Abtak Media Google News

પ્રદેશમાં અરવિંદ રૈયાણીના સમર્થનમાં કોઇ જ ભલામણ ન કરવા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને પણ ઉદય કાનગડે મોઢે મોઢ પરખાવી દીધું: વિધાનસભાની ચૂંટણી બાદ ચાર મહિના પછી પણ હજુ માહોલ ગરમ

રાજકોટ લોધિકા ખરીદ-વેંચાણ સંઘના ચેરમેનની ચૂંટણી આગામી 17મી એપ્રિલના રોજ યોજાવાની છે. અઢી વર્ષની મુદ્ત માટે ચેરમેન તરીકે હાલ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને રા.લો.સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચાના નામ ચર્ચાઇ રહ્યા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કપાતા અરવિંદે ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના વિરોધમાં કામ કર્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સમય આવ્યે બદલો લેવા કાનગડે શસ્ત્રો સજાવી લીધા છે. કોઇ કાળે અરવિંદને રા.લો. સંઘના ચેરમેન બનતા અટકાવવા માટે સક્રિય બની ગયા છે.

રા.લો. સંઘની હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેનની નિયુક્તિ કરવા આગામી 17મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. સંઘના 19 ડિરેક્ટરો પૈકી નરેન્દ્રસિંહને બાદ કરતા બાકીના 18 ડિરેક્ટરોમાંથી પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કોઇપણને ચેરમેનની ખુરશીએ બેસાડવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. ભાજપ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓમાં ચર્ચા મુજબ રા.લો. સંઘના નવા ચેરમેન તરીકે અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચાનું નામ હાલ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. આ બંને વચ્ચે સમાધાનનો સેતુ પણ રચાઇ પણ ગયો છે. બહુમતી પણ તેઓની તરફેણમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચેરમેનની નિયુક્તિ પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં તમામ ડિરેક્ટરોને વન ટુ વન સાંભળવામાં આવે તેવી શક્યતા પણ જણાઇ રહી છે. ત્યારબાદ ચૂંટણીના દિવસે જ બંધ કવરમાં ચેરમેનનું નામ મોકલવામાં આવશે. નરેન્દ્રસિંહ જાડેજાની અઢી વર્ષની ચેરમેન તરીકેની કામગીરી તદ્ન બિન વિવાદાસ્પદ રહી છે. આવામાં તેઓને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં ભાજપે અરવિંદ રૈયાણીની ટિકિટ કાપી નાંખી હતી. જેના સ્થાને ઉદયભાઇ કાનગડને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી રેકોર્ડબ્રેક લીડ સાથે જીતી પણ ગયા હતા. રા.લો. સંઘમાં ચેરમેનની નિયુક્તીમાં લોકસભાની ચૂંટણીને ખાસ ધ્યાને રાખવામાં આવશે. જ્ઞાતિ-જાતિના સમિકરણો પણ ધ્યાને લેવાશે. વિધાનસભામાં પટેલ સમાજની એક ટિકિટ ઓછી કરવામાં આવી હોય હવે અરવિંદ રૈયાણીને રા.લો. સંઘના ચેરમેન બનાવી સાચવી લેવામાં આવશે. તેવી ચર્ચાઓ શરૂ થતાં જ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સક્રિય થઇ ગયા છે. ગત ગુરૂવારે ભાજપ સ્થાપના દિને કાર્યાલય ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ ભેગા થયા હતા. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અરવિંદ રૈયાણીના સમર્થનમાં હોવાનું વાત ચર્ચાઇ રહી છે. તેઓ રા.લો. સંઘની ચેરમેનની ચૂંટણીમાં રૈયાણીના તરફેણમાં હાઇકમાન્ડ સમક્ષ ભલામણ કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી હોય, કાર્યાલય ખાતે ગોવિંદભાઇ પટેલને એક બાજુ બોલાવીને ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે સ્પષ્ટ જણાવી દીધું હતું કે રા.લોે. સંઘની ચૂંટણીમાં તેઓ દખલગીરી કરે નહિ અને અરવિંદના સમર્થનમાં કોઇ ભલામણ પણ ન કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિરૂધ્ધ કામગીરી કરનાર પક્ષના ગદ્ારોની નામજોગ યાદી પ્રદેશ પ્રમુખને આપવામાં આવી હતી. જો કે એકપણ વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ પક્ષે એવું ચોક્કસ નક્કી કરી લીધું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને હવે કોઇ કાળે મોટા કરવામાં આવશે નહિં. આવામાં હવે જોવાનું રહ્યું કે રા.લો. સંઘની ચૂંટણીમાં ભાજપ શું નિર્ણય લે છે. નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તરીકે રિપિટ કરશે કે પછી રૈયાણી અથવા ઢાંકેચા પર ચેરમેન પદનું કળશ ઢોળશે. તે વાતનો પડદો 17મી એપ્રિલે ઉંચકાશે. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે મોટાભાગે ગોરધનભાઇ ધામેલીયાને રિપીટ કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.