Abtak Media Google News
  • મ્યુનિ.કમિશનર આનંદ પટેલે રજૂ કરેલા વર્ષ:2024-2025ના ડ્રાફ્ટ બજેટમાં પાણી વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ અને ખૂલ્લા પ્લોટ પર વેરામાં વધારો કરવાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત
  • રાજકોટના વિકાસને અનુરૂપ અનેક પ્રોજેક્ટ બજેટમાં મુકાવ્યા: મિલકત વેરાનો લક્ષ્યાંક 426 કરોડ, જમીન વેંચાણનું લક્ષ્યાંક 450 કરોડ રખાયો: 100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્વ કરવાની પણ ઘોષણા

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2023-2024નું રૂ.2472.45 કરોડનું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2024-2025નું રૂ.2817.81 કરોડનું અંદાજપત્ર આજે દરખાસ્ત સ્વરૂપે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં રાજકોટવાસીઓ પર સતત બીજા વર્ષે કરોડો રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો છે. પાણી વેરામાં, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ અને ખૂલ્લા પ્લોટ પરના હયાત વેરાના દરમાં વધારો કરવાનું ડ્રાફ્ટ બજેટમાં સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત મિલકતના નામ ટ્રાન્સફરના ચાર્જમાં પણ તોતીંગ વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રૂ.17.77 કરોડનો કરબોજ રાજકોટવાસીઓ પર લાદવામાં આવ્યો છે. ત્રણ મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવાની હોય ભાજપના શાસકો દ્વારા મ્યુનિ.કમિશનરે સૂચવેલો કરોડો રૂપિયાનો કરબોજ ફગાવી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

Advertisement
Rajkot Municipal Corporation'S Draft Budget Of Rs.2817.81 Crore: Tax Burden Of Rs.17.77 Crore
Rajkot Municipal Corporation’s Draft Budget of Rs.2817.81 Crore: Tax Burden of Rs.17.77 Crore

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને વર્ષ-2023-2024નું રિવાઇઝ્ડ અને વર્ષ-2024-2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે દેશના સર્વગ્રાહી વિકાસમાં સ્થાનિક સ્વરાજ્યની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક પૂરવાર થતી હોય છે. ખૂબ ઝડપભેર વિકાસ પામી રહેલા રાજકોટ શહેરની વિકાસ રફ્તાર જાળવી રાખી નાગરિકોની સુખાકારીમાં વૃદ્વિ કરવા અને તેઓના જીવનધોરણમાં પ્રગતિમય અને રચનાત્મક પરિવર્તન આવે તે દિશામાં જુદા-જુદા લક્ષ્યાંક હાંસલ કરવા રાજકોટ મહાનગરપાલિકા અસરકારક રીતે પોતાની ભૂમિકા અને જવાબદારીઓને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહી છે. આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સંર્વાગી વિકાસની સાથોસાથ મુખ્યત્વે પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલીટીની સુવિધાઓ અને સેવાઓના માળખાઓને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.

Rajkot Municipal Corporation'S Draft Budget Of Rs.2817.81 Crore: Tax Burden Of Rs.17.77 Crore
Rajkot Municipal Corporation’s Draft Budget of Rs.2817.81 Crore: Tax Burden of Rs.17.77 Crore

રંગીલું રાજકોટ આગામી સમયમાં સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્રે પણ શ્રેષ્ઠ પરર્ફોમન્સ બતાવી સ્વચ્છ, સુંદર અને રળીયામણા રાજકોટ તરીકે ગૌરવ પ્રાપ્ત કરે તેવા આશ્રય સાથે બજેટમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંબંધી કાર્યોને ધ્યાનમાં રાખી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સેલની રચના, બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના, ઇન્ટીગ્રેટેડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, નાકરાવાડી ખાતે લીગેસી વેસ્ટ પ્રોસેસીંગનું કામ, ક્ધસ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન કલેક્શન સેન્ટર તથા પ્રોસેસીંગ માટે પ્લાન્ટ બેઇઝ સિસ્ટમનું અમલીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. રાજકોટનું વાતાવરણ પર્યાવરણ ફ્રેન્ડલી બને તે માટે આગામી વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવશે અને શહેરની એર ક્વોલિટીમાં વધુ સુધારો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. પર્યાવરણ સંબંધી લોંગ ટર્મ પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવશે. નવા ભળેલા વિસ્તારોમાં આવશ્યકતા અનુસાર વિકાસ કામો માટે માતબર જોગવાઇ કરવામાં આવી છે.

