Abtak Media Google News

સમર્પણ ચેરી.ટ્રસ્ટ સંચાલિત ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ દ્વારા  રવિવારે

દિકરીઓના પગ ધોઈ, આરતી ઉતારી પૂજન કરવા ઉપરાંત  ઠાકોરજીને 108 અન્નકુટ પ્રસાદનું આયોજન

ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ પ્રસંગે કલાત્મક શરગારેલી 5 બગીઓ, વિન્ટેજકાર બેંડ-વાઝા-ઢોલ,નગારા, ત્રાંસા, શરણાયુની સૂરાવલી સાથે રાસની રમઝટનું આકર્ષણ

દીકરી એટલે વ્હાલનો દરીયો, તુલસીનો કયારો, ઈશ્વરનું વ્હાલ જેવા અનેકોનેક ઉપનામથી સજજ જેના ” દર્શન ” માત્ર અને સ્પર્શમાત્રથી દિવસભરનો થાક પળવારમાં ગાયબ થઈ જાય તેવું વિધાતાએ ઘડેલ અદભૂત પાત્ર એટલે ” દીકરી ” . દીકરીનો મહિમા લખવામાં પુસ્તકોના પાના અને વર્ણવવાના શબ્દો પણ ખૂટી જાય તેવી 22 દીકરીનો લગ્નોત્સવ ઉજવવાનું સૌભાગ્ય – અહોભાગ્ય સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી ” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ , ઢોલરા અને રાજકોટના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક ” પટેલ ટીમ્બર માર્ટ ” તેમજ ” ઓસ્કાર સીટી ગ્રુપ ” ના તળાવિયા પરીવારના સંયુકત ઉપક્રમે આગામી તા .26 મી ડિસેમ્બરે  શહેરશ્રેષ્ઠીઓ , સાધુ – સંતો , દાતાશ્રેષ્ઠીઓની  ઉપસ્થિતિમાં  યોજાશે.

Advertisement

” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ અને તળાવિયા પરીવારના સંયુકત ઉપક્રમે યોજાનાર ” વહાલુડીના વિવાહ -4 ”  અબતકને વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી , અનુપમ દોશી , કિરીટ આદ્રોજા , સુનીલ વોરા , નલીન તન્નાએ જણાવ્યું છે કે વહાલુડીના વિવાહએ ગરીબ પરીવારની આર્થિક જરૂરીયાતમંદ માતા – પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ ઉપર સેવા જગતના સારથીઓ દ્વારા હેત અને વ્હાલ વરસાવવાનો અમુલ્ય લગ્નોત્સવનો શાહી પ્રસંગ છે.

વર્તમાન સમયમાં વિવિધ જ્ઞાતિમંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક સુધારણાના ભાગરૂપે અને જરૂરીયાતમંદ પરીવારોને મદદરૂપ થવાના ઉતમ આશયથી સમગ્ર રાજયમાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં સમૂહલગ્નોત્સવોનું આયોજન થાય છે ત્યારે લોકોની માન્યતા અને પરિકલ્પનાઓથી ખૂબ જ અલગ અને નવી દીશા , નવી રાહ ચિંધનાર લગ્નોત્સવ બનવાનું સૌભાગ્ય ” વહાલુડીના વિવાહ ” ને મળ્યું છે .

કારણ કે આ લગ્નોત્સવમાં દરેક દીકરીના પિતાની જવાબદારીભર્યુ વ્હાલ , માતા – બહેન અને સખીની લાગણીઓનો વરસાદ , ભાઈઓના સ્નેહનો સાદ અને સગા – વ્હાલા , કુટુંબીજનોનો સાથ સહકાર જેવી દરેક બાબતોની ઝીણામાં ઝીણી કાળજી રાખી દીકરીને રજવાડી ઠાઠમાઠથી સાસરે લાખેણા કરીયાવર સહિત વિદાય આપવાનું કાર્ય પોતાના ઘરે પ્રસંગ હોય , પોતાની દીકરી – બહેનોના લગ્નનો ઉત્સવ હોય તેવી રીતે તન , મન અને ધનથી નિસ્વાર્થ ભાવે ” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ પરીવારની કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોની ટીમ તથા રાજકોટ સહિતની સમગ્ર રાજયના સાધુસંતો , નામી અનામી અગણિત દાતાશ્રીઓ અને શહેરશ્રેષ્ઠીઓના આર્શિવાદથી અને મહેનતથી કરવામાં આવી રહયું છે .

