Abtak Media Google News

રાજકોટની ચારેય બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં શાસ્ત્રી મેદાન ખાતે સાંજે ચૂંટણી સભા સંબોધશે: 25મીએ પ્રિયંકા ગાંધી પણ રાજકોટમાં રોડ-શો કરે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની કામગીરી વેગવાન બની છે. અલગ-અલગ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આજે રાજ્યમાં વિધાનસભા બેઠકો પર ચૂંટણી સભાઓ સંબોધવામાં આવી રહી છે.

દરમિયાન આગામી સોમવારના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાજકોટની મૂલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ રાજકોટ બેઠક પરથી લડી રહેલા કોંગ્રેસના ચારેય ઉમેદવારોના સમર્થનમાં શાસ્ત્રી મેદાન ખાતે સાંજે ચૂંટણી સભા સંબોધશે. રાહુલની રાજકોટની મૂલાકાતને લઇ આજે તૈયારીઓના નિરિક્ષણ માટે ગુજરાતના પ્રભારી, સૌરાષ્ટ્રના પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકપ્રિય યુવા નેતા રાહુલ ગાંધી આગામી સપ્તાહથી ગુજરાતમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર-પ્રસાર શરૂ કરી રહ્યા છે.

તેઓ 21મીના રોજ રાજકોટ ખાતે બપોરે 3.30 કલાકે શાસ્ત્રી મેદાનમાં એક જંગી ચૂંટણી સભાને સંબોધશે. આ પૂર્વે તેઓ અમરેલીમાં પણ એક ચૂંટણી સભાને સંબોધશે.  ગુજરાતમાં સત્તા પરિવર્તન થાય તે માટે કોંગ્રેસ દ્વારા આ વખતે જોરશોરથી અને ઉત્સાહ સાથે ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીની રાજકોટની સભાને લઇ કાર્યકરોમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે સવારે ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ડો.રઘુ શર્મા, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રામકિશન ઓઝા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ સિદ્વાર્થભાઇ પટેલ સહિતના આગેવાનો રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ રાહુલ ગાંધીની સભાની તૈયારીઓને લઇ વિસ્તૃત સમિક્ષા કરી હતી. આટલું જ નહિ જે સ્થળે રાહુલ ગાંધીની સભા થવાની છે તે શાસ્ત્રી મેદાનની પણ મૂલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી હતી.

તેઓએ ઉમેર્યું હતું કે રાજકોટમાં ચૂંટણી સભા દરમિયાન રાહુલા ગાંધી શહેરની ત્રણ અને ગ્રામ્યની એક બેઠક સહિત એમ કુલ ચારેય બેઠકો પર કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે આગામી 25મી નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં એક વિશાળ રોડ-શો કરવાના છે.

આવતીકાલથી શહેરમાં ચૂંટણી પ્રચારનો માહોલ બરાબર જામશે. કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા રાજકોટમાં ચૂંટણી સભા સંબોધવાના છે. જ્યારે 19 અને 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. તેઓનો પ્રવાસ પૂર્ણ થતાંના બીજા દિવસે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.