Abtak Media Google News

કોઈ પણ પ્રકારની આગોતરી જાહેરાત કર્યા વગર પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરી બંધ કરી દેવામાં આવતા અનેક અરજદારોને થયા ધક્કા

બન્ને ઝોનલ કચેરીઓ પૂર્વ અને પશ્ચિમ મામલતદાર કચેરીઓમાં સોમવારથી કાર્યરત થશે, ત્યાં સુધી રાશનકાર્ડના કામ બંધ રહેશે

કલેક્ટર કચેરી ખાતે સ્થિત બે ઝોનલ કચેરીઓમાં રાતોરાત બંધના પાટિયા લાગી જતા આજે અરજદારોમાં રઝળપાટ થઈ ગઈ હતી. સ્થળાંતરના કારણે આ કચેરી બંધ કરી દેવામાં આવી છે. જો કે આ માટે કોઈ આગોતરી જાહેરાત કરવામાં ન આવી હોવાથી શહેરના દૂરના વિસ્તારો તેમજ બહારગામથી આવેલા અરજદારોમાં રીતસરનો રોષ વ્યાપી ગયો હતો.

Advertisement

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોડેલ જન સેવા કેન્દ્ર કાર્યરત થવાનું છે. જેનું નિર્માણ હાલ જ્યા ઝોનલ કચેરી છે ત્યાં થવાનું છે. તેના માટે પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીઓને જે તે મામલતદાર કચેરીઓ ખાતે ખસેડી દેવામાં આવનાર હોવાનું અગાઉ જાહેર કરવામાં આવનાર છે. જનસેવા કેન્દ્રનું આગામી ૨૬ જાન્યુઆરીની ઉજવણીમાં લોકાર્પણ થાય તેવી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. માટે હાલ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ બન્ને ઝોનલની આજથી જ સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે પુરવઠા તંત્રે કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગર જ આજથી બન્ને ઝોનલ કચેરીઓ ઉપર બંધના પાટિયા લગાવી દીધા હતા. આજે અનેક અરજદારો રાશન કાર્ડના કામ માટે કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. પરંતુ તેઓને ધક્કા થયા હતા. પુરવઠા વિભાગ દ્વારા આજે ઝોનલ કચેરી બંધ કર્યા બાદ બપોરે જાહેરાત કરવામાં આવી હતી કે બન્ને ઝોનલ કચેરી સ્થળાંતરના કારણે બંધ કરવામાં આવી છે. આગામી તા. ૨૩થી પૂર્વ અને પશ્ચિમ મામલતદાર કચેરીએ આ બન્ને ઝોનલ કચેરીઓ કાર્યરત થવાની છે.

ઝોનલ કચેરીઓમાં રાશન કાર્ડના કામ કરાવવા માટે શહેરના દૂર દૂરના વિસ્તારો તેમજ બીજા શહેરોમાંથી લોકો આવતા હોય છે. પરંતુ પુરવઠા વિભાગે અગાઉ કોઈ પણ જાહેરાત કર્યા વગર જ અચાનક આજે ઝોનલ બંધ કરી દેતા અરજદારો રઝળી પડયા હતા. ઉપરાંત આગામી રવિવાર સુધી સ્થળાંતરની કાર્યવાહી ચાલવાની હોય આવતીકાલ સુધી ઝોનલની કામગીરી બંધ રહેવાની છે. પૂર્વ અને પશ્ચિમ મામલતદાર કચેરીમાં આગામી સોમવારથી ઝોનલ કચેરીની કામગીરી શરૂ થઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસુલી કર્મચારીઓની હડતાલ શરૂ હતી. ત્યારે પણ ઝોનલની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જેથી કામનો ભરાવો થઈ ગયો હતો. હડતાલ પૂર્ણ થયાને માત્ર પાંચ થી છ દિવસ થયાને ફરીથી ઝોનલની કામગીરી બંધ થઈ ગઈ છે. ત્યારે પણ અનેક અરજદારોને ધક્કા થયા હતા. અને આજે પણ પુરવઠા વિભાગે અગાઉથી બંધની જાહેરાત કર્યા વગર જ ઝોનલ બંધ રાખી દેતા અરજદારોને થયેલા ધક્કાની ઘટના પુનરાવર્તિત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.