Abtak Media Google News
  • આવક અને ખર્ચ સાથે ‘કુનીતિ’ ચલાવનાર રાજકીય પક્ષો દેશને અંદરથી પોકળ બનાવી દેશે, શોર્ટકટ રાજનીતિથી દેશનો વિકાસ થઈ શકતો નથી
  • નાગપુર ખાતે 75,000 કરોડના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ મફતના રેવડી કલચર ઉપર કર્યા શાબ્દિક પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નાગપુરમાં રૂ. 75,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું  ઉદ્ઘાટન બાદ એક જાહેર સભામાં વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું.  તેમણે કહ્યું, ’આજે હું ભારતના દરેક યુવાનોને, દરેક કરદાતાને અપીલ કરીશ કે તે સ્વાર્થી રાજકીય પક્ષો અને સ્વાર્થી રાજકીય નેતાઓનો પર્દાફાશ કરે કે જેઓ આવક અને ખર્ચ સાથે ’કુનીતિ’ ચલાવી રહ્યા છે.  તેઓ આ દેશને અંદરથી પોકળ બનાવી દેશે.

વર્ધા રોડ પર એઇમ્સ કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં, વડા પ્રધાને લોકોને “શોર્ટકટ” રાજકારણ રમતા, કરદાતાઓના પૈસા લૂંટી રહેલા અને ખોટા વચનો દ્વારા સત્તા પ્રાપ્ત કરતા રાજકારણીઓથી સાવચેત રહેવા વિનંતી કરી.  તેમણે કહ્યું કે, “શોર્ટકટ રાજનીતિથી દેશનો વિકાસ થઈ શકતો નથી.”

પીએમ મોદીએ કહ્યું, ’કેટલીક રાજકીય પાર્ટીઓ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોએ આવા નેતાઓ અને પક્ષોને ખુલ્લા પાડવા જોઈએ.  હું તમામ નેતાઓને શોર્ટકટ રાજકારણને બદલે ટકાઉ વિકાસ પર ધ્યાન આપવા વિનંતી કરું છું.  તમે ટકાઉ વિકાસ સાથે ચૂંટણી જીતી શકો છો.

વડાપ્રધાન મોદીએ રવિવારે નાગપુર-મુંબઈ ’સમૃદ્ધિ એક્સપ્રેસવે’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. કુલ 520 કિલોમીટર લાંબો પ્રથમ તબક્કો નાગપુરને અહમદનગર જિલ્લાના શિરડીથી જોડે છે.  આ ઉપરાંત વડાપ્રધાને નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

આ સાથે તેમણે નાગપુરમાં નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ તેમના દ્વારા શરૂ કરાયેલા 11 વિકાસ પ્રોજેક્ટને મહારાષ્ટ્રના ’રત્ન’ ગણાવ્યા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકાર રાજ્યમાં વિકાસને વેગ આપી રહી છે.  વડાપ્રધાને ભંડારા જિલ્લામાં ગોસીખુર્દ ડેમ પ્રોજેક્ટનું ઉદાહરણ આપીને અગાઉની સરકારોની ટીકા કરી હતી.  આ પ્રોજેક્ટ ત્રણ દાયકાથી પેન્ડિંગ હતો.  તેમણે કહ્યું, “પરંતુ ડબલ એન્જિનની સરકાર આવ્યા બાદ હવે ગોસીખુર્દ પ્રોજેક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.