ચાલુ વર્ષે ” દીકરાનું ઘર ” પરીવાર અને રાજકોટના જાણીતા ઉદ્યોગ ગ્રુપ ” પટેલ ટીમ્બર માર્ટ ” ના સ્વ.હિરાભાઈ જીવાભાઈ તળાવિયા અને ગં.સ્વ . શાંતાબેન હિરાભાઈ તળાવિયાના પરિવાર દ્વારા આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . ” પટેલ ટીમ્બર માર્ટ ” તથા ” ઓસ્કાર સીટી ગ્રુપ ” ના સંચાલક ભાવેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ દ્વારા 11 દીકરીઓની જવાબદારી ઉપાડવામાં આવી છે .

વ્હાલુડીના વિવાહ -4 ના કાર્યક્રમમાં વર્તમાન સમયમાં કોરોનાની વિપરિત પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારની કાયદાની મર્યાદાના કારણે માત્ર વિશેષ નિયંત્રિત મહેમાનો – મહાનુભાવો અને દાતાશ્રેષ્ઠીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ શાહી લગ્નોત્સવનું આગામી રવિવારે  રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે . જેમાં મા – બાપ વિહોણી , પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરીવારની 22 દીકરીઓના નાત – જાતના ભેદભાવ વિના વિદ્વાન ભૂદેવોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરાવી રંગેચંગે સાસરે વળાવવામાં આવશે .

આ જાજરમાન લગ્નોત્સવનો પ્રારંભ દીકરીના ફુલેકા તેડવાના પ્રસંગથી કરવામાં આવશે . જેમાં શનિવારે  સાંજે  જાણીતા ક્ષત્રીય અગ્રણી આર.ડી.જાડેજા પરિવાર દ્વારા નિયંત્રિત કરી દીકરીઓને ભાવતા ભોજનનો આસ્વાદ માણવાનું આયોજન કરવામાં આવ્યું છે .

રવિવારે બપોરે 1 થી 2 વાગ્યા વચ્ચે લગ્ન સ્થળે જાન આગમન સાથે આ દિવ્ય લગ્નોત્સવનો શુભારંભ થવાનો છે . બપોરે 3.30 થી 5.00 વાગ્યા સુધી પ્રોસેશન ( વરઘોડા ) નું ભવ્યાતિ ભવ્ય આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે . આ પ્રોસેશનમાં લાત્મક શણગારેલી 5 બગીઓ અને વિન્ટેજ કારમાં બેસાડી ક્ધયાઓને બેન્ડવાજા અને ઢોલનગારા , ત્રાંસા , શરણાઈની સુરાવલીઓ અને રાસની રમઝટ બોલાવી લગ્ન મંડપ સુધી લઈ જવામાં આવશે . જેમાં ક્ધયાઓ માટે રંગ – બેરંગી શણગારેલી છત્રીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે અનોખા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે . લગ્ન સ્થળ સુધી દીકરીઓને આવવા – જવા માટે સંસ્થા દ્વારા જીનીયસ સ્કુલના સહયોગથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . સમગ્ર પ્રોસેશનનું આકર્ષણ વિન્ટેજ કાર રહેશે જે માટે સેવાભાવી અગ્રણી ગુણુભાઈ ઝાલાડીનો સહયોગ મળ્યો છે .

લગ્ન સ્થળે એક સાથે 22 શણગારેલા કલાત્મક મંડપમાં વિજ્ઞાન પ્રખર સંસ્કૃતાચાર્ય ભૂદેવોની ટીમ દ્વારા લગ્નવિધી કરવામાં આવશે , લગ્ન સ્થળ ગુજરાતી પરંપરા અનુસાર ગુજરાતના જાણીતા લોકગાયક નિલેશભાઈ પંડયા અને તેની ટીમ દ્વારા લગ્નગીતો અને ફટાણા ગાઈને લગ્નના વાતાવરણને ગીત – સંગીતે મધુર બનાવવામાં

આવશે . વહાલુડીના વિવાહ -4 લગ્નોત્સવ સ્થળની ભવ્યતા અને દિવ્યતા અદભૂત હશે . જેમાં રંગબેરંગી લાઈટો , વિવિધ રંગના ફુલો , પડદાઓ , કલાત્મક ગેઈટ , કમાન તેમજ વિવિધ સાજસજાવટના સાધનોથી સમગ્ર શુભલગ્ન સ્થળ પરીસરને પણ નવોઢાની જેમ શણગારવામાં આવશે . વિશાળ , આકર્ષક અને કલાત્મક સ્ટેજ ઉરથી લગ્નોત્સવમાં પધારનાર શહેર શ્રેષ્ઠીઓ , દાતા શ્રેષ્ઠીઓ અને મોંઘેરા મહેમાનોનું ભાતીગળ પરંપરા અનુસાર સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે . સ્ટેજને આજુબાજુ વિવિધ સાઈઝના આકર્ષક દીવડાઓની દીપમાળાનો પણ શણગાર અનેરૂ આકર્ષણ ઉભુ કરે તેમ છે .

