Abtak Media Google News

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવા માટે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા જામનગર આવ્યા હતાં, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવો, વિમાની સુવિધા, ટ્રેન સેવા વગેરે એક પણ પ્રશ્નના સંતોષકારક અથવા ચોક્કસ જવાબો આપી શક્યા ન હતાં.

કેન્દ્રમાં શિપીંગ સહિતનો હવાલો સંભાળતા મંત્રી મનસુખ માંડવિયા જામનગર આવ્યા હતાં અને શહેર ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈએ જ્યારે સત્તાનું સૂકાન સંભાળ્યું ત્યારે દેશ દિશા વિહીન હતો. ચોમેર અરાજક્તા અને ભ્રષ્ટાચારનો માહોલ હતો, પરંતુ બાર વર્ષના શાસનમાં તેમણે શ્રેષ્ઠ વહીવટ આપ્યો છે.

વર્ષ ર૦૧૪ માં ૧ કરોડ ૮૭ લાખ પરિવારો પાસે પોતાનું ઘરનું મકાન ન હતું. આથી સરકારે તેમના માટે સંકલ્પ કર્યા અને આજ સુધીમાં ૧ કરોડ ૩પ લાખ પરિવારોની મકાન સહાય મંજુર કરવામાં આવી છે. દેશના ૧૮,૪પર ગામડામાં વીજળી નહતી જ્યાં આજે તમામ ગામમાં વીજળી પહોંચી છે.

૪ કરોડ પરિવારો એટલે કે ર૦ ટકા લોકોના ઘરમાં વીજળીનું જોડાણ નહતું સરકારે ૧૬ હજાર કરોડના ખર્ચે સૌભાગ્ય યોજના અમલમાં મૂકી અને ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં દરેક ઘરમાં વીજળી જોડાણ આપવાનું લક્ષ્યાંક છે. વીજબીલ બચત માટે ૩૦ કરોડ એલ.ઈ.ડી. બલ્બનું સસ્તા ભાવે વેંચાણ કર્યું જેમાંથી વર્ષ દરમિયાન ૧પ,પ૦૦ કરોડની વીજ બચત થાય છે.

દેશમાં પ૦ ટકાથી ઓછા પરિવારો પાસે રાંધણ ગેસ જોડાણ હતાં. ઉજ્જવલા યોજના અંતર્ગત ૩ કરોડ ૮પ લાખ રાંધણ ગેસ કનેક્શન વિનામૂલ્યે અપાયા. વર્ષ ર૦૧૯ સુધીમાં ૯૬ ટકાથી વધુ પરિવારો પાસે રાંધણગેસ કનેક્શન હશે. ૭ કરોડ ૮૦ લાખ શૌચાલયો બાંધવામાં આવ્યા છે.

આરોગ્ય પ્રત્યે આજ સુધી સૌથી મહત્ત્વનું કામ જીવન જરૃરિયાતની દવાના ભાવ અંકુશમાં લેવામાં આવ્યો હતાં જેના થકી વર્ષ ૧૦ હજાર કરોડની બચત થઈ છે. આશરે પ૦ કરોડ લોકોને વાર્ષિક પાંચ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ પૂરૃં પાડવામાં આવનાર છે. વર્ષ ર૦૧૪ માં એમ.બી.બી.એસ.ની પ૪,૩૪૮ બેઠક હતી તે વધારીને ૬૭,૩પર ની કરવામાં આવી છે. ખેડૂતોની આવક વર્ષ ર૦રર સુધીમાં બમણી કરવા સરકારે પગલાં ઊઠાવ્યા છે.

કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, મુદ્રા યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

નવા ભારતનું લક્ષ્ય છે કે દેશમાં જરૃરિયાત મુજબની માળખાકીય સુવિધા જેવી કે રેલ, રસ્તા, બંદર, શહેરી સુવિધા વગેરેનું નિર્માણ કરવા આશરે પ૦ લાખ કરોડની જરૃર  પડે વર્ષ ર૦૧૪ માં યુપીએ સરકારે ૧.૮૧ લાખ કરોડની બજેટમાં ફાળવણી કરી હતી જેમાં વધારો કરી વર્ષ ર૦૧૮-૧૯ ના બજેટમાં ૬ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

છેલ્લા ચાર વર્ષમાં વર્તમાન સરકારના શાસનમાં એક પણ ગોટાળો થવા પામ્યો નથી. તેમ પણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

આ સમયે મેયર પ્રતિભાબેન કનખરા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ડો. ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, મીડિય સેલના નીતિન માડમ, ભાર્ગવ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર-મુંબઈ વચ્ચે જાહેર થયેલી નવી ટ્રેન તેમજ  દૂરન્તો ટ્રેનની જામનગરની સેવાના જવાબમાં તેમણે આ પ્રશ્ન સંબંધિત વિભાગ સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જામનગર-અમદાવાદ વચ્ચે થોડા દિવસો ચાલુ રહ્યા પછી બંધ કરી દેવામાં આવેલ હવાઈ સેવાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આગામી સોમવારે આ  સેવા કદાચ, પુનઃ શરૃ કરવામાં આવશે, જો કે એરપોર્ટ સત્તાવાળાએ આજથી સેવા શરૃ થશે નહીં તેમ જણાવ્યું હતું. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગેના પ્રશ્નમાં ‘ભાવ વધ-ઘટ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર નિર્ભર છે’ તેવો ઉત્તર આપ્યો હતો. આમ આ પ્રકારના પ્રશ્નોમાં કેન્દ્રિય મંત્રી ગુંચવાયા હોય તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.