Abtak Media Google News

જિલ્લા પંચાયતની લાંબા બેઠકના મુદ્દે પૂર્વ સદસ્ય સહિતના ત્રણ આગેવાનોના રાજીનામા

જામનગર: દ્વારકા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવતાં ભાજપના કાર્યકરોમાં અશંતોષનો જવાળામુખી બહાર આવ્યો છે. ખાસ કરીને લાંબા બેઠક પર ભાજપે સ્થાનિક ઉમેદવારને બદલે આયાતી ઉમેદવાર પસંદ કરતા સ્થાનિક ભાજપના કાર્યકરોએ ભાજપને રામ રામ કરી આપ સાથે જોડાઈ ગયા છે. આગામી સમયમાં આ બેઠક પરના ધારણા મુજબના પરિણામમાં નકારાત્મક અસર પણ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સતાવાર ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં વડત્રા અને ભાડથર સહિતની છ બેઠકને બાદ કરતા અન્ય ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાટિયા બેઠક પર સતવારા સમાજના મૂળ કોંગ્રેસી વિઠ્ઠલ સોનગરા અને વિવાદિત લાંબા બેઠક પર રણમલ માડમને ઉતારવામાં આવ્યા છે. જયારે વડત્રા અને ભાડથર બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે હોડ જામી હોવાથી ન કોંગ્રેસે પહેલ કરી છે ને ભાજપે, આજે આ બંને સહિત અન્ય ચાર બેઠકોની ભાજપના અને તમામ બેઠકો પર કોંગ્રેસની યાદી બહાર પાડશે. જામનગર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૧૮ બેઠકોમાં ભાજપાએ ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે વડતરા અને ભાડથર બેઠક અને બજાણા તેમજ હર્ષદપુર, કલ્યાણપુર અને વેરાડ બેઠકને બાકી રાખવામાં આવી છે. બજાણા બેઠક પર બંને પક્ષના બે આહીર ઉમેદવાર તેમજ ભાડથર બેઠક અને વડત્રા બેઠક પર પણ આવા જ સમીકરણો સામે આવી રહ્યા છે. જેને લઈને બંને પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારી જાહેર કરવામાં આવી નથી. પરંતુ વડત્રા બેઠક પર કોંગ્રેસ પોતાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર અને ભાજપ પૂર્વ ધારાસભ્ય કારુભાઈ ચાવડાના પુત્રનેઉતારે તેવી શક્યતા છે. બીજી તરફ લાંબા બેઠક પર રણમલ માડમને ટીકીટ આપી દેવાતા સ્થાનિક કાર્યકરોમાં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી સાથે દેવશીભાઈ ચેતરીયા, લાંબા જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્ય નેભાભાઈ સુવા,તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય રાણાભાઈ રાવલીયા પાર્ટી છોડી દીધી છે. જો કે ટિકિટ ફળવણીને લઈને વ્યાપેલ અસંતોષના પગલે ભાજપ કઈ વિચારે તે પૂર્વે તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરી લીધો છે. સંભાવનાઓ મુજબ આજે દેવશીભાઈ ચેતરિયા લાંબા બેઠક પર આપ માંથી દાવેદારી નોંધાવશે. આગામી દિવસોમાં કેવા સમીકરણો રચાય છે એ જોવાનું રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.