Abtak Media Google News

એટીએમમાં પૈસા ઉપાડતા ન આવડે તેવી વ્યક્તિના પૈસા ઉપાડવામાં મદદ કરી કાર્ડનો ડેટા મેળવી કૌભાંડ આચર્યાની યુપીની ગેંગની કબુલાત

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પરપ્રાંતિય શ્રમજીવીઓને એટીએમમાં પૈસા ઉપાડવામાં મદદ કરી વિશ્ર્વાસ કેળવી એટીએમ કાર્ડનો ડેટા મેળવી એટીએમમાંથી બારોબાર પૈસા ઉપાડતી ઉત્તર પ્રદેશની ગેંગના ચાર શખ્સોને એલસીબીએ ઝડપી લીધા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળ ખાતે આવેલા એક્સિસ બેન્કના એટીએમ પાસે શંકાસ્પદ જણાતા શખ્સને એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ વાઘેલા સહિતના સ્ટાફે ઉત્તર પ્રદેશના પવનકુમાર રામકિશોર પટેલ, ભોલા યાદવ, મહેન્દ્ર યાદવ અને કનૈયા પટેલ નામના શખ્સોને ઝડપી લીધા હતા.

ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ એટીએમની આજુબાજુમાં જ દિવસ દરમિયાન રહેતા હોવાનું અને જેઓને એટીએમમાંથી પૈસા ઉપાડતા ન આવડે તેને મદદ કરી પૈસા ઉપાડી આપ્યા બાદ એટીએમ કાર્ડ પોતાની પાસે રહેલા મશીનમાંથી સ્વાઇપ કરી એટીએમનો તમામ ડેટા કોપી કરી લીધા બાદ તેનો મોબાઇલથી ઇઝી એમએસઆર નામની એપ્લીકેશનની મદદથી એટીએમનો પાસવર્ડ મેળવ્યા બાદ લેપટોપમાં એમએસઆર મશીન કનેકટ કર્યા બાદ કોના બેન્ક ખાતામાં કેટલી રકમ છે તે અંગેની વિગતો મેળવ્યા બાદ ડુપ્લીકેટ કાર્ડમાં રાઇટ કરી ડુપ્લીકેટ કાર્ડની મદદથી અન્ય એટીએમમાંથી મોટી રકમ બારોબાર ઉપાડી છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી છે.

ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ એક્સિસ બેન્ક, ઇન્ડસ્ટ્રીયલ બેન્ક, આઇસીઆઇસી, કેનેરા, એચડીએફસી સહિતની બેન્કના નવ ડુપ્લીકેટ કાર્ડ મળી આવ્યા છે.

ચારેય શખ્સોએ અનેક શ્રમજીવીઓ અને સિનિયર સિટીઝનની રકમ ઉપાડી લીધાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.