Abtak Media Google News

પ્રાકૃતિક કૃષિ પેદાશની ગેરંટીની સાથે વચેટીયા વિહીન પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી- અનાજ ખરીદવા પરવડે છે

જૂનાગઢમાં દોઢેક વર્ષથી એક એવું હાટ શરૂ થયું છે કે, જ્યાં દર રવિવારે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવે છે, બીજી બાજુ પ્રાકૃતિક આહાર તરફ જૂનાગઢવાસીઓ વળી રહ્યા છે અને ઝેરમુક્ત આહાર વિશે ધીમી ગતિએ જાગૃતિ ઉભી થઇ છે ત્યારે પ્રાકૃતિક કૃષિ પેદાશની ગેરંટીની સાથે વચેટીયા વિહીન પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી- અનાજ ખરીદવા પરવડે છે. જેના કારણે છેલ્લા દોઢેક વર્ષના ગાળામાં અંદાજે રૂ. 40 લાખની પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી, અનાજ સહિતનું વેચાણ આ હાટમાં થયું છે.

Advertisement

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સાથે જ હવે જૂનાગઢના નાગરિકો પણ પ્રાકૃતિક આહાર તરફ વળી રહ્યા છે. તેની પ્રતીતિ કરાવે છે જિલ્લા પંચાયતના સહયોગથી આત્મા પ્રોજેક્ટ હેઠળ સંચાલિત પ્રાકૃતિક કૃષિ હાટ…. અહીંયા દર રવિવારે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પ્રાકૃતિક ઢબે પકવેલા શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બજારમાં કોઈ વચેટીયા વગર સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ થતું હોવાથી ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે.

આ પાકૃતિક કૃષિ હાટ શહેરના સરદારબાગ ખાતે પીજીવીસીએલની ઓફિસની બાજુમાં આવેલ છે. 15 ઓગસ્ટ-2021માં શરૂ થયેલા આ હાટમાં અત્યાર સુધીમાં અંદાજે 40 લાખની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.

આ અંગે આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.એન. લાખાણી કહે છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું વેચાણ માટે એક માર્કેટ મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. આ પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતો માટે છેલ્લાં દોઢેક વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ હાટ ચાલી રહ્યું છે. તેમજ ગત બે-ત્રણ મહિનામાં પ્રાકૃતિક હાટ બજારમાંથી શાકભાજી, અનાજ વગેરે ખરીદનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જે દર્શાવે છે કે, લોકો ધીમે ધીમે પ્રાકૃતિક એટલે કે, ઝેરમુક્ત આહાર તરફ વળી રહ્યા છે.

લાખાણી વધુમાં જણાવે છે કે, દર રવિવારે 15 કરતા વધુ ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ હાટમાં વેચાણ કરવા આવી રહ્યા છે.  પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને ખાત્રીબંધ પ્રાકૃતિક કૃષિ પેદાશો મળે છે. આ માટે પ્રાકૃતિક કૃષિ હાટમાં પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતો જ વેંચાણ કરવા માટે તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે. આ સાાથે આ પ્રાકૃતિક કૃષિ હાટ બજાર વધુ મોટા પાયા પર વિસ્તાર પામે એટલે કે, ગ્રાહકોને જરૂરી બધી જ ખાદ્ય સામગ્રી અહીંયાથી જ મળી રહે તે દિશામાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.