Abtak Media Google News

રાજકોટથી અમદાવાદ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે: પ્રોજેકટ માટે રૂા.૧૧,૩૦૦ કરોડનો ખર્ચ થશે: ડાયરેકટ, ઈનડાયરેકટ ૯૬૦૦ નોકરીઓની તક ઉભી થશે

રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, એઈમ્સ, બસપોર્ટ, રેસકોર્સ-૨ સહિતની અનેકવિધ ભેટ આપનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓને આજે વધુ એક રૂપકડી ભેટ આપી છે. રાજકોટ-અમદાવાદ સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેકટને મંજુરીની મહોર મારવામાં આવી છે. આ પ્રોજેકટને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર પ્રોજેકટ સાથે જોડવામાં આવશે. પ્રોજેકટ પાછળ રૂા.૧૧,૩૦૦ કરોડનો ખર્ચ થશે. આગામી ૩૦ વર્ષ સુધી આ પ્રોજેકટ થકી ૨૩૦૦ ડાયરેકટ અને ૭૩૦૦ ઈનડાયરેકટ નોકરીઓની તક ઉભી થશે હવે રાજકોટથી અમદાવાદ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે આ પ્રોજેકટ ખરેખર આશીર્વાદરૂપ પુરવાર થશે. દરરોજ નવા અને લોકહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયો લેવાની પરંપરા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાળવી રાખી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ-અમદાવાદને વધુ એક ભવ્ય ભેટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ ૧૧૩૦૦ કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. ગુજરાતની રૂપાણી સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર ૪૭ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર ૨ કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં અને બીજા શહેરોની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે.

અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે ૯ ટકાના દરે વધી રહી છે. ૨૦૦૭માં બંને શહેરો વચ્ચે દર વર્ષે ૧૯ લાખ લોકો મુસાફરી કરતા જે ૨૦૧૭માં વધીને પ્રતિવર્ષ ૪૫ લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર ૩ કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્ષે ૫૦ લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર થતાં લાખો-કરોડો લોકોને આ પ્રોજેક્ટનાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે અને તે જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા કેટલાક સર્વે કરવા માટે કહ્યું છે. સરકાર અમદાવાદ-મુબંઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેક્ટ માટે ૧૧૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી ૩૦ વર્ષ સુધી ૨૩૦૦ ડાઈરેક્ટ અને ૭૩૦૦ ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.