Abtak Media Google News

રાજકોટ જિલ્લાના 80,823 ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું રજિસ્ટ્રેશન : આવતીકાલથી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવાશે 

અબતક, રાજકોટ : ટેકાના ભાવે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 80,823 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે આવતીકાલથી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવનાર છે.

સરકારે તા. 1લી ઓક્ટોબરથી 20મી સુધી રૂા. 1055 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી હતી. જે અંતર્ગત જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસીમાં ખેડૂતોએ  રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. રાજકોટ જિલ્લામાં કુલ 80823 ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનનો આંકડો રાજ્યભરમાં સૌથી વધુ રહ્યો છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય 10 જિલ્લાઓમાં થયેલા રજિસ્ટ્રેશનની વિગતો જોઈએ તો જૂનાગઢમાં 58736, જામનગરમાં 43800, દેવભૂમિ દ્વારકામાં 42374, ગીર સોમનાથમાં 71668, અમરેલીમાં 29886, મોરબીમાં 14743, પોરબંદરમાં 12082, સુરેન્દ્રનગરમાં 9612, ભાવનગરમાં 10319 અને બોટાદમાં 1245 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત રૂપિયા 1055 પ્રતિ મણ સરકાર ખેડૂતો પાસેથી ટેકાનાભાવે મગફળી ખરીદશે.

રજીસ્ટ્રેશનમાં આપેલ ટોકનના આધારે આવતીકાલે તા. 21મી મગફળી જે તે માર્કેટયાર્ડમાં ખરીદી ચાલુ થશે. જોકે ગત વર્ષે ટેકાના ભાવ 950 હતા. જે ચાલુ વર્ષે માત્ર રૂા. 105 વધારી 1055 કરવામાં આવ્યા છે. જ્યારે છુટક મગફળીની ખરીદીનો ભાવ રૂા. 1100થી 1150માં બોલાતો હોવાથી ખેડૂતો હવે ટેકાના ભાવે મગફળી વેચે છે કે બહાર વધુ મળતા ભાવે વેચાણ કરે છે તે જોવું રહ્યું.

રાજકોટ અને લોધિકા તાલુકામાં સૌથી ઓછું રજિસ્ટ્રેશન, ગોંડલ અવ્વલ

રાજકોટ જિલ્લામાં રાજકોટ અને લોધિકા તાલુકામાં સૌથી ઓછું રજિસ્ટ્રેશન થયું છે. ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રાજકોટ તાલુકામાં 3062 ખેડૂતોએ જ્યારે લોધિકા તાલુકામાં 3591 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધુ ગોંડલ તાલુકાના 15427 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વધુમાં કોટડા સાંગાણીમાં 5196, ધોરાજીમાં 6171, ઉપલેટામાં 6355, પડધરીમાં 5446, વીંછીયામાં 7155, જેતપુરમાં 6909, જસદણમાં 8078, જામકંડોરણામાં 13419 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.