Abtak Media Google News

ઠંડીની વિદાય બાદ ઋતુ ચક્રના ફેરફારે ઉનાળાની ગરમીનું આગમન થઇ ગયું: ખાખરાના પુષ્પ કેસુડાના રંગો સાથે માનવીના જીવનમાં વસંતોત્સવ ખીલી ઉઠે છે: હોળીની ઝાળ ઉપરથી વરતારાની લોકવાયકા પણ પ્રચલિત છે

ગુજરાતી કેલેન્ડરના મહિનાઓ સાથે આપણી કાઠિયાવાડી સંસ્કૃતિ જોડાયેલી છે: ફાગણ માસમાં પાનખર ઋતુના અંતિમ દિવસો ગણાતા હોવાથી પ્રકૃતિ સોળે કલાએ ખેલી ઉઠે છે: આ દિવસો શિયાળુ પાક ઘંઉ, ચણા, શેરડી, તુવેર જેવા પાકો લણવાની મોસમ ગણાય છે: કેસુડો આપણું રાજય ફૂલ ગણાય છે

પવર્તમાન સમય એટલે ઠંડીની વિદાય સાથે ઉનાળાની ગરમીનો પ્રારંભ માર્ચ-એપ્રિલ વિઘાર્થીઓની પરિક્ષાની મોસમ સાથે આ વાતાવરણ સતત ગરમીથી અકડાવી પણ દે છે. આગામી માસે હોળી-ધૂળેટી જેવા તહેવારોનું આગમન થશે ને ખાખરાના પુષ્પ ‘કેસુડા’ના રંગો સાથે કાઠિયાવાડી માનવ જીવનમાં વસંતોત્સવ ખીલી ઉઠશે. હોળીની ઝાળ ઉપરથી આ વર્ષનો વરતારો પણ ઘણા લોકો કહેતા હોય છે. કાઠિયાવાડની પરંપરા સાથે ઘણી લોકવાયકા જોડાયેલી છે. ગ્રામ્ય જીવનમાં અ દિવસોનું વિશેષ મહત્વ જોવા મળે છે.માનવજીવનમાં પ્રકૃતિના રંગો સાથે આપણાં પર્યાવરણ સાથે આપણી ચાર માસી ત્રણ ઋતુનું પણ મહત્વ છે. ગુજરાતી કેલેન્ડરના મહિનાઓ સાથે આપણી કાઠિયાવાડી સંસ્કૃતિ જોડાયેલી છે. ઠંડીની વિદાય બાદ અત્યારે તો ગરમીની સીઝન શરુ થઇ છે, હજી તો આગામી ચૈત્ર- વૈશાખના ધોમધખતા તડકાઓ પણ આવશે. વૈશાખી વાયરો અને તેન બપોર વિશે આપણા સાહિત્યકારો કવિઓ એ મન મૂકીને વર્ણનો કર્યા છે. ફળોના રાજા ‘કેરી’ નું આગમન ઉનાળામાં આવે છે.

ફાગણ માસમાં પાનખર ઋતુના અંતિમ દિવસો ગણાતા હોવાથી પ્રકૃતિઓ હવે સોળે કલાએ ખીલી ઉઠતી જોવા મળતા વૃક્ષો ઉપર ફૂલો સાથે લીલોતરી જોવા મળે છે.ખાખરાનું પુષ્પ ‘કેસુડો’ આપણું રાજય ફૂલ ગણાય છે તેના લાલચટક કલર જ જીવનમાં નવરંગ લાવે છે. તેના ફૂલોમાં ઠંડક હોવાથી અને ઉનાળો ચાલતો હોવાથી તેનાથી સ્નાન કરવાનો મિહમા છે. ધરતી પુત્રોને શિયાળુ પાકની સીઝન ુરી થતાં ઘઉં, ચણા, શેરડીને તેનો ગોળ અને તુવેર જેવા પાકોને લણવાની મૌસમ આવી જાય છે. આજ મહિનામાં હોળી – ધુળેટી જેવા તહેવારોનો શુભારંભ થયા બાદ લગભગ દર માસે તહેવારો આવવા  લાગે છે. જે ક્રમ દિવાળીસુધી ચાલે છે. આપણે ત્યાં હોળીની ઝાળ પરથી વરસનો વરતારો જોવાય છે. હોળી વિશેની ઘણી લોક વાયકા આપણે ત્યાં પ્રચલિત છે.

ફાગણમાં નવી ફસલને કારણે અને પ્રકૃત્તિ સોળે કળાએ વસંતોત્સવમાં ખીલતા માનવીના હૈયામાં આનઁદ – ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. વસંતની શરુઆત જ ઉત્સવ જેવી છે તેથી ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલકયા વિના તે કેમ રહીએ’ આ પંકિત માનવ જીવનને નવી દિશા સાથે તેના જીવનમાં નવી વસંત લાવે છે. કોયલ કે અન્ય પક્ષીનો મીઠો ટહુકો અને કેસુડાના રંગ સાથે માનવ જીવન મેઘધનુષી રંગોથી રંગાય છે. કવિ મેઘ બિંદુ, સુંદરમ જેવા કવિઓએ કેસુડાનો મહિમા કવિતામાં ઉતાર્યો છે. કવિઓ ફાગણને તેના ગીતો દ્વારા વધાવે છે.

ડુંગરે – ડુંગરે કેસુડો એવો લાગે કે જાણે કોઇ જોગી કેસરી વસ્ત્ર ધારણ કરીને તપ કરતો હોય, આ માસનો વૈભવ જ કેસુડો છે, તે ખુબ જ સોહામણો લાગે છે. તે મન મોહીલે છે, અને આમ જોઇએ તો પણ માનવી પ્રકૃતિની ગોદમાં જ પૂર્ણ ખીલી શકતો હોવાથી તે પ્રકૃતિમય બનીને મલકવા લાગે છે. પ્રકૃતિ સાથે જીવવું તે સૌભાગ્યની વાત છે. આજના યુગમાં કોઇ પાસે સમય જ નથી તેથી તે તેને માણી શકતો નથી. સંસ્કૃતિનો સાચો ને સફળ ઉછેર પ્રકૃતિની ગોદમાં જયાં વૃક્ષો, પાણી જે પક્ષીઓ હોય ત્યા જ થાય છે.ફાગણના ગીતો સાથે એક કેસુડાના ફૂલનું મિલન થાય તો માનવ જીવન મ્હોરી ઉઠે છે. વહેલી સવારનું કે ઢળતી સાંજે જે ફૂલોની ફોરમ પવન સાથે ભળે ત્યારે સૃષ્ટિ મદમસ્ત લાગવા માંડે છે. ગ્રામ્ય સંસ્કૃતિ કે ઉપવનો મહેકવા લાગે છે. પતંગીને ભમરાતો મધુવનમાં તેના કલરવ કે ગુંજનથી પ્રકૃતિને સોળે કલાએ ખીલવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.