Rajkot Municipal Corporation'S Draft Budget Of Rs.2817.81 Crore: Tax Burden Of Rs.17.77 Crore
Rajkot Municipal Corporation’s Draft Budget of Rs.2817.81 Crore: Tax Burden of Rs.17.77 Crore

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ-2023-2024નું રૂ.2472.45 કરોડનું રિવાઇઝ્ડ બજેટ જ્યારે વર્ષ-2024-2025નું રૂ.2817.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મિલકત વેરાના વર્તમાન દર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યાર વોટર ચાર્જમાં સામાન્ય વધારો સૂચવવામાં આવ્યો છે. રહેણાંક હેતુ માટેના નળ જોડાણનો માસિક ચાર્જ હાલ રૂ.125 અને વાર્ષિક ચાર્જ રૂ.1500 વસૂલ કરવામાં આવે છે. જેમાં પ્રતિદિન માત્ર 27 પૈસાનો વધારો કરી માસિક પાણી વેરાનો ચાર્જ રૂ.133 અને વાર્ષિક રૂ.1600 કરવાનું સૂચવવામાં આવ્યું છે. જ્યારે કોમર્શિયલ હેતુના નળ જોડાણનો માસિક ચાર્જ હાલ રૂ.250 અને વાર્ષિક ચાર્જ રૂ.3000 વસૂલ કરવામાં આવે છે. જેમાં દૈનિક 54 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને માસિક રૂ.267 તથા વાર્ષિક રૂ.3200 વસૂલ કરવાનું સુચવવામાં આવ્યું છે. આ સુધારાથી રૂ.3.20 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. સૂચિત વધારા સાથે પાણી વેરા પેટે વાર્ષિક રૂ.56.37 કરોડની આવક થવાની અંદાજ રાખવામાં આવ્યો છે.

Rajkot Municipal Corporation'S Draft Budget Of Rs.2817.81 Crore: Tax Burden Of Rs.17.77 Crore
Rajkot Municipal Corporation’s Draft Budget of Rs.2817.81 Crore: Tax Burden of Rs.17.77 Crore

આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક હેતુની મિલકતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હાલ પ્રતિદિન રૂ.1 અને વાર્ષિક રૂ.365 વસૂલ કરવામાં આવે છે. જે બમણો કરવા દરખાસ્ત કરાઇ છે. પ્રતિદિન રૂ.2 અને વાર્ષિક રૂ.730 કરવાનું સૂચવવામાં આવ્યું છે. જ્યારે બિનરહેણાંક હેતુની મિલકત પાસેથી હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પેટે રૂ.4 અને વાર્ષિક રૂ.1460 વસૂલવામાં આવે છે. જેમાં વધારો કરી પ્રતિદિન રૂ.5 અને વાર્ષિક રૂ.1825 કરવાની દરખાસ્ત કરાઇ છે. આ સુધારાથી કોર્પોરેશનની આવકમાં રૂ.13.07 કરોડનો વધારો થશે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પેટે વાર્ષિક રૂ.40 કરોડની આવક થશે.

તેઓએ ઉમેર્યું હતું કે ખૂલ્લા પ્લોટ પરના વેરાના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 500 ચોરસ મીટર સુધીના ખૂલ્લા પ્લોટ માટે હાલ જે પ્રતિ ચોરસ મીટર રૂ.14 વસૂલ કરવામાં આવે છે. તેને યથાવત રાખવામાં આવ્યા છે. 500 ચોરસ મીટરથી વધુનું ક્ષેત્રફળ ધરાવતા ખૂલ્લા પ્લોટ પાસેથી વેરા પેટે હાલ રૂ.28 વસૂલ કરવામાં આવે છે. જે પ્રતિ ચોરસ મીટર રૂ.30 કરવા સૂચવવામાં આવ્યું છે. જ્યારે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.32માં ખૂલ્લા પ્લોટના વેરાના ચાર્જિંસ જે હાલ રૂ.14 અને રૂ.28 છે. તેને વધારી રૂ.60 કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ સુધારાથી 1.50 કરોડની આવક થવાનો અંદાજ છે. ડ્રાફ્ટ બજેટમાં રાજકોટવાસીઓ પર રૂ.17.77 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે.

