Abtak Media Google News

મહેસાણાના બોરીયાવી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી

આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણાના બોરીયાવી ખાતે દૂધસાગર ડેરીની મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા રૂ.75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં આ સૈનિક સ્કુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.અમિતભાઈ શાહે આ પ્રસંગે સ્વ મોતીભાઈ ચૌધરીની જન્મ શતાબ્દીને ખુબ ભવ્ય રીતે ઉજવવા બદલ દૂધસાગર ડેરીના ચેરમેન સહિત સંચાલક મંડળને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે તેઓએ પોતાની બાલ્યાવસ્થામાં મોતીબાપુને કામ કરતા ખૂબ નજીકથી જોયા છે. તેઓએ કહ્યું કે આટલા વિરાટ વ્યક્તિ આદરણીય મોતીબાપુ ગ્રામ ભારતીમાં ખૂબ સાદાઈથી રહીને જાહેર જીવનના જમીનથી જોડાયેલા કાર્યકર્તા તરીકે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનસિંગભાઈ પછી કોણ તે સમસ્યા અને સહકારી ક્ષેત્રને ગતિ આપવાની વાત હોય તે વખતે મોતીબાપુએ આ શૂન્યવકાશને પુરવાનું કામ કર્યું. શાહે કહ્યું કે 30 વર્ષ સુધી કોઈપણ વિવાદ વિના પશુપાલકોના હિત અને ચૌધરી સમાજની બહેનોની આજીવિકા માટે  વિકાસ સમાન આ દૂધસાગર ડેરીના સંકલ્પને ચરિતાર્થ કરવાનું કામ મોતીબાપુએ કર્યું.

શાહે જણાવ્યું હતું કે મોતીબાપુના નેતૃત્વમાં દૂધસાગર ડેરીએ અનેક કઠિન પડાવો પાર કર્યા, સહકારી ક્ષેત્રના અગ્રણી ત્રિભોવનકાકા સાથે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો શરૂ કર્યા. આ ઉપરાંત આદરણીય મોતીભાઈ ચૌધરી મહેસાણાના સાંસદ, માણસના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી રહ્યા હોવા છતાં અહંકારના એકપણ છાંટા વિના સહકારી ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ માટે એક આદર્શ વ્યક્તિ બન્યા. તેઓએ કહ્યું કે આજે આ મોતીભાઈ ચૌધરી સૈનિક સ્કૂલ ન કેવળ ઉત્તર ગુજરાતના બલ્કે ગુજરાત અને સમગ્ર દેશના બાળકો માટે સેનામાં જવાનો એક ખૂબ ઉત્તમ રસ્તો પૂરો પાડશે અને જે લોકો આ સ્કૂલમાંથી અભ્યાસ કરીને સમાજ જીવનમાં જશે તેમનામાં પણ રાષ્ટ્રભક્તિ અને શિસ્તના સંસ્કારોનું સિંચન થશે.

શાહે વધુમાં કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળના 9 વર્ષમાં સુરક્ષિત વિકસિત ભારત નિર્માણ અને વિશ્વમાં ગૌરવ અપાવવાની સાથે સાથે મોટા પ્રમાણમાં સહકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સૌ નાગરિકોને વિકાસના આંદોલનમાં જોડવાનું કામ કર્યું, પરિણામે દેશમાં વિકાસની દિન દો ગુની અને રાત ચો ગુની પ્રગતિ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ભાવિ પેઢીમાં રાષ્ટ્રભાવના બળવતર બને તે માટે સમગ્ર દેશમાં પી.પી.પી. ધોરણે નવી 100 જેટલી સૈનિક સ્કૂલ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે.

આ આકાર પામી રહેલી 20મી પીપીપી મોડેલની સ્કૂલ છે. તેઓએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને બળ આપવા બદલ દૂધ સાગર ડેરીના ચેરમેન સહિત સંચાલક મંડળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઇ પટેલ, જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, બળવંતસિંહ રાજપુત ભાજપા પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ સાંસદ શારદાબેન પટેલ, જુગલભાઈ લોખંડવાલા, ધારાસભ્ય  દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, સંચાલક મંડળના સદસ્યો તથા પશુપાલક ભાઈઓ બહેનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.