Abtak Media Google News

ચૂંટણી ઢુંકડી આવતા  જ રાજકીય લોબીંગનો ધમધમાટ

સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી પાલિકાઓમાં બીજી ટર્મ માટે દાવેદારીનો દોર સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષ પહેલાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ 5 પાલિકા ઉપર વિજય મેળવીને સત્તા સંભાળી હતી. પહેલી ટર્મના પ્રમુખની મુદત પૂરી થવાને હજુ 5 મહિના બાકી છે ત્યારે બીજી ટર્મના પ્રમુખ કોણ આવશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાથેસાથે પ્રમુખ પદની લાઇનમાં રહેલા સભ્યોએ રાજકીય આકાઓની ઑફિસનાં પગથિયાં ઘસવાનું પણ ચાલુ કરી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

જિલ્લામાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા અને પાટડી, આ તમામ પાલિકામાં ભાજપની બોડી છે. પહેલી ટર્મના પ્રમુખ બનવા માટે 2 વર્ષ પહેલાં ઘણી ખેંચતાણ થઈ હતી. તેમાં પણ પ્રમુખ ફબનવાનાં ઓરતાં જોઈને બેઠેલા કેટલાક સભ્યોનાં નામ કપાતાં નારાજગી પણ જોવા મળી હતી. પ્રથમ ટર્મના પ્રમુખ માટે ધ્રાંગધ્રા અને લીંબડીમાં સામાન્ય સ્ત્રી જ્યારે સુરેન્દ્રનગર, પાટડી અને ચોટીલામાં સામાન્ય પુરુષને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું.

બીજી ટર્મમાં કોનું રોટેશન આવે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ધ્રાંગધ્રા અને લીંબડીમાં સામાન્ય પુરુષ અને સુરેન્દ્રનગર, ચોટીલા અને પાટડીમાં સામાન્ય સ્ત્રીને પ્રમુખ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આથી ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જિજ્ઞાબહેન પંડ્યાની વિધાનસભાની ટિકિટ આપીને પાછી લઈ લીધા બાદ પ્રમુખનો તાજ આપીને રાજી રાખવામાં આવે તેવું પણ માનવામાં આવે છે. તેવી જ રીતે લીંબડીમાં બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાને પ્રમુખ બનાવ્યા હતા ત્યારે હવે ક્ષત્રીય અને પાટીદાર સભ્યોનાં નામ ચાલી રહ્યાં છે.

બીજી બાજુ કારોબારી ચેરમેન દલવાડી જ્ઞાતિને અપાય, તેવું પણ કહેવાય છે. ચોટીલામાં મહિલા પ્રમુખ માટે જૈન, અનુસૂચિત જાતિ અને કોળી જ્ઞાતિનાં મહિલા સભ્યની પ્રમુખ તરીકે વરણી થાય તેમ છે. તેવી જ રીતે પાટડીમાં પણ વર્તમાન સમયે પુરુષ પ્રમુખ પટેલ હોઈ પટેલ મહિલાનું પત્તું કપાય તેમ લાગે છે.

જેનો ફાયદો ઠાકરો કે ઠક્કર મહિલા સભ્યને મળી શકે છે. જોકે હજુ સુધી રોટશન આવ્યું નથી પરંતુ તેમ છતાં સામાન્ય રીતે જ્યાં સામાન્ય પુરુષ હોય ત્યા બીજી ટર્મમાં સામાન્ય સ્ત્રી અને જ્યાં સામાન્ય સ્ત્રી હોય ત્યાં સામાન્ય પુરુષ પ્રમુખનું રોટેશન આવતું હોય છે.

આથી જ એવી ધારણા બાંધીને પ્રમુખ પદના દાવેદારો પૂરી તાકાતથી કામે લાગી ગયા છે. પોતાના રાજકીય આકાઓ પાસે જઈને પોતાને પ્રમુખ બનાવવા માટે આજીજી કરી રહ્યા છે. આટલું જ નહીં, પ્રમુખની સાથે કારોબારી, બાંધકામ, સેનિટેશન, પાણી પુરવઠા જેવી સમિતિના ચેરમેન બનવા માટે પણ હોડ લાગી ગઈ છે. મોવડી મંડળ પણ અત્યારે તમામ તાલ જોઈ રહ્યું છે. મુદત પૂરી થયાના થોડા દિવસો પહેલાં જ રોટેશન જાહેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.