Abtak Media Google News

ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવા સહિતના અલગ-અલગ બીલ પસાર કરવામાં આવશે

14મી ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી અંતિમ વિધાનસભા સત્ર મળશે. બે દિવસીય ચોમાસુ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવા સહિતના અલગ-અલગ પાંચથી છ બીલ પસાર કરવામાં આવશે. ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના આક્રમણને ખાળવા માટે આજે ભાજપના ધારાસભ્યની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં વિપક્ષના આક્રમણને ખાળવા વ્યૂહ રચના ઘડવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની મુદ્ત આગામી 20મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. નવેમ્બર માસના આરંભે વિધાનસભાની ચૂંટણીનું એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. દરમિયાન આવતીકાલથી બે દિવસ માટે 14મી વિધાનસભાનું અંતિમ ચોમાસુ સત્ર મળશે. રાજ્ય સરકાર આંદોલનથી ઘેરાય છે. આ ઉપરાંત ઢોર પકડ નિયંત્રણ વિધેયક સામે પણ માલધારી સમાજમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો છે. ચોમાસુ સત્રમાં વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. રાજ્યપાલે આ બીલને પરત મોકલ્યું છે. સરકાર પણ પીછેહટ કરવાના મુડમાં છે અને ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવાનો નિર્ણય લઇ લીધો છે.

દરમિયાન ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવશે. આ ઉપરાંત બે સુધારા બીલ પણ લાવવામાં આવશે. ગુજસીટોકમાં સુધારો અને નેશનલ લો યુનિવર્સિટી એક્ટમાં પણ ફેરફારનું બીલ લાવવામાં આવશે. 14મી વિધાનસભાના અંતિમ સત્રમાં વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્ય સરકારને અનેક મુદ્ે ઘેરી આક્રમક બનવાના મૂડમાં છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ વિપક્ષના આક્રમણ કે ખાળવા સજ્જ બની છે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોની પણ બેઠક મળશે. બે દિવસીય ચોમાસુ સત્રમાં હંગામાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.

કેબિનેટમાં આંદોલન અને વડાપ્રધાનના પ્રવાસ પર ચર્ચા

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં હાલ અલગ-અલગ વિભાગોના કર્મચારીઓ દ્વારા હાલ ચાલી રહેલા આંદોલનને ખાળવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન ઓક્ટોબર માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાંચથી છ વાર ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા હોય પીએમના પ્રવાસને લઇ પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.  આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આવામાં તેઓના ભરચક્ક કાર્યક્રમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાય હતી. આવતીકાલથી બે દિવસીય ચોમાસુ સત્રનો આરંભ થઇ રહ્યો હોય જેમાં વિપક્ષના આક્રમણને ખાળવા, ઢોર નિયંત્રણ કાયદો રદ્ કરવા, કર્મચારીઓના આંદોલનને શક્ય તેટલુ ઝડપથી સમેટાય અને વડાપ્રધાનના પ્રવાસ અંગે ચર્ચા કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.