લગ્નોત્સવના સ્થળે  ઠાકોરજીના દર્શન અને ભવ્ય 108 અન્નકોટ પ્રસાદનું આયોજન  ઠાકોરજી દર્શન માટે ગિરીરાજજીની ગિરીકંદ્રાઓ સહિત પર્વતનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે .

લગ્નોત્સવની તમામે તમામ 22 દીકરીઓનું શહેરશ્રેષ્ઠીઓ દ્વારા પગ ધોઈ કંકુ ચાંદલા કરી આરતી ઉતારી પૂજન કરવામાં આવશે . આ ઉપરાંત તમામ 22 દીકરીઓનું ક્ધયાદાન પણ શહેરના લબ્ધપ્રતિષ્ઠિત પરીવાર દ્વારા કરવામાં આવશે .  જેમાં જેમના ઘરે સંતાન ન હોય અથવા દીકરી ના હોય તેમને આ દીકરીઓનું ” ક્ધયાદાન ’ કરવાના પુણ્યનો લાભ આપવામાં આવશે .

લગ્નોત્સવના સ્થળે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર ફાઈટર , એમ્બ્યુલન્સ અને શહેરના જાણીતા તબીબ ડો.મયંકભાઈ ઠકકર અને ડો.દીપકભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . સંસ્થા દ્વારા સમગ્ર લગ્નોત્સવને રૂપીયા 1 કરોડની વિમા રાશીથી સુરક્ષિત પણ કરવામાં આવ્યું છે . ’ દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ પરીવાર દ્વારા તમામ દીકરીઓને કબાટ , સેટી , ગાદલા , વાસણો , પંખો , એરકુલર , વોટર પ્યુરીફાયર , સોનાની ચુંક તેમજ ચાંદીની કિંમતી વસ્તુઓ સહિત તમામ ઘર વપરાશની જીવન જરૂરી ચીજવસ્તુઓની જીણામાં જીણી યાદી બનાવી લાખેણો કરીયાવર પણ સ્ત્રીધનસ્વરૂપે દાતારઓના સહયોગથી આપવામાં આવશે . જે તમામ કરીયાવર દીકરીના શ્વસુરગૃહે જાણીતા ટ્રાન્સપોર્ટર દીપકભાઈ જલુના સહયોગથી પહોંચતો કરી દેવામાં આવેલ છે.

સમયની માંગ પ્રમાણે નવવધુને છાજે તેવો સાજ – શણગાર , મેકઅપ અને તૈયાર કરવાની વ્યવસ્થા પણ ” દીકરાનું ઘર ” પરીવાર દ્વારા કરવામાં આવી છે . દીકરીઓને તૈયાર કરવા માટે ખાસ કચ્છથી બ્યુટી પાર્લરની બહેનોની ટીમને તેડાવવામાં આવી છે . લગ્ન સ્થળે બાળકોના મનોરંજન માટે રમત – ગમતના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . આ લગ્નોત્સવમાં અગાઉના ત્રણેય લગ્નોત્સવની કુલ 66 દીકરીઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે અને લગ્નોત્સવ નિમિતે પધારેલ તમામ 66 દીકરીઓને સંસ્થા દ્વારા કાયમી સંભારણા સ્વરૂપ ભેટ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દીકરીઓનો આ લગ્નોત્સવ અગાઉના વર્ષોથી પણ ભવ્ય અને ઝાકઝમાળ ભર્યો બની રહે ’ ન ભૂતો ન ભવિષ્યતે ” જેવો યાદગાર બની રહે , વહાલુડીના વિવાહ એ લગ્નોત્સવનું આદર્શ અને ઉતમ ઉદાહરણ બની રહે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા માટે ’ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પાસે 171 થી વધુ કર્મઠ ,  અને આગવું અને ઉમદા વિઝન ધરાવતી સમર્પિત  ટીમની સાથે 51 થી વધુ મહિલાઓની  ટીમ પણ કાર્યરત છે.

