Abtak Media Google News

તમામ સાતેય યુનિયનના નેજા હેઠળ કોર્પોરેશનના કર્મચારીઓની બીજી વખત અધિકાર રેલી: સૂત્રોચ્ચાર પોકાર્યાં

વિવિધ પડતર પ્રશ્ર્નો અને જૂની પેન્શન યોજનાની માંગણી સાથે સરકારી કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંકતા રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે. કોર્પોરેશનના સાતેય યુનિયન દ્વારા ગત સપ્તાહે પડતર માંગણી પ્રશ્ર્ને મ્યુનિ.કમિશનર અને મેયરને રજૂઆત કર્યા બાદ કોઇ નિવેડો ન આવતા આજે ફરી કર્મચારીઓએ અધિકાર રેલી યોજી હતી અને વ્યાપક સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં. આગામી શનિવારના રોજ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠક મળવાની છે ત્યારે જ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. આવતીકાલથી કર્મચારીઓનું આંદોલન વધુ વેગ પકડશે.

કોર્પોરેશનના અલગ-અલગ સાત યુનિયન દ્વારા એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગત 8મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિ.કમિશનરને અલગ-અલગ આંદોલાત્મક કાર્યક્રમોની જાણ કરતી નોટિસ ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી કર્મચારીઓ અલગ-અલગ ઝોન ઓફિસ ખાતે અધિકાર યાત્રા યોજી રહ્યા છે. દરમિયાન આજે સેન્ટ્રલ ઝોન ખાતે કર્મચારીઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં અને ફરી એક વખત પોતાની માંગણી બૂલંદ બનાવી હતી. દરમિયાન આવતીકાલથી આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

કાલે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. જ્યારે 17મી સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જશે. શનિવારે કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠક મળનાર હોય ત્યારે જ કર્મચારીઓની માસ સીએલની જાહેરાતથી થોડી અવ્યવસ્થા સર્જાય તેવી ભિતી પણ વર્તાઇ રહી છે. દરમિયાન આગામી 22મી સપ્ટેમ્બરના રોજ તમામ કર્મચારીઓ દ્વારા પેન ડાઉન સ્ટ્રાઇકની જાહેરાત કરવામાં આવી છે. જો 30મી સપ્ટેમ્બર સુધીમાં પડતર પ્રશ્ર્નોનો હકારાત્મક ઉકેલ નહી આવે તો કર્મચારીઓની અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ જશે. વિધાનસભાની ચૂંટણી સમયે જ રાજ્યભરમાં સરકારી કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.