Abtak Media Google News

ભૂજ ખાતે રાજ્યપાલના વરદ હસ્તે કૃષિ ડેરી પ્રદર્શન ખૂલ્લુ મુકાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજના મિરજાપર ખાતે 13મા કૃષિ ડેરી પ્રદર્શન – 2023ને ખુલ્લુ મૂક્યું હતું. આ કૃષિ પ્રદર્શન 7 એપ્રિલથી 10 એપ્રિલ સુધી યોજાશે. જેનું આયોજન સંયુક્ત રીતે નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને કચ્છમિત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

કૃષિ અને ડેરી પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોના જળ સંચય, ખેતીની સમૃદ્ધિ માટેના પ્રયાસો અનેરા છે. તેઓએ ખેતીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે સૌ ઉપસ્થિતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, કચ્છ પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રદેશ બની રહ્યો છે. વર્ષ 2001ના ભૂકંપ પછી વડાપ્રધાનએ કચ્છ નિર્માણનો જે સંકલ્પ લીધો હતો, તેના જ પરિણામે આજે કચ્છ વૈશ્વિક સ્તરે જાણીતું બન્યું છે. ’કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’; આ માન્યતા આજે સાર્થક બની છે.

કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી દીધી છે. કચ્છની વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં અનાજ અને ફળોનું વાવેતર કરીને ખેડૂતોએ સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવ્યો છે. રાજ્યપાલએ મંચ પરથી કૃષિક્ષેત્રે ઈતિહાસ બનાવવા બદલ કચ્છના ખેડૂતોને અભિનંદન પાઠવી કચ્છના ખેડૂતો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ કૃષિ પ્રદર્શનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મૂક્યું હતું. આજે 13મા પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે જે આપણા સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી બાબુભાઇ શાહ, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી સર્વ ઉદ્યોગપતિ દિપેશભાઈ શ્રોફ, પ્રશાંતભાઈ પટેલ, કચ્છ કલેકટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, આગેવાન હરેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ કંસારા, નિખિલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.