Abtak Media Google News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ફરી એક વાર દેશની સૌથી મોટી કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ મંગળવારે 7.52 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. તેણે 7.42 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપવાળી ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને પાછળ છોડી દીધી. રિલાયન્સ પોતાના શેર ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચવાના કારણે નંબર વન બની. તેનો શેર મંગળવારે 3.5% ઊછળીને સાથે રૂ.1,189 પર પહોંચી ગયો. જેમાં કુલ 40.30 રૂપિયોનો વધારો નોંધાયો. ટીસીએસના શેરમાં 0.33%નો ઘટાડો જોવા મળ્યો અને તે 1,938.5 રૂપિયા પર હતો.

2013માં ટીસીએસે માર્કેટ કેપના મામલે રિલાયન્સને પાછળ છોડી દીધી હતી. ચાર વર્ષ બાદ એપ્રિલ 2017માં રિલાયન્સે ફરી ટીસીએસને પાછળ છોડી. ત્યારથી બંને વચ્ચે બરાબરની ટક્કર ચાલી રહી હતી. જાન્યુઆરી 2018માં ટીસીએસ 6.11 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે ફરી નંબર વન બની.

12 જુલાઈના રોજ રિલાયન્સની માર્કેટ કેપ 11 વર્ષમાં બીજી વાર 100 અબજ ડોલર (6.90 લાખ કરોડ રૂપિયા)ને પાર થઈ હતી. પરંતુ, તે સમયે પણ 111 અબજ ડોલરની સાથે ટીસીએસ નંબર વન પર કાયમ રહી હતી. આ પહેલા 18 ઓક્ટોબર 2007ના રોજ પણ રિલાયન્સે 100 અરબ ડોલરની માર્કેટ વેલ્યૂ પ્રાપ્ત કરી હતી.

આ નાણાકીય વર્ષમાં પહેલા ક્વાર્ટરના પરિણામોમાં રિલાયન્સની નેટ પ્રોફિટ 18% વધી 9,459 કરોડ રૂપિયા થઈ છે. આ કારણે તેના શેરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. રિલાયન્સને જિયો, પેટ્રોકેમિકલ અને રિફાઇનિંગ ઓપરેશનથી મજબૂતી મળી. બીજી તરફ, દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસનો પ્રોફિટ 24% વધી 7.340 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ગ્રોથ અને કંપનીના ઉત્તર અમેરિકન ઓપરેશન્સના કારણે ટીસીએસ મજબૂત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.