મિલકતના નામ ટ્રાન્સફર ચાર્જમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. હાલ નામફેર માટે માત્ર રૂ.5 ફી વસૂલવામાં આવે છે અને રૂ.250 ડિપોઝીટ લેવામાં આવે છે. હવે રહેણાંક હેતુની મિલકતમાં નામ ટ્રાન્સફર માટે રૂ.500થી લઇ રૂ.3000 જ્યારે બિનરહેણાંક હેતુની મિલકતમાં નામ ટ્રાન્સફર માટે રૂ.1000 થી લઇ રૂ.10,000 કરવાનું સૂચવવામાં આવ્યું છે. ખરીદ વેંચાણના 90 દિવસ પછી નામ ટ્રાન્સફર કરવામાં આવે તો રૂ.2000 લેઇટ ફી વસૂલ કરવાનું સૂચવવામાં આવ્યું છે. અનલીંક નળ કનેક્શનમાં નામ ટ્રાન્સફરનો હાલ ચાર્જ રૂ.5 અને ડિપોઝીટ રૂ.250 છે. જે દસ્તાવેજ કરાવ્યાના 90 દિવસ સુધીમાં નામ ટ્રાન્સફર કરાવે તો રહેણાંક નળ કલેક્શનના રૂ.250 અને બિનરહેણાંક નળ કલેક્શનના રૂ.500 કરવામાં આવ્યા છે. દસ્તાવેજના 90 દિવસ પછી નામ ટ્રાન્સફરનો ચાર્જ રૂ.1000 અને રૂ.2000 કરવાનું સૂચવવામાં આવ્યું છે.

તેઓએ ઉમેર્યું હતું કે બજેટમાં રાજકોટના વિકાસને અનુરૂપ અનેકવિધ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે. જેમાં વોટર પ્રોજેક્ટ સેલ, સિવિક સેન્ટરનું અપગ્રેડેશન, મોટા વોર્ડમાં ચાર નવી વોર્ડ ઓફિસ બનાવવી, નવા પાણીના સ્ત્રોત શોધવા માટે સર્વે કરવો, જનભાગીદારીથી જળ સંવર્ધનના કામો હાથ ધરવા, સિટી ટુરિઝમ સેલ ઉભો કરવા સહિતની અનેકવિધ યોજનાઓ મુકવામાં આવી છે. સૂચિત વેરા વધારા સહિત ટેક્સ બ્રાન્ચને રૂ.426 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જો કે, આ રકમમાંથી પગાર ખર્ચ પણ નીકળે તેમ નથી. કારણ કે મહેકમનો ખર્ચ રૂ.462 કરોડે આંબી ગયો છે. ડ્રાફ્ટ બજેટમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક રૂ.450 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યારે 200 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પણ પ્રસિદ્વ કરવાની ઘોષણા કરવામાં આવી છે. અલગ-અલગ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારિત બજેટ છે. જો કે, બજેટમાં વાસ્તવિક ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચૂંટણી વર્ષમાં શાસકો એકપણ રૂપિયાનો કરબોજ નહીં સ્વીકારે

સતત બીજા વર્ષે શહેરીજનો પર કરોડોનો કરબોજ ઝીંકવામાં આવે તો મતપેટી પર અસર થવાની શાસકોને ભીતી

મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ-2024-2025ના ડ્રાફ્ટ બજેટમાં પાણી વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ અને ખૂલ્લા પ્લોટ પરના વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મિલકતના નામ ટ્રાન્સફરના ચાર્જિંસમાં પણ તોતીંગ વધારો સૂચવવામાં આવ્યો છે. વર્ષ-2023-2024ના બજેટમાં પણ મ્યુનિ.કમિશનર દ્વારા રૂ.101 કરોડનો તોતીંગ કરબોજ સૂચવવામાં આવ્યો હતો. દરમિયાન તત્કાલીન ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા પાણી વેરાના દરમાં 78 ટકાનો માતબર વધારો માન્ય રાખવામાં આવ્યો હતો અને શહેરીજનો પર 40 કરોડનો કરબોજ ગત વર્ષે જ ઝીંકવામાં આવ્યો હતો. આ વર્ષે મ્યુનિ.કમિશનર દ્વારા બજેટમાં રૂ.17.77 કરોડનો કરબોજ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્રણ મહિના પછી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય જો સતત બીજા વર્ષે રાજકોટવાસીઓ પર કરોડો રૂપિયાનો કરબોજ ઝીંકવામાં આવે તો મતપેટી પર તેની વિપરિત અસર પડે તેવી દહેશત શાસકોને અત્યારથી જ સતાવી રહી છે. જેના કારણે એકપણ રૂપિયાનો કરબોજ મંજૂર કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહિંવત દેખાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રદ્યુમન પાર્કની ટિકિટના દરમાં વધારો કરવા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સભ્ય ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક ઝાટકે ફગાવી દેવામાં આવી હતી અને વધારો નામંજૂર કરાયો હતો. પાણી વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં ગત વર્ષે જ મોટા વધારા કરવામાં આવ્યા હોય આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એકપણ રૂપિયાનો કરબોજ સ્વિકારવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહિંવત દેખાઇ રહી છે. જો કે, કમિશનર દ્વારા પાણી વેરો, ખૂલ્લા પ્લોટનો વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં બહું મોટો વધારો સૂચવવામાં આવ્યો નથી. છતાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શાસકો દ્વારા એકપણ રૂપિયાનો કરબોજ સ્વિકારવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહિંવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.