Abtak Media Google News

ગુજરાતમાં રોજીરોટી માટે એક દશકામાં સ્થળાંતર કરીને આવેલા પરપ્રાંતીયોની સંખ્યામાં ૭૯ ટકાનો વધારો થયાનો અભ્યાસ

વેપારી ગણાતા ગુજરાતી લોકો રોજી રોટી રળવા માટે દાયકાઓથી દેશ વિદેશના શહેરોમાં સ્થળાંતર કરતા રહ્યા છે જેના કારણે રાજયમાં ગ્રામ્ય જીવન અને ખેતીનો વ્યવસાય સતત તુટી રહ્યો છે આ સ્થિતિમાં છેલ્લા એક દશકામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રોજી રોટી માટે ગામડાઓથી મોટા શહેરો તરફની દોટમાં ૭૯ ટકાનો વધારો થવા પામ્યો છે. ઉપરાંત રાજયના શહેરોમાં થયેલી ઔદ્યોગીક વિકાસના કારણે રોજીરોટી રળવા માટે આવતા પરપ્રાંતીયોની સંખ્યામાં ૬૫ ટકા જેવો વધારો થવા પામ્યો છે. આ વિગતો વસ્તી ગણતરીના વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૧ના આંકડાઓ પરથી બહાર આવવા પામી છે.

આ આંકડાઓ મુજબ આ એક દશકામાં રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં સ્થાયી થવાની સંખ્યામાં ૭૯ ટકાનો વધારો થવા પામ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાંસ્થાયી થવાની સંખ્યામાં માત્ર ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. રાજયમા થયેલા ઔદ્યોગીક વિકાસ બાદ પરપ્રાંતમાંથી રોજીરોટી રળવા કે નોકરીયાત આવેલા પરપ્રાંતીયોની સંખ્યા ૬૫ ટકાનો વધારો આ દશકામાં જોવા મળ્યો છે. જેમાં મહિલાઓની સંખ્યામાં૩૦ ટકાનો જયારે પુરૂષોની સંખ્યામાં ૬૩.૧૪ ટકાનો વધારો થવા પામ્યો છે. આ દશકામાં બિહારમાંથી ગુજરાતનાં શહેરી વિસ્તારમાં સ્થાયી થયેલા પરપ્રાંતીયોની સંખ્યામાં ૧૬૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. કેરળમાંથી ૧૧૬ ટકાનો મધ્ય પ્રદેશમાંથી ૧૧૬ ટકાનો જયારે પશ્ચિમ બંગાળમાંથી ૧૧૨ ટકા વધારે પરપ્રાંતીયો રાજયમાં સ્થાયી થયા છે.

ઉપરાંત, ગુજરાતમાં રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને આવેલા નાગરીકોની સંખ્યા પણ ખૂબ મોટી છે. જયારે બીજી બાજુ ઝારખંડમાંથી રાજયમાં સ્થાયી થયેલા નાગરીકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. આ પરપ્રાંતીયોની ગ્રામીણ વિસ્તારમાં સ્થાયી થવાની સંખ્યામાં આ દશકામાં ૭૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. કટક યુનિ.નાં સંશોધનકારો રમ્યા બેચેરા દીપક પાંડા અને પ્રિતીરેખા દશપટ્ટનાયક દ્વારા ગુજરાતની મજબૂત અને વિકસિત અર્થ વ્યવસ્થા અંગે કરેલા સંશોધન દરમ્યાન આ વિગતો બહાર આવવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશના બહુ ઓછા રાજયોમાંનું એક રાજય છે કે જયાં કાપડ, પેટ્રોકેમીકલ્સ, ફાર્માસ્યુટીકલ્સ અને કૃષિ આધારિત વિવિધ પ્રોડકટોમાં વિશ્ર્વ સ્તરીય ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઉદ્યોગો છે ઉપરાંત વિશાળ પાવર હાઉસ પ્રોજેકટો પણ રાજયમાં કાર્યરત છે.

રાજયમાં મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કક્ષાના ઔદ્યોગીક એકમો, આવેલા છે ઉપરાંત, બહુરાષ્ટ્રીય ખાનગી ક્ષેત્રની કંપનીઓ આર્થિક રીતે મજબૂત જાહેર ક્ષેત્રનાં સાહસોના એકમો પણ રાજયમાં આવેલા છે. જેમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય નાગરીકો નોકરીમ ટે રાજયમાં સ્થાયી થયા છે. રાજયના શ્રમ વિભાગના એક વરિષ્ટ અધિકારીએ આઅંગે એવું જણાવ્યુ હતુકે ગુજરાતનાં દરિયાકાંઠે આવેલા મત્સ્યઉદ્યોગમાં રોજીરોટી માટે મોટા પ્રમાણમાં કેરળના શ્રમિકો સ્થળાંતર કરીને સ્થાયી થયા છે. કેરળના આ શ્રમિકોમાં મહિલાઓની સંખ્યા વધારે છે. ઉપરાંત, બાંધકામ, કાપડ વગેરે જેવા ઉદ્યોગો અને અમદાવાદ સુરત કોરીડોરમાં આવેલી નાની મોટી સેંકડો હોટલોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.