Abtak Media Google News

હાલની કોરોના મહામારીમાં દર્દીઓની સારવારમાં ડોક્ટર અને તેમની ટીમ જીવ જોખમમાં મૂકી દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તે માટે સતત પ્રયત્નશીલ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાના દર્દીના શરીરમાં પ્લાઝ્મા રૂપી એન્ટી બોડી જાય તો દર્દીની રોગપ્રતિકારક શક્તિ બેવડાઈ જાય છે અને તેમનું શરીર કોરોના વાયરસ સામે શક્તિરૂપે જબરદસ્ત ફાઇટ આપી શકતુ હોવાનું પેથોલોજી લેબના ડો. બિપિન કાસુન્દ્રા જણાવે છે.

રાજકોટની પ્લાઝ્મા બેન્ક ખાતે અનેક ડોક્ટર્સ તેમજ અન્ય લોકોએ પ્લાઝ્મા દાન કરી કેટલાય દર્દીઓને નવજીવન આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરકબળ પૂરું પાડતા  પ્લાઝ્મા ડોનર આંખના સર્જન ડો. અનુરથ સાવલીયા કહે છે કે એક ડોક્ટર તરીકે પ્લાઝ્મા આપી હું મારા જ ડોક્ટર ભાઈઓને સાથ આપી રહ્યો છું. કોરોનાના દર્દીઓની અને ખાસ કરીને જેઓ ગંભીર અને મોટી વયના હોઈ તેમને સારવાર સાથોસાથ મારા જેવા લોકોનું પ્લાઝ્મા આપી સારવાર મળતા દર્દીઓ જલ્દી સ્વસ્થ થશે. આપણે પ્લાઝ્મા દાન કરી સમાજમાં હકારાત્મક વિચાર આગળ વધારવાનો છે. હું જ્યાં પ્લાઝ્મા દાન કરી રહ્યો છું તે મારી માતૃ સંસ્થા છે. મારી ધર્મપત્ની પણ આજ સંસ્થામાં મેડિકલ કોલેજમાં એનેટોમી વિભાગમાં પ્રોફેસર અને ડોક્ટર તરીકે સેવારત છે. હાલમાંજ મારા સાસુજીનું અવસાન થયુ હોવા છતા મારા ધર્મપત્ની ડો. પ્રવિણા કોરોના વોરિયર્સ તરીકે પુન: કોરોનાના દર્દીઓની સારવારાર્થે ફરજ પર લાગી ગયા છે. અમે બંને રાજકોટની મેડિકલ કોલેજ કે જે અમારી માતૃ સંસ્થા છે તેનું ઋણ ચુકવવા શક્ય તમામ મદદ કરીશું. ડો. સાવલિયા ખાસ અપીલ કરતા કહે છે કે લોકોએ નિર્ભીક બની પ્લાઝ્મા દાન કરવા આગળ આવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.