Abtak Media Google News

એક વ્યક્તિ બે હોદા ભોગવી રહ્યા હોય ગમે તે એક પદ છોડવા કરાય તાકીદ

જૂનાગઢ જિલ્લાના ભાજપના 4 સહકારી શ્રેત્રના દિગજ્જ આગેવાનોના પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી રાજીનામા માંગ્યા હોવાની એક વાત જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં પ્રસરતા જૂનાગઢ જિલ્લામાં એક રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી રાજકીય સ્થિતિ સર્જાઈ છે, અને સમગ્ર જિલ્લામાં આ બાબત ટોક ઓફ ધી ડિસ્ટ્રિક્ટ બની છે. જો કે, જે 4 આગેવાનો રાજીનામા માંગ્યા હોવાના નામ ચર્ચાય છે, તેમાંથી એક આગેવાને રાજીનામું આપી દીધું હોવાનું જ્યારે અન્ય આગેવાનો દ્વારા આવી કોઈ સત્તાવાર વાતો સામે ન આવી હોવાનું જણાવાઇ રહ્યું છે.

છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લા ભાજપના સહકારી ક્ષેત્રના મોટા ગજાના આગેવાનો પાસેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી ઝોન પ્રભારી વિનોદ ચાવડા દ્વારા રાજીનામા માંગી લેવામાં આવ્યા હોવાની એક જોરશોરથી ચર્ચા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ચર્ચાઈ રહી છે, જેને કારણે જૂનાગઢના સહકારી ક્ષેત્રના રાજકારણમાં અનેક ચર્ચાઓ સાથે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

જૂનાગઢ જિલ્લામાં ચર્ચાતી વાતો મુજબ તાજેતરમાં જૂનાગઢની સાવજ દૂધ સંઘની એક ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો પ્રદેશ પ્રમુખ સહિત વડાપ્રધાન મોદી સુધી પહોંચી હતી અને એ ફરિયાદ અનુસંધાને હાઈ કમાન્ડમાંથી એક જોઈ લેવા સૂચના અપાઈ હતી, તો બીજી વાત મુજબ એક વ્યક્તિ, એક હોદો એ સિદ્ધાંતને અનુસરીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. અને જે અનુસંધાને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના એમડી દિનેશભાઈ ખટારીયા તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર જેઠાભાઇ પાનેરાને કોઈપણ એક હોદાની પસંદગી કરી, બાકીના હોદ્દા પરથી 24 કલાકમાં જ રાજીનામું આપી દેવા સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાંસદ હોવાની સાથે તાજેતરમાં જ જૂનાગઢની સાવજ દૂધ સંઘના વાઇસ ચેરમેન પદે ચૂંટાયા છે, જયારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન છે તે સાથે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે, જ્યારે દિનેશભાઈ ખટારીયા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના એમડી છે તથા તેઓ વંથલી તાલુકા સંઘમાં પણ હોદ્દો ધરાવે છે, જ્યારે જેઠાભાઇ પાનેરા જેડીસીસી બેંકના એમડી હોવાની સાથે ઔધોગિક સંઘના પ્રમુખ તથા જૂનાગઢ જિલ્લા પ્રિન્ટિંગ પ્રેસમાં પણ હોદો ધરાવી રહ્યા છે. ત્યારે ભાજપના એક વ્યક્તિ એક હોદાના સિદ્ધાંતને લઈને કદાચ આ રાજીનામા માંગવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે. જો કે બીજી બાજુ તાજેતરમાં જે સાવજ દૂધ સંઘની ચૂંટણી થઈ હતી, તેમાં ભાજપના જ બે જૂથ વચ્ચે સામસામા અનેક  આક્ષેપો ઉઠવા પામ્યા હતા અને રાતોરાત સભ્ય પદે નામ ઉમેરી દેવા સાથેની અનેક ફરિયાદો ભાજપમાં ઉચ્ચકક્ષાએ થઈ હતી, તેમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢ જિલ્લાના આ ચારેય સહકારી ક્ષેત્રના આગેવાનોને દુુુુધે દઝાડિયા હોવાની વાત પણ જૂનાગઢ શહેરમાં ચર્ચાઈ રહી છે.

આ અંગે ‘અબતક’ સાથેની એક મુલાકાતમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આવી કોઈ સત્તાવાર બાબત અમારી સામે આવી નથી. પરંતુ અમારા પ્રદેશ અધ્યક્ષ જે સૂચના આપે તેનું પાલન કરીશું, જ્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે, અમારા માટે હોદ્દા કરતા પક્ષ અને સંગઠન મહત્વનું છે. અમે વર્ષોથી પક્ષના વફાદાર કાર્યકર છીએ અને રહેશું. તે સાથે પક્ષ દ્વારા જે પણ આદેશ કરવામાં આવશે તે મને શિરોમાન્ય રહેશે અને તે આદેશનુ પાલન કરવા હું બંધાયેલો છું, જોકે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો પ્રતિભાવ જાણવા ‘અબતક’ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના પી. એ. દ્વારા સંસદ સભ્ય વ્યસ્ત હોય, ફોનિક મુલાકાત થઈ શકી નથી. અને તેમના પ્રતિભાવો જાણવા મળેલ નથી. પરંતુ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર જેઠાભાઇ પાનેરાએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે, ભાજપના અમારા ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડાનો એક ફોન આવેલ હતો, અને કોઈ એક હોદો પસંદ કરી અન્ય પરથી રાજીનામું આપી દેવા જણાવવામાં આવ્યુ હતું. જે આદેશ મુજબ મેં માત્ર 15 મિનિટમાં જ જેડીસીસી બેંકના એમડી પદેથી રાજીનામું વોટ્સએપ દ્વારા કરી તેની હાર્ડ કોપી પણ રવાના કરી દીધી છે. કારણ કે હું અગાઉ ત્રણ વર્ષ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે અને ત્રણ વર્ષ વાઇસ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યો છું, અને જ્યારે એક વ્યક્તિ એક હોદાના સિદ્ધાંતની વાત છે, ત્યારે હું એક ભાજપને વરેલ વ્યક્તિ હોઉ, પક્ષના આદેશને માથે ચડાવી મેં રાજીનામું આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.