Abtak Media Google News

વિદ્યાર્થીઓને અઠવાડિયે 2 કલાક એટલે કે સેમેસ્ટરમાં 30 કલાકની પ્રવૃત્તિ સાથે તાલીમ શિક્ષણ આપવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન દરેક કોલેજમાં ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય સર્વાનુમતે કરાયો છે. જેમાં દરેક કોલેજ દીઠ એક નોડલ ઓફિસર નિયત કરી તેઓને આ બાબતની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને અઠવાડિયે 2 કલાક (સેમેસ્ટરમાં 30 કલાકની પ્રવૃત્તિ) તાલીમ શિક્ષણ આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું પ્રમાણ વધશે અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થશે.

વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાએ ઉચ્ચ અભ્યાસ તથા નોકરી માટે ડિગ્રી સર્ટિફિકેટની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે અને આ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવામાં આવતી હતી, પરંતુ હવે દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં બે વાર લેવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને એક વખતને બદલે બે વખત પરીક્ષા આપવાની તક મળશે. યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓના માળખામાં પુન: વિચારણા કરી કોલેજ ખાતે અલગ-અલગ ફેકલ્ટીની / સેમેસ્ટરની દરરોજ બે પરીક્ષા લેવામાં આવતી હતી તેના બદલે હવેથી દરરોજ ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવા નિર્ણય કર્યો હતો.

આચાર્યની મિટિંગમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વહીવટી નાના-મોટા પ્રશ્નો અંગે પણ કુલપતિને સૂચન કરાયા હતા. કુલપતિએ કોલેજોના અને વિદ્યાર્થી હીતને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ થાય તે માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. કોરોના બાદ વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં આત્મવિશ્વાસ કેળવવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પર્સનાલિટિ ડેવલપમેન્ટ કોર્સ ફરજિયાત લાગુ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.