Abtak Media Google News

સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ, નવા કાયદાના વિરોધમાં આવેદન આપવાનો કાર્યક્રમ રદ

અમદાવાદવાળી ન થાય તે માટે પોલીસ સ્ટાફનો ઉચ્ચ અધિકારીઓએ જુસ્સો વધાર્યો

ભારતમાં નાગરિકતા સંશોધન ધારાના વિરોધમાં અનેક રાજયમાં હિંસા સાથે વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને પોલીસ પર થયેલા હુમલાના પગલે રાજયભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ સ્ટાફનો જુસ્સો જળવાય રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગ દર્શન આપ્યું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Advertisement

મોદી સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બીલ લોકસભા તેમજ રાજય સભામાં રજુ કરવામાં આવ્યું હતું જેને મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ પણ તેને લીલીજંડી આપી દેતા આ બીલ કાયદામાં પરિવર્તીત થઇ ગયું હતું. આ કાયદા મુજબ બાંગ્લાદેશ, અફઘાનીસ્તાન અને પાકિસ્તાનના બીન મુસ્લિમ નાગરિકો કે જે વર્ષોથી ભારતમાં સ્થાયી થયા હોય તેઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવે છે આ કાયદાના વિરોધમાં દેશના મોટા ભાગના રાજયમાં હિંસા થઇ રહી છે.

Img 20191219 Wa0003

કાયદાના વિરોધમાં અમદાવાદ બંધના એલાન દરમિયાન શાહઆલમ વિસ્તારમાં ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી કરેલા હુમલા અને તોડફોડની ઘટનાથી રાજયની પોલીસ ઉંઘ ઉડી હોય તેમ પોલીસ સ્ટાફને સજજ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.અમદાવાદની ઘટનાના રાજકોટમાં પડઘા ન પડે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ તમામ પોલીસ મથકના સ્ટાફને એલર્ટ રહેવા અને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાવ્યું છે.

ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, કુવાડવા, થોરાળા અને આજી ડેમ વિસ્તારમાં સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી શહેરમાં કોમી એખલાસ સાથે શાંતિ જળવાય રહે તે અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.

જ્યારે પ્ર.નગર, તાલુકા, ગાંધીગ્રામ અને યુનિર્વસિટી પોલીસ મથકના આગેવાનો સાથે ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજાની આગેવાની સાથે શાંતિ સમિતિની બેઠળ યોજવામાં આવી છે. નવા કાયદાના વિરોધમાં વિરોધ વ્યક્ત કરવા માટે આવેદન પત્ર આપવાનો રાજકોટમાં કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.અમદાવાદની ઘટના જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે પોલીસ સ્ટાફ તમામ રીતે સજ્જ રહે અને કોમી એખલાસ જાળવવા જરૂરી તમામ કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.