Abtak Media Google News

રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું શિલાન્યાસ: રાજકોટથી દુનિયાના દરેક ખુણે ફલાઈટ ઉડતી હશે: નરેન્દ્રભાઈ મોદી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને આસમાની ઉંચાઈ આપતા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રોજેકટનો આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ચોટીલા નજીક હિરાસર ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ એક જંગી જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, એરપોર્ટના નિર્માણ બાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા વચ્ચે વિકાસની સ્પર્ધા જામશે. રાજકોટને દેશ અને દુનિયાનું હબ બનાવવામાં આવશે. હિરાસર એરપોર્ટના નિર્માણ બાદ દુનિયાના દરેક ખુણામાં અહીંથી ફલાઈટ ઉડતી હશે.ચોટીલા નજીક હિરાસર ખાતે રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેને સીકસલેન કરવાના ભૂમપિજન, રાજકોટ મોરબી સ્ટેટ હાઈવેને ફોરલેન કરવાના પ્રોજેકટના ખાતમુહૂર્ત સહિત કુલ ૫ પ્રોજેકટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક જંગી જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ચોટીલા કે સુરેન્દ્રનગર જિલ્લાએ કયારેય વિચાર્યું હતું કે, અહી ઈન્ટરનેશનલ એરપોર્ટ બનશે, અહીંથી વિમાન ઉડે તેને વિકાસ કહેવાય કે ન કહેવાય, આવો વિકાસ થવો જોઈએ, બાળકોનું ભવિષ્ય સુધરે તેવો વિકાસ થવો જોઈએ સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરી તેઓએ વિકાસની મજાક બનાવી દેનાર વિપક્ષને આડેહાથે લીધો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, કોઈ ગરીબ વ્યક્તિને પુછો કે તમારે ઘર જોઈએ છે કે નહીં, ગરીબોને ઘર આપવા માટે વિકાસ જરૂરી છે. અગાઉની સરકાર ગામડામાં એક હેન્ડપંપ લગાવાને વિકાસની પરિભાષા સમજતી હતી અને ત્રણ ત્રણ ચૂંટણી સુધી તેનું ગુણગાન ગાતી હતી પરંતુ આ સરકાર એવી છે જેને પાઈપ લાઈન લગાવી ર્માં નર્મદાનું પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચાડયું છે. ગુજરાતમાં નર્મદા યોજનાનો લાભ જો કોઈ જિલ્લાને સૌથી વધુ મળવાનો હોય તો તે સુરેન્દ્રનગર છે. નર્મદાના નીરથી આ જિલ્લાની સુખી ધરતી નંદનવન બનશે.પાણીમાં તાકાત છે અને આ તાકાતથી સુરેન્દ્રનગર જિલ્લો ઔદ્યોગીક વિકાસનું કેન્દ્ર બનશે, શિક્ષાનું ધામ બનશે અને રોજગારીની તકો વધશે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનવાના કારણે બન્ને જિલ્લા વચ્ચે વિકાસની તંદુરસ્ત હરીફાઈ જામશે. હુ ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું કે, આટલા મોટા એરપોર્ટ માટે ખેડૂતોની માત્ર ચાર ટકા જ જમીન સંપાદન કર્યું છે. બાકીની ૯૬ ટકા જે બંજર હતી તેના પર જ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. અગાઉની કેન્દ્ર સરકાર પાસે એવી અસર માટે કોઈ પોલીસી ન હતી. મારા નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ અમે એવીએશન માટે ખાસ પોલીસી તૈયાર કરી છે. એક રાજયમાં ૧૦ થી ૧૫ એરપોર્ટ બનાવવાનો અમારો લક્ષ્યાંક છે. હિરાસર ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયા બાદ ટૂંક સમયમાં અહીંથી ઈન્ટરનેશનલ ફલાઈટ સર્વિસ શરૂ કરવામાં આવશે અને દુનિયાના કોઈપણ ખુણામાં જવા માટે અહીંથી ફલાઈટ મળશે.રાજકોટને માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાનું હબ બનાવવામાં આવશે. ચોટીલા નજીક એરપોર્ટ બન્યા બાદ તરણેતરનો વિખ્યાત મેળો આંતરરાષ્ટ્રીય મેળો બની જશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ અમદાવાદ હાઈવે પર અગાઉના વર્ષોમાં અઠવાડિયામાં ચાર વખત જીવલેણ અકસ્માતો સર્જાતા હતા. કોઈના લાડકવાયા છીનવાઈ ન જાય તે માટે ગુજરાતમાં કેશુભાઈની સરકાર આવ્યા બાદ આ રસ્તાને પહોળો કરવાના નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માતોની સંખ્યામાં ખૂબજ ઘટાડો આવી ગયો છે. ટ્રાફિક વધતા હવે સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ હાઈવેની સીકસલેન કરવામાં આવશે. જેનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું છે. જયારે સીરામીક નગરી મોરબીથી રાજકોટ સુધીનો હાઈવે ફોરલેન કરવામાં આવશે.આગામી વર્ષ ૨૦૨૨માં ભારત આઝાદીના ૭૫ વર્ષ પુરા કરી ર્હયું છે. ત્યારે હું દરેક દેશવાસીને એવું આહ્વાન કરું છું કે, દેશને કંઈક આપવા માટે સંકલ્પ કરે, સુરેન્દ્રનગર સુખી ધરતી પર નર્મદાના નીરનું અવતરણ થયું છે ત્યારે મહિલાઓ જેટલા આશિર્વાદ આપે તેટલા ઓછા છે. પાણી એ પરમાત્માનો પ્રસાદ છે ત્યારે આ પારસણીનો કરકસરયુકત વપરાશ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવે તેવું મારું આહવાન છે.આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રદાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતના અનેક કામો અટકાવ્યા હતા પરંતુ નરેન્દ્રભાઈની સરકાર બન્યા બાદ ગુજરાતનો વિકાસ અટકયો નથી. ગુજરાતનો વિકાસ અને મોદી એક બીજાના પર્યાય બની ગયા છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ માટે વિકાસ માત્ર એક મજાક છે જયારે અમારા માટે એ મિજાજ બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.