આ લગ્નોત્સવનું સંપૂર્ણ આયોજન મુકેશ દોશીના નેતૃત્વ નીચે થઈ રહયું છે . જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટીઓ મૌલેશભાઈ ઉકાણી , શિવલાલભાઈ આદ્રોજા , ડો.નિદત બારોટ , વલ્લભભાઈ સતાણી , પ્રતાપભાઈ પટેલ , ધીરૂભાઈ રોકડ , વસંતભાઈ ગાદેશા સતત માર્ગદર્શન આપી રહયા છે . સમગ્ર પ્રસંગને આખરી ઓપ આપવા દીકરાનું ઘરની કોર ટીમના સભ્યો હરેશ પરસાણા , હસુભાઈ રાચ્છ , ઉપેન મોદી , કિરીટ પટેલ , સુનીલ મહેતા , અશ્વિનભાઈ પટેલ , પ્રવિણ હાપલીયા , દિપકભાઈ જલુ , જયેશભાઈ સોરઠીયા , ગૌરાંગ ઠકકર , પ્રજ્ઞેશ પટેલ , હરદેવસિંહ જાડેજા , ધર્મેશ જીવાણી , રાકેશ ભાલાળા , હરેન મહેતા , ડો.શૈલેષ જાની , ઘનશ્યામભાઈ રાચ્છ સહિતના  ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વ્હાલુડીના વિવાહ-4ના મુખ્ય આકર્ષણો

  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી  કિરીટસિંહ રાણા, ગૃહ રાજયમંત્રી  હર્ષભાઈ સંઘવી તેમજ વાહન વ્યવહારમંત્રી  અરવિંદભાઈ રૈયાણી ખાસ ઉપસ્થિત રહેશે.
  • સાધુ – સંતો , શહેર શ્રેષ્ઠી, દાતાશ્રેષ્ઠીઓ સહિત નિમંત્રિત મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
  • લબ્ધપ્રતિષ્ઠિત નગરશ્રેષ્ઠીઓ દ્વારા દીકરીઓના પૂજનનો દિવ્ય અને અલૌકિક કાર્યક્રમ યોજાશે
  • 51 થી વધુ બહેનો સહિત 171 કર્મઠ કાર્યકર્તાઓની ટીમનું અદભૂત અને બેનમૂન ટીમવર્કનું ઉતમ ઉદાહરણ
  • કાઠીયાવાડી કસુંબો અને ભાવતા ભોજનની સુંદર વ્યવસ્થા
  • જીવન ઉપયોગી તમામ ચીજવસ્તુઓથી સમૃદ્ધ લાખેણો કરીયાવર
  • લગ્નોત્સવને 1 કરોડની વિમા રાશીનું સુરક્ષા કવચ
  • શ્રીજી બાવાના ચરણોમાં 108 પ્રસાદનો અન્નકોટ ધરાશે
  • શાહી અને રજવાડી પ્રોસેશન દ્વારા લગ્નોત્સવનો પ્રારંભ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી . આર . પાટીલ દીકરીઓને વર્ચ્યુઅલ આર્શિવાદ આપશે
  • ફાયર ફાઈટર , એમ્બ્યુલન્સ અને ડોકટરની ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે.
  • “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ અને તળાવિયા પરીવારનું બેનમૂન અને રજવાડી આયોજન

માતાના આશિર્વાદ અને રાજીપો મારા માટે બધુ છે: ભાવેશ પટેલ

મોઢે બોલુ માં ત્યાં સાચે જ નાનપણ સાંભળ્ે.. મોટપની મજા કડવી લાગે કાગળા: પંકિતને સાર્થક કરતા માતાના ગુણાનુવાદ અને આશિર્વાદને યાદ કરતા પટેલ ટીમ્બર્સ ગ્રુપના ભાવેશભાઈ પટેલે પરિવાર દ્વારા 11 દિકરીઓની જવાબદારી વહન કરતા અંગેની વાતચીતમાં  ‘અબતક’નેજણાવ્યું હતુ કે આ બાબતે માતા સમક્ષ રજૂઆત કરતા જ તેઓએ  અંતરનાં ઉંડાણના આર્શિવાદ આપી અને પોતાનો રાજીપો  વ્યકત  કર્યો આમ મા ના આર્શિવાદથી  બીજું કંઈ મોટું નથી તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.