત્યાં પૂજા થાય છે. શિવજીનું વાહન નંદી અને માતા પાર્વતીનું વાહન સિંહ છે. એ જ રીતે ગણપતિજીનું વાહન ઉંદર અને કાર્તિક સ્વામિનું વાહન મોર છે. આ ચારેયનાં સ્વભાવમાં કેટલી ભિન્નતા છે. અલગ અલગ પ્રકૃતિના હોવા છતાં શિવ પરિવારમાં એ કેવા સંપીને સાથે રહે છે! નંદી અને સિંહને જે રીતે વેર છે એ જ રીતે ઉંદર અને મોર પણ એકબીજાના જાની દુશ્મન છે. આમ છતાં સંપીને રહે છે. આમ તેઓ ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાએ પણ સાથે કઈ રીતે રહેવું એ શીખવે છે. આધુનિક પરિવારમાં જયારે સંયુક્ત પરિવાર પ્રથા તુટી રહી છે એવા સંજોગોમાં શિવ પરિવારના વાહનરૂપી પ્રાણીઓ આજની યુવા પેઢીને સંપીને સાથે રહેવાનો સંદેશ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.