Abtak Media Google News

ઓગણજમાં એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન: હરિભક્તોને પણ સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવી રહ્યાં છે.અમદાવાદના નજીક ઓગણજ ખાતે આવતીકાલથી બીએપીએસ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની એક માસ સુધી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેનું આજે સાંજે વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ હરિભક્તોને સંબોધન કરશે. આવતીકાલથી જાહેર જનતા માટે મહોત્સવ ખૂલ્લો મૂકવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત રવિવાર અને સોમવારે માદરે વતન ગુજરાતની મૂલાકાતે હતા. તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શપથવિધીમાં સામેલ થયા હતાં. બે દિવસમાં ગુજરાતમાં રોકાણ કર્યા બાદ પીએમ આજે ફરી ગુજરાતમાં આવી રહ્યાં છે.

તેઓ સાંજે પાંચ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી મોટર માર્ગે ઓગણજ જશે. ઓગણજ ખાતે બોચાસણવાસી અક્ષરપુરૂસોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષની શાનદાર ઉજવણીનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે આ મહોત્સવને વિધિવત રિતે ખૂલ્લો મૂકશે. આ ઉદ્ઘાટન સમારોહમાં બીએપીએસના વડા મહંતસ્વામી પણ ખાસ ઉ5સ્થિત રહેશે.

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હરિભક્તોને સંબોધશે.

જેમાં તેઓ સમાજ ઉત્સ્થાન માટે પ્રમુખસ્વામી મહારાજે કરેલા અથાગ પ્રયાસોની ગાથા વર્ણવશે. ઓગણજ ખાતે સતત એક મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આજે વડાપ્રધાન આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. દરમિયાન આવતીકાલે જાહેર જનતા માટે મહોત્સવ ખૂલ્લો મૂકી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજકારણમાં સક્રિય ન હતા ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજ સાથે અંગત દરોબો ધરાવે છે.

પ્રમુખસ્વામી મહારાજ જ્યારે અક્ષર નિવાસી થયા ત્યારે તેઓની અંતિમ દર્શનાર્થે વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. આજે તેઓના હસ્તે મહા મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.