Abtak Media Google News

ભેજાબાજ ઠગે વેટ ચોરી કરી સરકાર સાથે કરી ઠગાઈ

શહેરના ભેજાબાજ ઠગે ડમી પેઢી કાગળ ઉપર બનાવી તેના બોગસ બીલના આધારે રૂ.૨.૬૭ કરોડના વેટ ચોરી કરી સરકાર સાથે છેતરપિંડી કર્યા અંગેનો પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે ઠગ વેપારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રજપૂતપરામાં શૈલેષ ટ્રેડિંગ નામે ઓફિસ ધરાવતાં વેપારીએ ખોટા બીલો ઉભા કરી વેરો ઉઘરાવી સરકાર સાથે રૂ. ૨,૬૭,૭૬,૬૨૬ની કરચોરી કરી છેતરપીંડી કર્યાનો ગુનો દાખલ થયો છે.

Advertisement

આ બારામાં એ-ડિવીઝન પોલીસે ગોંડલની રામનગર સોસાયટીમાં તુલસી ટાવર રોડ ખાતે રહેતાં અને રાજકોટ બહુમાળી ભવનમાં બેસતી સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ઘટક-૨માં રાજ્ય વેરા નિરિક્ષક ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં વિશ્વનાથ હીરાલાલ રામાણીની ફરિયાદ પરથી રજપૂતપરા શેરી નં. ૨/૫માં ખોડિયાર ચેમ્બર્સની બાજુમાં આવેલા અમરદીપ કોમ્પલેક્ષમાં ઓફિસ નં. ૩૧૩માં શૈલેષ ટ્રેડિંગ નામે ધંધો કરતાં મંથન શૈલેષભાઇ રાઠોડ ટીન નંબર મેળવ્યા બાદ સિમેન્ટ, પેપરવેસ્ટ રિસાયકલ્ડ પેપર અને લાકડાના વેંચાણ અંગેની નોંધણી કરાવી કોઇપણ વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેમાં વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇનો ભંગ કરી રૂ. ૨,૬૭,૭૬,૬૨૬ની કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે. રજપૂતપરામાં ઓફિસ રાખી ધંધો કરે છે. તેણે તા. ૭-૪-૧૪થી અમલી બનેલો ટીન નંબર મેળવ્યો હતો. આ ટીન નંબર સિમેન્ટ, પેપરવેસ્ટ, રિસાયકલ્ડ પેપર અને લાકડાના વેંચાણ માટેનો હતો. ધંધાના સ્થળે તા. ૨/૬/૧૬ના રોજ આકારણી માટે નોટીસ બજાવવાની કામગીરી કરવામાં આવી હતી અને કાયદાની જોગવાઇ મુજબ જરૂરી હિસાબો અને પુરાવા રજૂ કરવા જણાવાયું હતું.

નોટીસની બજવણી થઇ જવા છતાં મંથન રાઠોડએ તેના વ્યવસાયના કોઇ હિસાબો કે જરૂરી પત્રકો કે પુરાવા આકારણી માટે આપ્યા નહોતાં. તેણે ધંધાના સ્થળે કોઇપણ પ્રકારના સિમેન્ટ, પેપરવેસ્ટ, રિસાયકલ્ડ પેપર કે લાકડાનું વેંચાણ કરી માત્ર બિલીંગ પ્રવૃતિ આચરી સરકારી આવકને નુકસાન કરવાનું કૃત્ય કર્યાનું તપાસમાં સામે આવતાં રજીસ્ટર એડીથી ફાઇનલ નોટીસ બજાવી હતી. આમ છતાં તે હાજર રહ્યા નહોતાં આ વેપારીએ નોંધણી નંબર મેળવ્યા બાદ કાયદાની કલમ પત્રકો ભરવા માટે જવાબદાર હતાં.

તેણે નોંધણી નંબર મેળવ્યા બાદ ભરેલા ઓનલાઇન પત્રકો અને વેટીસના રિવર્સ રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૪-૧૫ના સમયમાં ભરેલા પત્રકોમાં ન ખરીદ વેંચાણના વ્યવહારો ખરેખર કર્યા ન હોવા છતાં રૂ.૧૪,૩૬,૬૮,૯૭૫ના વેંચાણો દર્શાવી (ઉપજાવી) તેના ખોટા બીલમાં કુલ રૂ. ૯૭,૪૬,૭૫૯નો વેરો રૂ. ૧૪,૩૬,૬૯૦નો વધારાનો વેરો મળી કુલ રૂ.૧,૨૧,૮૩,૪૪૯નો વેરો ગેરકાયદેસર રીતે ઉઘરાવ્યાનું સામે આવ્યું હતુ. આ રકમ પર એટલો જ દંડ મળી કુલ રૂ. ૨,૪૩,૪૧,૮૯૮ જેટલા રૂપિયા સરકારના બાકી લેણા નીકળતાં હોઇ તેણે  આ રકમ સરકારમાં ન ભરી કરચોરી કરતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.  એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ જે.ડી. વસાવાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.